PARDIVALSAD

પારડીના સુખલાવના ૬૬ કેવી સબ સ્ટેશનનું ઉર્જામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ

— ખેડૂતોને દિવસે પણ વીજળી આપવા માટે સરકારે બજેટમાં ૧૬૦૦ કરોડની ફાળવણી કરી છે – મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ

— નવા સબ સ્ટેશનથી ૮ ગામોના ૯૧૭૩ વીજ ગ્રાહકોને ગુણવત્તાસભર વીજ પુરવઠો મળતો રહેશે

      ===

માહિતી બ્યુરોઃ વલસાડ તા.૦૨ એપ્રિલ

      વલસાડના પારડી તાલુકાના સુખલાવ ખાતે રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિ.(જેટકો) દ્વારા નિર્મિત સુખલાવ ૬૬ કેવી સબ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વલસાડ અને ડાંગ સાંસદ ડૉ.કે.સી.પટેલ અને વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. રૂ. ૧૦.૪૦ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા આ સબ સ્ટેશનોનું લોકાર્પણ થતા  આસપાસના ૮ કિમી સુધીના વિસ્તારમાં આવેલા કુલ ૮ ગામના ૯૧૭૩ વીજ ગ્રાહકોને હવે ગુણવત્તાસભર વીજ પુરવઠો નિરંતર મળતો રહેશે.

લોકાર્પણ પ્રસંગે ઊર્જામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, દરેક કાર્યમાં વીજળીની જરૂર પડે જ છે તેથી વીજળી જનજીવનનું અગત્યનું પરિબળ છે.ત્યારે ગુજરાત સમગ્ર દેશમાં વપરાતી વ્યક્તિદીઠ વીજળી કરતા ડબલ વપરાશ કરે છે. જેથી એ સ્પષ્ટ થાય છે કે ગુજરાતે દરેક ક્ષેત્રમાં જેમ કે ખેતી, ઉદ્યોગ વગેરેમાં ખૂબ જ સારો વિકાસ કર્યો છે.  સોલાર ક્ષેત્રમાં પણ ગુજરાત દેશની ૮૨% સોલાર રૂફ્ટોપ ધરાવે છે. એકંદરે ગુજરાતનો પૂરઝડપે વિકાસ થઈ રહ્યો છે. આ સબ સ્ટેશનથી ડીમ લાઈટ, વીજકાપનો કોઈ પ્રશ્ન રહ્યો નથી. લોકોની સુખાકારી માટે આ સબસ્ટેશન મહત્વનો ભાગ ભજવશે. ગુજરાત સરકારે આ બજેટમાં ખેડૂતોને દિવસે પણ વીજળી મળી રહે તે માટે રૂ.૧૬૦૦ કરોડની ફાળવણી કરી છે.

સાંસદ ડો. કે.સી.પટેલે દરેક લાભાર્થી ગામોના રહેવાસીઓને અભિનંદન પાઠવતા પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. જેટકોના ઇનચાર્જ ચિફ ઈજનેર કે.એચ.રાઠોડે સ્વાગત પ્રવચન કરી સબ સ્ટેશનની માહિતી આપી હતી.

સુખલાવ સબ સ્ટેશન રૂ. ૧૦.૪૦ કરોડના ખર્ચે બન્યું છે. રાજ્ય સરકારની ટ્રાઈબલ એરિયા સબ પ્લાન્ટ ગ્રાંટ હેઠળ પછાત વિસ્તારમાં મુડી રોકાણના વળતરને ધ્યાનમાં લીધા વિના માત્ર આ વિસ્તારમાં રહેતા લોકોના વિકાસ અર્થે સબ સ્ટેશન ઉભા કરવામાં આવ્યા છે. આ સબ સ્ટેશનમાં ૧૧ કેવી ના કુલ પાંચ ફીડરો સ્થાપિત થશે જેના દ્વારા સુખલાવ, બાલદા, વેલપરવા, પારડી, સુખેશ, કુંભારીયા, બોરલાઈ, સોંઢલવાડા સહિત કુલ ૮ ગામોના રહેણાંકના ૭૬૮૪, વાણીજ્ય ૧૦૨૮, ઔધોગિક ૨૩, પાણી પૂરવઠા ૫૪, સ્ટ્રીટલાઇટ ૫૫, ખેતીવાડી ૩૨૫ અને ૪ એચ. ટી. લાઈન મળી કુલ ૯૧૭૩ વીજ ગ્રાહકોને વીજ પુરવઠો મળશે.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સભ્ય મુકેશભાઈ પટેલ, પારડી તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી મિત્તલબેન પટેલ, પારડી સંગઠન મહામંત્રી મહેશભાઈ પટેલ, ગામના સરપંચ અમુલભાઈ પટેલ, માજી સરપંચ હેમાબેન પટેલ, ડીજીવીસીએલ ભરૂચ વિભાગના એડિશનલ અધિક્ષક ઈજનેર એમ.જી.ગઢવી, વાપી ચીફ કાર્યપાલક ઇજનેર ચેતનાબેન શાહ સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!