ભારતીય ચૂંટણી પંચ દ્વારા લોંચ થશે “મેં ભારત હું” ગીત

તા.૨૪ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

સંકલન: ભાવિકા લીંબાસીયા

ભારતીય ચૂંટણી પંચ, નવી દિલ્હીની સ્થાપના વર્ષ ૧૯૫૦ માં ૨૫ જાન્યુઆરીના રોજ કરવામાં આવી હતી. ચૂંટણી પંચના સ્થાપના દિવસ નિમિત્તે ૨૫ જાન્યુઆરી, ૨૦૧૧ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ દ્વારા “રાષ્ટ્રીય મતદાતા દિવસ”ની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. “મતદાનથી વિશેષ કંઈ નથી, હું અવશ્ય મતદાન કરીશ ” આ થીમ સાથે સમગ્ર ભારતમાં તેરમા (૧૩)માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી થશે. આ ઉજવણીના ભાગરૂપે ભારતીય ચૂંટણી પંચ દ્વારા “મેં ભારત હું” ગીત પણ લોંચ કરવામાં આવશે.

આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને મતદાન અંગે જાગૃત કરવાનો છે. આ ઉજવણી થકી નવા મતદારોને પ્રોત્સાહિત કરવાની સાથે જરૂરી સુવિધાઓ આપી મહત્તમ નોંધણી કરાવવામાં આવશે. કોઈ પણ લોકશાહી દેશમાં સરકાર રચવામાં મતદારો સૌથી મોટી અને સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતાં હોય છે. મતદારો અનન્ય લોકશાહીનો પાયો છે. પોતાના અમૂલ્ય મતથી કોઈ પણ પક્ષને પાંચ વર્ષ માટે સત્તા પર લાવતા મતદારો ભારતીય બંધારણ મુજબ દેશ અને રાજ્યના વિકાસ માટે જાગૃત નાગરિક તરીકેની ફરજ નિભાવે છે.

મતદાર યાદીમાં નોંધણી એ એક સ્વૈચ્છિક પ્રક્રિયા છે. વિશ્વના સૌથી મોટા લોકતંત્ર દેશ એવા ભારતમાં મતદાન કરવા પરત્વે લોકો જાગૃત થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. ચૂંટણી પંચ દ્વારા વોટર હેલ્પલાઈન એપ સહિતની વિવિધ એપ્લીકેશન, મતદાર હેલ્પ લાઇન ૧૯૫૦ ની સેવાઓ શરૂ કરવામાં આવી છે. મતદારયાદીને સ્વચ્છ અને પારદર્શી બનાવવા માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારોના ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવે તે જરૂરી છે. મતદાન બુથ, મોબાઈલ ફોન, એસ.એમ.એસ. ચૂંટણી પંચના પોર્ટલ દ્વારા પણ આધારકાર્ડ લિંક કરી શકાય છે.

મતદાતાઓ કોઈપણ જાતના ધર્મ, જાતિ, ભાષાના ભેદભાવથી દૂર રહીને અને કોઈપણ રીતે પ્રલોભિત થયા વિના, અચૂક મતદાન કરે તે માટે ચૂંટણીપંચ દ્વારા નાગરિકોને મતદાર ઈ-પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે. ગુજરાતમાં ‘‘સ્વીપ’’(સીસ્ટમેટિક વોટર એજયુકેશનલ એન્ડ ઇલેકટોરલ પાર્ટીસિપેશન) પ્રોગ્રામ અન્વયે મતદાન વધારવા માટે અવસર રથ દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવે છે. તાજેતરમાં જ વિધાનસભાની ચૂંટણીમાં દિવ્યાંગ, વયોવૃદ્ધ મતદારો ઘરે બેસીને મતદાન કરી શકે તે માટેની વ્યવસ્થા પણ ચૂંટણીપંચ દ્વારા કરવામાં આવી હતી. મતદારોને આકર્ષવા માટે યુવા, સખી, મોડેલ, દિવ્યાંગ, ઈકો ફ્રેન્ડલી જેવા જુદા જુદા મતદાન મથક બનાવી મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવે છે.

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરૂણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ “સ્વીપ” દ્વારા મતદારો માટે મતદાન જાગૃતિ માટે અનેકવિધ કાર્યક્રમો થકી જાગૃતતા લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે. સ્વીપ નોડલ અધિકારીશ્રી બી. એસ. કૈલાના જણાવ્યાનુસાર, રાજકોટ જિલ્લામાં “સ્વીપ” અંતર્ગત ૧૬૦૦ થી વધુ શાળાઓ અને ૯૦થી વધુ કોલેજોમાં ચૂંટણીલક્ષી સાક્ષરતા ક્લબ (ELC)ની સ્થાપના દ્વારા મતદાન જાગૃતિના કાર્યક્રમો, કોલેજોમાં નવા મતદારોને જાગૃત કરી નોધણી કરાવવી, બાળકો માટે ચિત્ર, રંગોળી, પોસ્ટર સહીતની વિવિધ સ્પર્ધાઓ, બાળકોની મદદથી મોકપોલની પ્રવૃતિ, વાલીઓ દ્વારા મતદાન કરવા માટેના સંકલ્પ પત્રો, સામાજિક સંસ્થાઓની મદદથી મતદાન જાગૃતિ અંતર્ગત રેલીઓ અને સભાઓના આયોજન સહિતની મુખ્યત્વે કામગીરી કરવામાં આવે છે.

વાત્સલ્યમ્ સમાચારના રાજકોટ જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....