VALSADVALSAD CITY / TALUKO

ધો. ૧૦ બોર્ડની પરીક્ષામાં વલસાડ જિલ્લાનું પરિણામ ૬૪.૭૭ ટકા, એ-૧ ગ્રેડમાં ૫૯ વિદ્યાર્થી ઝળક્યા

— સમગ્ર રાજ્યમાં વલસાડ જિલ્લાએ ૧૪મો ક્રમ મેળવ્યો, ૧૯૭૭૩માંથી ૧૨૮૦૭ વિદ્યાર્થીઓ પાસ થયા

— જિલ્લાના ૨૭ કેન્દ્રો પૈકી સૌથી વધુ પરિણામ વલસાડ હાલર રોડ કેન્દ્રનું ૮૬.૧૯ ટકા અને સૌથી ઓછુ પરિણામ રોણવેલ કેન્દ્રનું ૩૫.૫૦ ટકા નોંધાયું    

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૨૫ મે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ ૨૦૨૩માં લેવાયેલી ધો. ૧૦ની પરીક્ષાનું પરિણામ તા. ૨૫ મે ને ગુરૂવારે જાહેર થતા વલસાડ જિલ્લાનું પરિણામ ૬૪.૭૭ ટકા આવ્યું છે. ગત વર્ષ ૨૦૨૨માં ૬૫.૧૨ ટકા પરિણામ આવ્યુ હતું. જેની સરખામણીએ ચાલુ વર્ષે ૦.૩૫ ટકા ઓછુ નોંધાયું છે. સમગ્ર રાજ્યમાં જિલ્લાવાર પરિણામ જોઈએ તો વલસાડ જિલ્લાનો ૧૪મો ક્રમ આવ્યો છે. જ્યારે એ – ૧ ગ્રેડમાં ૫૯ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે.

વલસાડ જિલ્લામાં ૨૭ કેન્દ્રો ઉપર માર્ચ ૨૦૨૩માં લેવાયેલી ધો. ૧૦ બોર્ડની પરીક્ષામાં વલસાડ જિલ્લામાં કુલ ૨૦૦૪૨ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી ૧૯૭૭૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી એ-૧ ગ્રેડમાં ૫૯, એ-૨ ગ્રેડમાં ૭૨૯, બી-૧ માં ૧૮૬૭, બી-૨ માં ૩૪૧૨, સી-૧માં ૪૧૧૫, સી-૨માં ૨૫૧૨, ડી ગ્રેડમાં ૧૧૩ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે. જ્યારે ઈ-૧માં ૪૦૭૧ અને ઈ-૨ માં ૨૮૯૫ વિદ્યાર્થીઓને સમાવેશ થયો હતો. આમ, ૧૯૭૭૩માંથી ૧૨૮૦૭ વિદ્યાર્થીઓ પાસ થયા છે જ્યારે ૬૯૬૬ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.

સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીના સેલવાસ, મોટી દમણ, ખાનવેલ, રખોલી અને ગલોન્ડા કેન્દ્રને બાદ કરી વલસાડ જિલ્લાના ૨૭ કેન્દ્રોની વાત કરીએ તો ચાલુ વર્ષે સૌથી વધુ પરિણામ વલસાડ હાલર રોડ કેન્દ્રનું આવ્યું છે. આ કેન્દ્ર પર ૧૨૨૬ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી ૧૨૨૪એ પરીક્ષા આપતા ૧૦૫૫ વિદ્યાર્થીઓ પાસ થતા હાલર રોડ કેન્દ્રનું પરિણામ ૮૬.૧૯ ટકા આવ્યું છે. જ્યારે સૌથી ઓછુ પરિણામ રોણવેલ કેન્દ્રનું ૩૫.૫૦ ટકા આવ્યું છે. રોણવેલ કેન્દ્રમાં ૩૧૫ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી ૩૦૭એ પરીક્ષા આપતા ૧૦૯ વિદ્યાર્થી પાસ થયા હતા. વર્ષ ૨૦૨૨ સાથે ચાલુ વર્ષ ૨૦૨૩ની સરખામણી કરીએ તો, વલસાડ જિલ્લામાં ગત વર્ષે પણ સૌથી વધુ ૮૩.૧૮ ટકા પરિણામ વલસાડ હાલર રોડ કેન્દ્રનું જ આવ્યું હતું. જ્યારે સૌથી ઓછુ પરિણામ માંડવા કેન્દ્રનું ૪૦.૫૨ ટકા આવ્યું હતું. ચાલુ વર્ષ ૨૦૨૩માં જ શરૂ થયેલા નાની વહીયાળ કેન્દ્રમાં ૩૨૪ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જે પૈકી ૩૨૧એ પરીક્ષા આપતા ૨૦૦ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જેથી આ કેન્દ્રનું પરિણામ ૬૨.૩૧ ટકા આવ્યું હતું.

બોક્ષ મેટર

પરિણામની તારીજઃ ૧૦૦ ટકા પરિણામ લાવનાર શાળા માત્ર ૫ જ નીકળી  

જિલ્લામાં ૧૦ ટકાથી ઓછુ પરિણામ લાવનાર શાળાની સંખ્યા ૯ છે. ૧૧ થી ૨૦ ટકા પરિણામ લાવનાર શાળા ૧૦ છે. ૨૧ થી ૩૦ ટકા પરિણામ લાવનાર ૧૮ શાળા, ૩૧ થી ૪૦ ટકા પરિણામ લાવનાર શાળા ૧૪, ૪૧ થી ૫૦ ટકા પરિણામ લાવનાર ૨૭ શાળા, ૫૧ થી ૬૦ ટકા પરિણામ લાવનાર ૩૩ શાળા, ૬૧ થી ૭૦ ટકા પરિણામ લાવનાર ૪૨ શાળા, ૭૧ થી ૮૦ ટકા પરિણામ ૩૮ શાળા, ૮૧ થી ૯૦ ટકા પરિણામ લાવનાર ૪૧ શાળા, ૯૧ થી ૯૯ ટકા પરિણામ લાવનાર ૩૦ શાળા અને ૧૦૦ ટકા પરિણામ લાવનાર ૫ શાળાની સંખ્યા છે. જ્યારે ૦ ટકા પરિણામવાળી શાળા ગત વર્ષે પણ ૫ હતી અને આ વર્ષે પણ ૫ રહી છે. ૧૦૦ ટકા મહત્તમ પરિણામ વાળી શાળા માર્ચ ૨૦૨૨માં ૬ હતી જ્યારે આ વર્ષે ૫ નોંધાતા ૧ શાળાનો ઘટાડો નોંધાયો છે.

બોક્ષ મેટર

વલસાડની શેઠ આર.જે.જે શાળાના ટોપ ૫ વિદ્યાર્થીઓ

વલસાડ જિલ્લામાં એ-૧ ગ્રેડમાં ૫૯ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે. જેમાંથી ૫ વિદ્યાર્થી વલસાડની શેઠ આર.જે.જે. હાઈસ્કૂલ ગુજરાતી મીડિયમના છે. જેમાં પ્રથમ ક્રમે પટેલ ઋષિતા મનિષભાઈ પટેલે ૬૦૦માંથી ૫૫૮ માર્ક મેળવતા ૯૩ ટકા આવ્યા છે. જ્યારે પર્સન્ટાઈલ રેન્ક ૯૯.૭૪ ટકા છે. બીજા ક્રમે આહિર વ્રજ રાજેશકુમારે ૬૦૦માંથી ૫૫૬ માર્ક મેળવતા ૯૨.૬૭ ટકા આવ્યા છે. જ્યારે પર્સન્ટાઈલ રેન્ક ૯૯.૬૯ ટકા છે. ત્રીજા ક્રમે ટંડેલ કુંજન જગદીશકુમારે ૬૦૦ માંથી ૫૫૧ માર્ક સાથે ૯૧.૮૩ ટકા મેળવ્યા છે. જ્યારે પર્સન્ટાઈલ રેન્ક ૯૯.૫૩ છે. ચોથા ક્રમે પટેલ જિનલબેન દીપકભાઈએ ૬૦૦ માંથી ૫૪૭ માર્ક મેળવતા ૯૧.૧૭ ટકા મેળવ્યા છે. જ્યારે પર્સન્ટાઈલ રેન્ક ૯૯.૩૮ છે. પાંચમાં ક્રમે પટેલ દ્રષ્ટી સંજયભાઈએ ૬૦૦ માંથી ૫૪૫ માર્ક મેળવતા ૯૦.૮૩ ટકા આવ્યા છે. જ્યારે પર્સન્ટાઈલ રેન્ક ૯૯.૨૮ આવ્યા છે. શાળાનું ગૌરવ વધારનાર તેજસ્વી તારલાઓને આર્ચાયા ફાલ્ગુનીબેન દેસાઈએ અભિનંદન પાઠવ્યા હતા.

બોક્ષ મેટર

પૂરક પરીક્ષામાં એક વિષય માટે રૂ. ૧૩૦ અને બે વિષય માટે રૂ. ૧૮૫ ફી ભરવાની રહેશે

જે વિદ્યાર્થીઓ માર્ચ ૨૦૨૩ની પરીક્ષામાં ગેરહાજર રહેલા હોય અથવા એક અથવા બે વિષયમાં અનુત્તીર્ણ હોવાને કારણે સુધારણાને અવકાશ ધરાવે છે. એક અથવા બે વિષયની પરીક્ષા આપવા ઈચ્છતા હોય તો તેવા પરીક્ષાર્થીઓ જુલાઈ – ૨૦૨૩ની પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકશે. આ પૂરક પરીક્ષાના આવેદનપત્રો માર્કશીટ આવ્યા બાદ બોર્ડની વેબસાઈટ www.gseb.org પરથી ઓનલાઈન ભરવાના રહેશે. આવેદનપત્રો તથી ફી શાળા દ્વારા ફક્ત ઓનલાઈન માધ્યમથી જ સ્વીકારવામાં આવશે. રૂબરૂ આવેદનપત્રો સ્વીકારવાની પધ્ધતિ અમલમાં નથી. ઉમેદવારો માટે ફી ની રકમ એક વિષય માટે રૂ. ૧૩૦ અને બે વિષય માટે રૂ. ૧૮૫ રહેશે. કન્યા ઉમેદવાર અને દિવ્યાંગ ઉમેદવારોને સરકારશ્રીએ પરીક્ષા ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. પરંતુ પૂરક પરીક્ષા -૨૦૨૩ માટે ઓનલાઈન આવેદન (રજિસ્ટ્રેશન) કરવુ ફરજિયાત છે. શૂન્ય ફી રિસીપ્ટ રજિસ્ટ્રેશનના આધાર તરીકે સાચવી રાખવાની રહેશે. જરૂર પડે ત્યારે બોર્ડ સમક્ષ રજૂ કરવાની રહેશે.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!