વાવાઝોડાની આગાહીના પગલે ખેડૂતે ૧૫ વીઘા જમીનમાં તૈયાર થયેલ અનમોલ તલનો પાક બચાવી લીધો


માહિતી બ્યુરો, મોરબી

ખેતીવાડી ખાતાની સુચનાઓનું પાલન કરી ખેડૂતે ૨ કલાકમાં પાકની કાપણી (લલણી) કરાવી

કહેવાય છે ને કે ચેતતો નર સદાય સુખી. આવી જ કઇંક વાત સાબીત થઇ છે આ વાવાઝોડાના પ્રકોપમાં. હવામાન ખાતા દ્વારા વાવાઝોડું આવવાના પહેલાથી જ સમય સાવધાનીના પગલે તમામ નાગરિકોને સાવચેત રહેવા માટે એલર્ટ કરી દીધા હતા. તમામ નાગરિકોને પોતાના ધંધા વ્યવસાય અને રહેઠાણને ધ્યાને લઇને અગમચેતીના પગલાં લેવા માટે ચેતવણી પણ આપી હતી. જેથી યોગ્ય પગલાં લઇને વાવાઝોડારૂપી કુદરતી પ્રકોપ સામે ઓછામાં ઓછું નુકસાન થાય.હવામાન ખાતાની આગાહી અને મોરબી જિલ્લા વહિવટી તંત્રની સતર્કતાથી મોરબી જિલ્લાના ખેડૂતોને વાવાઝોડાની આગાહી થતાં જ સાવચેતીના યોગ્ય પગલાં લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો તેના પગલે મોરબી તાલુકાના ઘુનડા (સજ્જનપર)ના ખેડૂત રઘુભાઇ રંગપરીયાએ સમય વર્તે સાવધાન રહીને પોતાના ૧૫ વીઘાના ખેતરમાં તૈયાર થયેલ તલના પાકને કંઇ પણ નુકસાન થાય તે પહેલાં જ બચાવી લીધો હતો.

મોરબી તાલુકાના ઘુનડા (સજ્જનપર) ગામના ખેડૂત રઘુભાઇ રંગપરીયા જણાવે છે કે, અમારા ૧૫ વીઘાના ખેતરમાં તલનો પાક તૈયાર થઇ ગયો હતો. હવામાન ખાતાની વાવાઝોડાની આગાહી થયા બાદ ખેતરે તાત્કાલીક હાર્વેસ્ટર બોલાવીને ૧૫ વીઘા જમીનમાં તૈયાર થયેલ તલના પાકને ૨ કલાકમાં જ કાપણી (લલણી) કરીને ખેતરમાં જ બનાવેલ ગોડાઉનમાં સુરક્ષીત રીતે સાચવીને રાખી દીધો હતો. વાવાઝોડામાં ભારે પવન ફુંકાયો હતો પરંતુ અમારી અગમચેતી અને ખેતીવાડી ખાતાના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અમારા પાકને નુકસાન થતાં બચાવી લેવાયું છે. નહીંતર આ બધો પાક નિષ્ફળ જાત. અમારી તૈયારીના પગલે અમે આ પાક બચાવી શક્યા છીએ. ખેતીવાડી ખાતા તરફથી માહિતી મળી જેથી અમે વહેલાસર આ આયોજન કરી અમારા પાકને બચાવી લીધો છે.

 

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....