PM Care Fund હેઠળ DRDO દ્વારા વધુ એક ઓક્સિજન પ્લાન્ટની નર્મદા જિલ્લાને ભેટ

PM Care Fund હેઠળ DRDO દ્વારા વધુ એક ઓક્સિજન પ્લાન્ટની નર્મદા જિલ્લાને ભેટ

દૈનિક ૧.૮૭ મેટ્રીક ટન ઓક્સિજન ઉત્પાદન ક્ષમતાવાળા પ્લાન્ટથી અંદાજે ૭૦ બેડને ઓક્સિજનની અવિરત સુવિધા પુરી પાડી શકાશે

રાજપીપલા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લા મથકે  રાજપીપલામાં આયુર્વેદિક કોલેજ ખાતે કાર્યરત કોવિડ-૧૯ હોસ્પિટલ માટે PM Care Fund  હેઠળ DRDO દ્વારા નવા ઓક્સિજન પ્લાન્ટની સામગ્રીની રાજપીપલા કોવિડ હોસ્પિટલ ખાતે ડિલીવરી મળી જતાં નર્મદા જિલ્લાને વધુ એક મોટા ઓક્સિજન પ્લાન્ટની આજે ભેટ મળી હોવાની જાણકારી કોવિડ-૧૯ હોસ્પિટલના નોડલ અધિકારી, CDMO અને સિવીલ સર્જન ડૉ. જ્યોતિબેન ગુપ્તા તરફથી પ્રાપ્ત થઇ છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, અંદાજે બે ટનના આ ઓક્સિજન પ્લાન્ટ માટે નર્મદા જિલ્લા વહિવટીતંત્રએ છેલ્લા બે માસથી રોજબરોજનું સતત લાયઝનીંગ અને મોનીટરીંગ કર્યુ છે અને તેનું સિવિલ તથા ઇલેક્ટ્રીકલ વર્ક નેશનલ હાઇવે ઓથોરીટીના CS પાસેથી કરાવ્યું છે જ્યારે આ પ્લાન્ટ તૈયાર કરીને તેના ઇન્સ્ટોલેશનની કામગીરી DRDO દ્વારા થઇ છે. આમ આ બન્ને સંસ્થા સાથે છેલ્લા બે મહિનાના સતત સંકલન અને ફોલોઅપની લીધે આ પ્લાન્ટનું કામ શક્ય બન્યું છે. આ અગાઉ કોવિડ-૧૯ હોસ્પિટલને ૧ ટનના પ્લાન્ટસ મળેલ હતા. ત્યારબાદ તેનાથી ડબલ ક્ષમતાવાળો ૨ ટનનો પ્લાન્ટ નર્મદા જિલ્લાને મળતા, હવે તે મુજબની સુવિધા પ્રાપ્ત થઇ છે. PM Care Fund હેઠળ DRDO મારફત પ્રાપ્ત થયેલ આ ઓક્સિજન પ્લાન્ટ દૈનિક ૧.૮૭ મેટ્રીક ટન ઓક્સિજન ઉત્પાદનની ક્ષમતા ધરાવે છે. એટલે રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલમાં ઓક્સિજનવાળા ૭૦ જેટલા બેડને અવિરત ઓક્સિજનની જરૂરીયાત પૂરી પાડી શકાશે.