૭૫માં સ્વાતંત્ર્ય દિનની જિલ્લા કક્ષાની ઉજવણી દાહોદનાં પોલીસ પરેડ ગ્રાંઉન્ડ ખાતે કરવામાં આવશે

 

 

 

૭૫માં સ્વાતંત્ર્ય દિનની જિલ્લા કક્ષાની ઉજવણી દાહોદનાં પોલીસ પરેડ ગ્રાંઉન્ડ ખાતે કરવામાં આવશે
આદિજાતિ વિકાસ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા જિલ્લા કક્ષાની ઉજવણીમાં ધ્વજવંદન કરશે
સ્વાતત્ર્ય દિનની ઉજવણી તમામ તાલુકાઓ ઉપરાંત ગ્રામ પંચાયત કક્ષાએ પણ કરવામાં આવશે
તમામ તાલુકાઓમાં સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ સાંજે ૬ વાગે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે

દાહોદ, તા. ૧૨ : ૭૫માં સ્વાતંત્ર્ય દિનનાં પાવન પર્વની ઉજવણી દાહોદ જિલ્લામાં ખૂબ જ ભવ્યતા અને ઉત્સાહ સાથે કરવાની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં દાહોદ નગરનાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે ૮.૫૮ વાગેથી જિલ્લા કક્ષાની ઉજવણીનું તમામ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આદિજાતિ વિકાસ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા રાષ્ટ્રધ્વજને સલામી આપશે.
સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ઉક્ત સમય અનુસાર જ તમામ તાલુકા તેમજ ગ્રામ પંચાયત કક્ષાએ પણ ભવ્ય રીતે કરવામાં આવશે. જેમાં કોરોના સંક્રમણને ધ્યાને રાખીને માસ્ક-સામાજિક અંતર સહિતના તમામ નિયમોનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. જયારે સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ તા. ૧૪ ઓગસ્ટે સાંજે ૬ વાગ્યાથી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન જિલ્લા કક્ષા ઉપરાંત તમામ તાલુકામાં કરવામાં આવશે. જેમાં ૩૦ મિનિટનાં સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં જુનાગઢથી યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે.
૭૫માં સ્વાતંત્ર્ય દિનનાં અવસરે કોરોના વોર્રિયસનું સન્માન કરવામાં આવશે તેમજ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવશે.
જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમાર, નિવાસી અધિક કલેક્ટર શ્રી એ.બી. પાંડોર, નાયબ વનસંરક્ષક શ્રી આર.એમ. પરમાર, પ્રાયોજના વહીવટદાર શ્રી બી.ડી. નિનામા, જિલ્લા આયોજન અધિકારી શ્રી ગેલાત સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.