VALSADVALSAD CITY / TALUKO

વલસાડ જિલ્લામાં 23 એમ્બ્યુલન્સ ફાળવાતા ડુંગરાળ વિસ્તારમાં પ્રસુતિ, કુટુંબ નિયોજન અને સોનોગ્રાફી ટેસ્ટમાં સફળતા

— ખાનગી દવાખાના અને હોસ્પિટલોના ધક્કા તેમજ મસમોટા બિલ ચૂકવવામાંથી સગર્ભા બહેનોને મુક્તિ મળતા રાહત  

— પહેલા એમ્બ્યુલન્સ ન હોવાથી પ્રસુતિ સમયે ઈમરજન્સીની સ્થિતિને પહોંચી વળવામાં મુશ્કેલી પડતી હતી

— ગત વર્ષની સરખામણીએ ડિસેમ્બર 2022 સુધીમાં સરકારી દવાખાનાઓમાં 404 પ્રસુતિ વધુ થતા એમ્બ્યુલન્સો આશીર્વાદરૂપ પૂરવાર થઈ 

સંકલનઃ જિજ્ઞેશ સોલંકી

માહિતી બ્યુરોઃ વલસાડ તા.10 જાન્યુઆરી

રાજ્ય સરકારના સંવેદનાશીલ અભિગમ અને પ્રજાના હિતના ત્વરિત નિર્ણયના મીઠા ફળ આદિવાસી વલસાડ જિલ્લાને મળી રહ્યા છે. એક રીતે જોઈએ તો “રણમાં મીઠી વિરડી” સમાનની પહેલ રાજ્ય સરકારે કરી વલસાડ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો પર ઓગસ્ટ 2022માં 23 એમ્બ્યુલન્સ ફાળવી હતી. એમ્બ્યુલન્સની સુવિધા મળતા વલસાડ જિલ્લાના સંપૂર્ણ આદિવાસી એવા ધરમપુર અને કપરાડા તાલુકામાં સગર્ભા બહેનોને સોનોગ્રાફી, કુટુંબ નિયોજન અને પ્રસુતિ માટે ખાનગી હોસ્પિટલોના ધક્કા ખાવામાંથી અને મસમોટા બિલની ચૂકવણી કરવામાંથી મુક્તિ મળતા રાહત અનુભવી છે.

રાજ્યના છેવાડે આવેલો વલસાડ જિલ્લો ડુંગરાળ પ્રદેશ અને દુર્ગમ વિસ્તારોથી ઘેરાયેલો છે. ખાસ કરીને ધરમપુર અને કપરાડા તાલુકાની સગર્ભા બહેનોને રૂટિન ચેકઅપ, સોનોગ્રાફી અને પ્રસુતિ માટે વાહન વ્યવહારથી માંડીને આર્થિક રીતે પણ મુશ્કેલી પડતી હતી. જે બાબત રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રના ધ્યાને આવતા સૌ પ્રથમ સરકારી દવાખાનાઓમાં જિલ્લા પંચાયતની નાણાપંચની ગ્રાન્ટમાંથી પીએચસી ઉપર હાઈડ્રોલીક બેડ અને ઈન્ક્યુબેટર્સ રેડિયન્ટ વોર્મર (નવજાત શિશુના શરીરનું તાપમાન જાળવવાનું મશીન) સહિતની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી હતી. ગર્ભવતી મહિલાઓની પ્રસુતિ દરમિયાન કોઈ ઈમરજન્સી આવે તો તેને પહોંચી વળવા કેટલાક પીએચસી ઉપર એમ્બ્યુલન્સો ન હતી, જેના કારણે માતા અને બાળક બંનેના જીવને સંભવિત જોખમ આવે તો પહોંચી શકવુ મુશ્કેલ હતું. જેથી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાએ એવી 23 પીએચસી આઈડેન્ટીફાય કરી કે જ્યાં એમ્બ્યુલન્સ ન હતી. જેના કારણે તેવી પીએચસી ઉપર પ્રસુતિનું પ્રમાણ શૂન્ય રહેતુ હતું. જેથી જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાનીના સતત પ્રયાસ અને રાજ્યના નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, તત્કાલિન મંત્રીશ્રીઓ નરેશભાઈ પટેલ અને જીતુભાઈ ચૌધરી સાથેના ફોલોઅપના કારણે જિલ્લા અને તાલુકા પંચાયતની સ્વભંડોળની ગ્રાંટમાંથી 23 એમ્બ્યુલન્સ મેળવવામાં સફળતા મળી હતી.

નવી એમ્બ્યુલન્સો મળતા જિલ્લાના પીએચસી અને સીએચસીના મેડિકલ ઓફિસરોની હિંમત પણ બેવડાઈ હતી. જેના કારણે હવે જિલ્લાના એવા સરકારી દવાખાના કે જ્યાં ઝીરો પ્રસુતિ થતી હતી ત્યાં હવે મહિને 1 થી લઈને 21 સુધીની ડિવિલરી સફળતાપૂર્વક થઈ છે.

બોક્સ મેટર

આગામી દિવસોમાં વધુ 10 એમ્બ્યુલન્સ ફાળવાશેઃ જિલ્લા વિકાસ અધિકારી

વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીએ જણાવ્યું કે, એમ્બ્યુલન્સ મળવાને કારણે સરકારી દવાખાનામાં મેડિકલ ઓફિસરોનો આત્મવિશ્વાસ વધ્યો છે. જેના કારણે સરકારી દવાખાનાઓમાં પ્રસુતિનું પ્રમાણ વધ્યું છે. આ સિવાય ફેમિલી પ્લાનિંગ ઓપરેશનના અંતરિયાળ ગામડાના લાભાર્થીઓને પોતાના ઘરેથી હોસ્પિટલ સુધી લાવવા લઈ જવા માટે પણ એમ્બ્યુલન્સ ઉપયોગી બની રહી છે. સર્ગભા બહેનો અને ગર્ભસ્થ શીશુની કાળજી રાખી શકાય તે માટે જનની શીશુ સુરક્ષા કાર્યક્રમ હેઠળ સોનોગ્રાફી ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જે માટે ખાનગી સેન્ટરો સાથે પણ કરાર કરાયા છે. જેથી સગર્ભા બહેનોને સોનોગ્રાફી માટે સેન્ટરોમાં લાવવા લઈ જવા માટે પણ એમ્બ્યુલન્સ ઉપયોગી સાબિત થઈ રહી છે. હવે આગામી દિવસોમાં જિલ્લાની એવી પીએચસી અને સીએચસી કે જ્યાં હાલની એમ્બ્યુલન્સો 10 વર્ષ જુની અથવા તો 2 લાખ કિલોમીટર પુરા થઈ ચૂક્યા હોય તેવી કન્ડીશનમાં હોય તો ત્યાં નવી એમ્બ્યુલન્સો આપવાનું આયોજન પણ કરાયુ છે. જે માટે આગામી દિવસોમાં વધુ 10 એબ્યુલન્સ ફાળવાશે.

બોક્સ મેટર

ડિસેમ્બર 2022 સુધીમાં 8488 પ્રસુતિ થઈ અને 18375 સગર્ભાઓની સારવાર અર્થે સોનોગ્રાફી થઈ

વલસાડ જિલ્લા પંચાયતના આરોગ્ય શાખાના આરસીએચઓ (રીપ્રોડ્કટીવ એન્ડ ચાઈલ્ડ હેલ્થ ઓફિસર) ડો.એ.કે.સિંગે જણાવ્યું કે, એમ્બ્યુલન્સો મળતા સરકારી દવાખાનાઓની તાકાત વધી છે. હવે જિલ્લાની એવી કોઈ પીએચસી નથી કે જ્યાં પ્રસુતિ થઈ નથી રહી. વલસાડ જિલ્લામાં ડિસેમ્બર-2021 સુધીમાં 8084 પ્રસુતિ સરકારી દવાખાનામાં થઈ હતી જેની સામે ડિસેમ્બર 2022માં 8488 ડિલિવરી થઈ છે. જેથી 404 પ્રસુતિનું પ્રમાણ વધ્યું છે. આ સિવાય 18375 સગર્ભા બહેનો અને ગર્ભસ્થ શીશુની સારવાર અર્થે સોનોગ્રાફી પણ કરાવવામાં આવી છે.

બોક્સ મેટર

વલસાડ જિલ્લાના સરકારી દવાખાના/હોસ્પિટલમાં થયેલી પ્રસુતિની સરખામણી

તાલુકો  ડિસેમ્બર 2021 સુધી ડિસેમ્બર 2022 સુધી
ધરમપુર 3388 3392
કપરાડા 1456 1463
વલસાડ 1176 1540
વાપી 1011 1016
ઉમરગામ 710 762
પારડી 343 315
કુલ 8084 8488

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!