રેસિડેન્ટ તબીબો અને બોન્ડેડ તબીબોને ફરજ પરથી મુક્ત કરવામાં આવ્યા

અમદાવાદના સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં બોન્ડેડ તબીબોની હડતાળને લઈને બી.જે. મેડિકલ કોલેજ દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે.જેમાં રાજ્ય સરકાર સામે બાંયો ચઢાવનારા બોન્ડેડ તબીબોની હાલત વધુ કફોડી થશે.બી.જે. મેડિકલ કોલેજમાં કામ કરતા રેસિડેન્ટ તબીબો અને બોન્ડેડ તબીબોને ફરજ પરથી મુક્ત કરવામાં આવ્યો છે અને હોસ્ટેલ એકોમડેસન ખાલી કરી દેવાના પણ આદેશ આપવામાં આવ્યા છે.

નોંધપાત્ર બાબત એ છે કે, બદલીના હુકમમાં સરકારે હવે કોરોના કેસો ઘટયા હોવાથી આ તબીબોની જરૂર સિવિલ કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં વધુ છે એવી નોંધ કરી હતી પરંતુ (દ્રષ્ટાંત તરીકે) રાજકોટથી આવા ૪૮ તબીબ ગામડે નથી ગયા ત્યાં જ આજે આરોગ્યનાં વિભાગીય નિયામકે ગામડે ફરજ પર હતા એમાંથી પણ વર્ગ-૨ના ૧૭ ડોકટરોને રાજકોટ મૂકી દીધા! કુવાડવા, કોલીથડ, કોટડાસાંગાણી, જામકંડોરણા, ભાયાવદર, મોટી મારડ, લોધિકા, વીરપુર, વિંછીયા, સાણથલી અને શાપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમજ જેતપુર, ધોરાજી, જસદણ સરકારી હોસ્પિટલ ખાતેથી આ ૧૭ તબીબને હડતાળ ચાલુ રહે ત્યા સુધી રાજકોટ સિવિલમાં સેવાઓ અસરગ્રસ્ત ન બને એ માટે રાજકોટ નિમણુંક આપી દેવાઈ છે.

રાજકોટના ૪૮ બોન્ડેડ ડોકટરના ટેકામાં જે ૨૫૦ રેસિડન્ટ ડોકટર હડતાળ પર છે તેની સામે આ ૧૭ ઓર્ડર થયા છે! હડતાળ પર ગયેલા ડોકટરોમાં એ ઉપરાંત ૧૨૫ ઈન્ટર્ન્સ અને ૩૦ સિનિયર રેસિડન્ટ્સ પણ સામેલ હોવાથી ઈમર્જન્સી સહિતની ટ્રીટમેન્ટ હાલ એસોસિએટ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર, ટયૂટર વગેરે જૂજ તબીબોના હવાલે રહી જશે. આજે સવારે ડોકટરોએ ધરણાં – દેખાવો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતાં. ૪૮ બોન્ડેડના રીલિવિંગ ઓર્ડર નીકળી ગયા છે, જે તેમણે સ્વીકાર્યા નથી. સરકાર અને તબીબોની ભાંજગડમાં દર્દીઓનું હિત જાણે કોરાણે મૂકાઈ ગયું છે.

જામનગરમાં પણ સરકારી જી.જી. હોસ્પિટલના તબીબોને મળેલા પરિપત્રના સંદર્ભમાં તેમજ જુદી જુદી માંગણીઓને લઈને ૧૬૦થી વધુ તબીબો હડતાળ પર ઉતર્યા હતાં. જેનો સરકાર તરફથી કોઈ પ્રતિભાવ મળ્યો ન હોવાથી આજે જી.જી. હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો પણ હડતાલમાં જોડાઈ ગયા છે, અને ૪૦૦થી વધુ તબીબો સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. ત્યારે જી.જી. હોસ્પિટલની માત્ર ઓપીડી પાંચ વાગ્યા સુધી ચાલુ રખાઈ છે. સિવિલ હોસ્પિટલના સિનિયર તબીબો દ્વારા સારવારની પ્રક્રિયા ચલાવવામાં આવી રહી છે, જેથી હોસ્પિટલમાં ભારે દોડધામ થઈ છે.

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....