૧૫ મિટરની ઊંચાઈ ધરાવતા બિલ્ડીંગ ફાયર એનઓસી ફરજિયાત

રાજ્યમાં હોસ્પિટલો, સ્કૂલો, અમુક ઉદ્યોગો અને નિશ્ચિત ઊંચાઈના લો રાઈઝ અને હાઈરાઈઝ બિલ્ડીંગો માટે ફાયર એનઓસી લેવાનું ફરજીયાત બન્યું છે. ગુજરાત સરકારે સ્ટેટ ફાયર સર્વિસની રચના કરી પ્રતિ વર્ષ ફાયર એનઓસી રિન્યૂ કરવાની સરળતા રહે તે માટે ડીજીટલાઈઝેશનની કવાયત શરુ કરી છે. હાલમાં રાજ્યમાં છ રિજનલ ફાયર ઓફિસર કચેરી કાર્યરત કરવાની કવાયત ચાલી રહી છે. રાજ્યના એક લાખ બિલ્ડીંગને ફાયર એનએનઓસી અને ડિજીટલાઈઝેશનની કવાયત શરુ કરાઈ છે તેમાં અંદાજે ૨૫,૦૦૦ બિલ્ડીંગોની નોંધણીની કામગીરી પૂર્ણતાને આરે છે. નજીકના ભવિષ્યમાં સ્ટેટ ફાયર સર્વિસને સ્વાયત્તતા અને સત્તા સાથે ફાયર પ્રિવેશન્સ વિંગ કાર્યરત કરવામાં આવશે.

આગની ઘટનાઓ જીવલેણ બની રહી છે ત્યારે સ્ટેટ ફાયર સર્વિસની રચના કરવામાં આવી છે. રાજ્યભરમાં ૧૫ મિટરની ઊંચાઈ ધરાવતા કોઈપણ બિલ્ડીંગ માટે ફાયર એનઓસી ફરજિયાત બનાવાઈ છે. આવા બિલ્ડિંગોને ફાયર એનઓસી આપવાનું કામ આસાન નથી. એક અંદાજ મુજબ, પ્રાથમિક તબક્કામાં જ રાજ્યની એક લાખ જેટલી બિલ્ડિંગો માટે ફાયર એનઓસી લેવું જરુરી બને તેમ છે. ફાયર એનઓસીની કામગીરી સરળ અને ઝડપી બને તે માટે સ્ટેટ ફાયર સર્વિસને સ્વાયત્તતા આપવા સાથે છ રિજનલ ફાયર કચેરી કાર્યરત કરવાની કવાયત પૂરવેગે ચાલી રહી છે. રિજનલ કમિશનર કચેરી સાથે આરએફઓ કચેરી રહેશે. રિજનલ કમિશનર કચેરીના તાબામાં જેટલી નગરપાલિકા આવતી હશે તે બધી આરએફઓ નીચે કાર્યરત રહેશે. જ્યારે, ફાયર સિસ્ટમ તપાસ્યા પછી એનઓસી આપવાની સત્તા હવે પાલિકાના ફાયર ઓફિસરોને આપવામાં આવી છે. જો કે, આ કામગીરીથી ખૂબ મોટો કાર્યભાર આવી પડવાનો કચવાટ ફાયર બ્રિગેડ સાથે સંકળાયેલા અધિકારીઓમાં છે.