ગરૂડેશ્વર અને દેડીયાપાડા ને પશુ સારવાર માટે મોબાઈલ વાન મળી : રાજપીપળા કલેક્ટરાલય ખાતે લિલી ઝંડી અપાઈ
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહ, જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા, જિલ્લા પંચાયતની પશુપાલન સમિતિના અધ્યક્ષ સંગીતાબેન તડવી, ICICI ફાઉન્ડેશનના સી.ઓ.ઓ (C.O.O) અનુજ અગ્રવાલ, જિલ્લા આયોજન અધિકારી એસ.એસ.પાંડે, નાયબ પશુપાલન નિયામક ડૉ.જે.આર.દવે સહિત ICICI ફાઉન્ડેશન તેમજ પશુપાલન વિભાગના અન્ય અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે CSR ફંડની પ્રવૃત્તિઓ હેઠળ અંદાજે રૂા.૨૦ લાખના ખર્ચે પશુ સારવાર માટેની ૨(બે) મોબાઇલ વાનનું લોકાર્પણ કરાયું હતું. જેમાં એક વાન ગરૂડેશ્વર તાલુકા માટે અને બીજી વાન દેડીયાપાડાના અંતરિયાળ અને દુર્ગમ વિસ્તાર માટે ફાળવવામાં આવી છે.
રાજપીપલા કલેક્ટરાલયના સભાખંડ ખાતે યોજાયેલા પશુ સારવાર મોબાઇલ વાનના લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાએ જણાવ્યું હતું કે, ICICI ફાઉન્ડેશન ધ્વારા નર્મદા જિલ્લામાં પશુપાલનમાં બકરા પાલનની પ્રવૃત્તિને પ્રોત્સાહન મળવાથી તેને વેગ મળશે અને આ વ્યવસાયમાં જોડાયેલી બહેનો વધુ સક્ષમ બનશે. બકરા પાલન પ્રવૃત્તિમાં મહત્તમ બહેનો જોડાઇને આ યોજનાનો લાભ લે તેવા સક્રિય પ્રયાસો હાથ ધરવા પણ તેમને ખાસ અનુરોધ કર્યો હતો.
ICICI ફાઉન્ડેશનના સી.ઓ.ઓ (C.O.O) અનુજ અગ્રવાલે નર્મદા જિલ્લામાં હાથ ધરાયેલા પશુપાલન વિકાસ અંતર્ગત બકરા પાલન પ્રોજેક્ટની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે, એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ અંતર્ગત નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાની રાહબરી હેઠળ જિલ્લા પ્રશાસનના સક્રિય સહયોગ અને સુચારા સંકલનની ફલશ્રૃતિ રૂપે માત્ર ત્રણ જ મહિનાના ટૂંકા સમયગાળામાં ICICI ફાઉન્ડેશનના આ પ્રોજેક્ટના અમલીકરણના પ્રારંભની સફળતા પ્રાપ્ત થઇ છે. જિલ્લા પ્રશાસન તરફથી પ્રોજેક્ટ અમલીકરણમાં મળેલા અખૂટ પ્રોત્સાહનને લીધે ICICI ફાઉન્ડેશનનો આ કામગીરીમાં ઉત્સાહ બેવડાયો છે, ત્યારે આ જિલ્લામાં હજી પણ લોકજરૂરિયાત મુજબની સુવિધાઓ ગુણવત્તાસભર પૂરી પાડવાની અમારી કાર્યપ્રણાલી સતત આગળ ધપતી રહેશે, તેમ વધુમાં ઉમેર્યું હતું.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇
સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો