વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ 
૨૦મી માર્ચને ‘વર્લ્ડ સ્પેરો દિવસ’ તરીકે આખા વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીના ભાગરૂપે ડાંગ વન વિભાગ દ્વારા આજથી બે દિવસ માટે વઘઈ નજીક આવેલ કિલાદ ઈકો કેમ્પ સાઈટ ખાતે ‘બર્ડ ફેસ્ટિવલ-૨૦૨૩’નું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં બર્ડ પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ડાંગ જિલ્લો એ કુદરતી વન સંપદાથી ભરપૂર જિલ્લો છે, અને તેથી જ અહી પક્ષીઓની વિવિધતા પણ જોવા મળે છે. પક્ષીઓનું જતન, સંવર્ધન, અને સંરક્ષણ કરવું એ સૌની જવાબદારી છે.ત્યારે આ બાબતે લોકોમાં વ્યાપક જાગૃતિ આવે તે માટે ખાસ કરીને બાળકો,વિધ્યાર્થીઓ, ગ્રામજનો અને શહેરીજનો ‘બર્ડ ફેસ્ટિવલ’ માં ભાગ લઈ શકે તે માટે ડાંગ વન વિભાગ તરફથી તેનું આયોજન કરાયું છે.ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર એવા વઘઇ ખાતે આવેલી કિલાદ ઇકો કેમ્પ સાઇટ ખાતે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ, પક્ષીવિદો, તથા ક્ષેત્રિય કર્મીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા ‘બર્ડ ફેસ્ટિવલ’ દરમિયાન, નિષ્ણાંતો દ્વારા માહિતીપ્રદ વ્યાખ્યાન સહિત ભાગ લેનારા પક્ષીપ્રેમીઓની ટિમ બનાવી તેમને જંગલ ટ્રેલ પણ કરાવવામાં આવી હતી.જેમાં બાયનોક્યુલરની મદદથી પક્ષી નિરીક્ષણ કરાવી,પક્ષીઓના હેબિટાટ અને ફિજ્યોલોજી વિશે સ્થળ પર જાણકારી આપી, પક્ષી પ્રત્યેની અભિરુચિ કેળવી, તેઓને પક્ષી સંરક્ષણ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા.