VALSADVALSAD CITY / TALUKO

વલસાડના તિથલ ખાતે દરિયાઈ તટ મેરેથોન યોજાઈ, 1191 દોડવીરો ઉત્સાહભેર દોડ્યા

— ડાંગના કલેકટરશ્રી ડો. વિપિન ગર્ગે ફલેગ ઓફ કરી મેરેથોનને પ્રસ્થાન કરાવી પોતે પણ દોડ્યા

— અમુક જગ્યાએ ભરતીના પાણી હોવાથી રેતી ભરેલી 200 બેગનો 100 મીટરનો સેતુ બનાવાયો હતો

વલસાડ તા.5 માર્ચ

ભારતના માત્ર 3 રાજ્ય ગોવા, કેરાલા અને ગુજરાતમાં થતી દરિયાઈ તટ મેરેથોન ગુજરાતમાં એક માત્ર વલસાડના તિથલ અરબ સાગરના કિનારે સતત બીજા વર્ષે વલસાડના સન્ડે સ્પોર્ટ્સ ક્લબ દ્વારા તા.5 માર્ચને રવિવારે વહેલી સવારે યોજવામાં આવી હતી. જેમાં 3, 5, 10 અને 21 કિમીની 4 કેટેગરીમાં કુલ 1191 દોડવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ડાંગ જિલ્લાના કલેકટર ડો. વિપિન ગર્ગના હસ્તે ફલેગ ઓફ કરાવવામાં આવ્યું હતું સાથે તેઓ પણ આ મેરેથોનમાં સ્ફર્તિ સાથે દોડયા હતા. આ પ્રસંગે વલસાડ પ્રાંત અધિકારી નિલેશ કુકડીયા અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઉમેશ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.

લોકો સ્વાસ્થ્યને લગતી ટેવ વિકસાવે અને જીવનને તંદુરસ્ત બનાવી રાષ્ટ્રની ઉન્નતિ માટે કાર્યરત બને એવા શુભ આશય સાથે વલસાડના તિથલ સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં આયોજિત દ્વિતીય યુફિઝિયો બીચ મેરેથોનમાં સવારે પાંચ વાગ્યે ઝૂમ્બા સેશન અને સ્ટ્રેચિંગ બાદ દોડ માટે સૌ સજ્જ થયા હતા. સ્વામિનારાયણ મંદિરથી દીવાદાંડીથી પરત મંદિર માર્ગે સોલ્ટી બીચ, સાઈ મંદિર, સુરવાડા, રેન્જ ફોરેસ્ટ અને મગોદ ડુંગરી માંગેલવાડ સુધી સાડા દશ કિમી બાદ વળતા સ્વામિનારાયણ મંદિર સુધીના 21 કિમીના રેતીમય માર્ગમાં અમુક જગ્યાએ દરિયાઈ ભરતીના પાણી હતા પણ આગોતરી તૈયારી સ્વરૂપે રેતી ભરેલી 200 બેગનો 100 મીટરનો સેતુ રચી દોડવીરોને સલામત માર્ગ આપવામાં આવ્યો હતો.

આ સ્પર્ધામાં બાળકો, યુવા, યુવતીઓ, વડીલો અને પોલીસ કર્મી, ડોક્ટર્સ તેમજ કલેકટર અને મામલતદાર કચેરીના અધિકારી અને કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. વલસાડ જિલ્લાના લોકો સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ જાગૃત છે એ વાતની પ્રતીતિ થઈ આ મેરેથોનથી થઈ હતી. ઉંમરની કેટેગરી મુજબ ત્રણ વિભાગમાં વિજેતાઓને રોકડ ઇનામો, ટ્રોફી અને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. સ્વયંસેવક તરીકે વલસાડ એન.સી.સી. કેડેટ્સ અને ભીલાડ કોલેજના હોકી ટીમના ભાઈઓ તથા ટીમ એસ.એસ.સી.ના દોડવીર ભાઈઓએ સેવા આપી હતી. આ સેવાને દોડવીરોએ સરાહી હતી. અત્યંત સાત્વિક સાઉથ ઇન્ડિયન નાસ્તા સાથે ઇવેન્ટનું સમાપન થયું હતુ. અનેક નાના મોટા બેનરો હેઠળ આ સ્પર્ધા સફળતાપૂર્વક પાર પડી હતી.

સન્ડે સ્પોર્ટસ કલબના માર્ગદર્શક નરેશભાઈ નાયકના નેતૃત્વમાં ટીમના ચિંતનભાઈ, ત્રિદિપભાઈ, આશિષભાઈ, પ્રજ્ઞેશભાઈ પાંડે, વિમલભાઈ, મિતેશભાઈ, વિનયભાઈ, ભગીરથભાઈ, કિર્તનભાઈ, જિતેનભાઈ, હિતેશભાઈ, યશભાઈ, અશ્વિનભાઈ, અંકુરભાઈ સહિત દરેક સભ્યોએ દિવસ રાત મહેનત કરી મેરેથોનને સફળ બનાવવામાં ભારે જહેમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!