GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

ગુજરાત સરકારે 2021-22માં કોઈપણ જોગવાઈ વિના જ 95 કરોડ ખર્ચ કર્યો : કેગ રીપોર્ટ

ગુજરાત વિધાનસભામાં કેગનો રીપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. કેગના રીપોર્ટમાં ટીપ્પણી કરવામાં આવી હતી કે, રાજ્ય સરકારે 2021-22માં કોઈપણ જોગવાઈ વિના જ 95 કરોડ ખર્ચ કર્યો છે. 5 અનુદાનોમાં 366.40 કરોડની બિન જરૂરી પૂરક જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે અંદાજ પત્રિય ફાળવણીના આયોજન અને ઉપયોગમાં રાજ્ય સરકાર નબળી હોવાની પણ ટીપ્પણી કરવામાં આવી છે. તે ઉપરાંત રાજ્યના આરોગ્ય વિભાગે બજેટમાં 170 કરોડની મંજુર થયેલી 26 નવી બાબતોની અમલવારીમાં નિષ્ક્રિયતા દાખવી છે.
આ અહેવાલમાં એવું પણ જણાવાયું છે કે, આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગની યોજનાઓનું અમલીકરણ નહીં થવા પાછળ આયોજનની ખામી છે. તે ઉપરાંત છેલ્લા ત્રણ વર્ષમાં 2963 કરોડના ભંડોળ સામે 2000 કરોડનો ખર્ચ થયો છે. છેલ્લા 4 વર્ષથી યોજનાના અમલીકરણ એકમે વાર્ષિક હિસાબો તૈયાર નથી કર્યા. આરોગ્ય વિભાગે મૂડી ખર્ચનું અયોગ્ય વર્ગીકરણ કર્યું છે. રાજ્ય સરકારે વિભાગોની જરૂરિયાત પ્રમાણે અંદાજપત્ર ઘડવાની જરૂર હોવાની કેગના અહેવાલમાં ટીપ્પણી કરાઈ છે. તેમજ યોજનાઓના અમલીકરણ અને દેખરેખ માટે યોગ્ય નિયંત્રણ પધ્ધતિ સ્થાપિત કરવા ટકોર કરાઈ છે.
આ રીપોર્ટમાં રાજ્ય સરકારના કેટલાક ખર્ચ કુલ ખર્ચના 50 ટકાથી વધુ ફક્ત માર્ચ મહિનામાં કરવામાં આવ્યા છે. ખર્ચનો નોંધપાત્ર હિસ્સો નાણાકિય વર્ષના અંતમાં દર્શાવવામાં આવ્યો છે. ખર્ચ પર અપૂરતુ નિયંત્રણ અને નબળુ અંદાજપત્રિય વ્યવસ્થાપન દર્શાવે છે. વનવિભાગમાં 170 કરોડના અનુદાન સામે ફક્ત 37.84 કરોડનો ખર્ચ કર્યો છે.  વન વિભાગમાં મૂડી ખર્ચનું મહેસુલી ખર્ચ તરીકે ખોટું વર્ગીકરણ કરાયું છે. વનવિભાગે અંદાજ પત્ર દરમ્યાન કરેલી જાહેરાતોનો અમલ કર્યો નથી.છેલ્લા 10 વર્ષમાં 10855 કરોડનો અધિક ખર્ચ નિયમીત કરવાનો બાકી છે. જ્યારે એવી પણ ટીપ્પણી કરવામાં આવી છે કે, નાણાં વિભાગે કરેલી ઉચ્ચક જોગવાઈ નિયમોને અનુરૂપ ના હોવાનો પણ રીપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે.

Back to top button
error: Content is protected !!