દેશમાં 26 હજારથી વધુ બાળકોએ માતા-પિતામાંથી એકને ગુમાવ્યાં

રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (NCPCR)એ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે કોરોના મહામારીને કારણે 30,071 બાળકો નિઃસહાય થયાં છે, જેમાં 26,176 બાળકોએ માતા-પિતામાંથી કોઈ એકને ગુમાવ્યાં છે અને 3,621 બાળકો અનાથ થયાં છે. વળી, 274 બાળકોને તો તેમનાં નજીકનાં સગાં-સંબંધીઓએ પણ તરછોડી દીધાં છે.

મધ્યપ્રદેશમાં સૌથી વધુ 706 બાળકો અનાથ થયાં છે. એની સાથે MPમાં 226થી વધુ બાળકોને તરછોડી દીધાં હોય એવું પણ પ્રકાશમાં આવ્યું છે. NCPCRએ સોમવારે કોર્ટમાં જાહેર કરેલા સોગંદનામામાં જણાવ્યું હતું કે 1 એપ્રિલ, 2020થી 5 જૂન 2021 સુધીના આંક સ્વરાજ પોર્ટલ પર દર્શાવાયા છે. જોકે પોર્ટલમાં મૃત્યુના કારણનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.