DEVBHOOMI DWARKAKHAMBHALIYA

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દિવ્યાંગ વ્યક્તિઓને મદદરૂપ થતી દિવ્યાંગ સાધન સહાય યોજના

વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન જિલ્લામાં દિવ્યાંગતા લક્ષી અને રોજગારલક્ષી ૧૭૯ લાભાર્થીઓની અરજીઓ ઓનલાઇન મંજૂર કરાઈ

માહિતી બ્યુરો –  દેવભૂમિ દ્વારકા

                 ગુજરાત સરકારશ્રી દ્વારા દિવ્યાંગજનો માટે દિવ્યાંગતાલક્ષી અને રોજગારલક્ષી સાધનો આપવાની દિવ્યાંગ સાધન સહાય યોજના અમલીકૃત છે.  દિવ્યાંગજન આર્થિક રીતે સક્ષમ બની સ્વરોજગારી મેળવી શકે તે હેતુસર રોજગારલક્ષી તથા દિવ્યાંગલક્ષી એમ બે પ્રકારના સાધનો રાજ્ય સરકારના સંવેદનશીલ અભિગમ થકી આપવામાં આવે છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન દિવ્યાંગ સાધન સહાય યોજના અંતર્ગત ૧૭૯ લાભાર્થીઓની અરજીઓ ઓનલાઇન મંજૂર કરવામાં આવી છે.

                 સમાજ સુરક્ષા ખાતુ ગાંધીનગર સંચાલિત સાધન સહાય યોજના અંતર્ગત ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગ વ્યકિતઓને દિવ્યાંગતામાં રાહત થાય તેવા તેમજ રોજગાર લક્ષી સાધનો આપવામાં આવે છે.

                 નોંધનીય છે કે દિવ્યાંગ સાધન સહાય યોજના હેઠળ દિવ્યાંગ વ્યક્તિને રૂ. ૨૦,૦૦૦ની મર્યાદામાં દિવ્યાંગ વ્યક્તિને કૃત્રિમ અવયવ, ઘોડી કે કેલિપર્સ (બુટ), ત્રણ પૈડાવાળી સાયકલ, બે પૈડાવાળી સાયકલ વ્હીલચેર આપવામાં આવે છે.

                 ઉપરાંત સ્વરોજગારી માટે કડિયાકામ, સેન્ટ્રિંગકામ, વાહન સર્વિસિંગ અને રીપેરીંગ, મોચીકામ, દરજીકામ, ભરતકામ, કુંભારીકામ, વિવિધ પ્રકારની ફેરી, પ્લમ્બર કીટ, બ્યુટીપાર્લર, ઇલેક્ટ્રિક એપ્લાયન્સિસ રીપેરીંગ, ખેતીલક્ષી લુહારી/ વેલ્ડિંગ કામ, સુથારી કામ, ધોબીકામ, સાવરણી સૂપડા બનાવનાર, દૂધ – દંહી વેચનાર, પાપડ બનાવટ, અથાણાં બનાવટ, ગરમ અને ઠંડાપીણા, અલ્પાહાર વેચાણ, પંચરકીટ, ફ્લોર મિલ, મસાલા મિલ, રૂની દિવેટ બનાવવી, મોબાઈલ રીપેરીંગ, હેર કટિંગ વગેરે કીટો આપવામાં આવે છે.

                 આ સિવાય દિવ્યાંગ વ્યક્તિની દિવ્યાંગતામાં રાહત થાય તે માટે ટ્રાયસિકલ, ફોલ્ડિંગ વ્હીલચેર, હિયરિંગ એડ (અ), પોકેટરેન્જ (બ) કાન પાછળ લગાવવાનું, ફોલ્ડિંગ સ્ટીક, એલ્યુમિનિયમની કાંખઘોડી, કેલિપર્સ (અ) ઘૂંટણ માટેના (બ) પોલિયો કેલિપર્સ બ્રેઈલ કીટ, એમ.આર. કીટ અને સંગીતના સાધનો આપવામાં આવે છે. આ યોજના હેઠળ esamajkalyan.gujarat.gov.in પોર્ટલ ઉપર ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવે છે.

અરજીપત્રક સાથે સામેલ કરવાના પુરાવા

૧) દિવ્યાંગ ઓળખકાર્ડની નકલ

૨) દિવ્યાંગતાનું પ્રમાણપત્ર

૩) ઉંમરનો પુરાવો

૪) રહેઠાણનો પુરાવો

૫) વ્યવસાય અંગેના અનુભવનું પ્રમાણપત્ર

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!