CHHOTA UDAIPURCHHOTA UDAIPUR CITY / TALUKO

માળ ખાતે જય જવાન ફાઉન્ડેશન દ્વારા ધાર્મિક વિધિમાં રોપા આપી પર્યાવરણ જાગૃતિ અંગે સંદેશ આપ્યો

છોટાઉદેપુર: તા. ૩૧:

છોટાઉદેપુર જિલ્લાના માળ ગામે ગ્રામજનો દ્વારા ગામસાંઇ ઇદની ધાર્મિક ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. માળ ગામે ગામસાંઇ ઇદની ઉજવણી દરમિયાન છોટાઉદેપુર ખાતે કાર્યરત જય જવાન સૈનિક ફાઉન્ડેશન દ્વારા વૃક્ષના રોપાનું વિતરણ કરી પર્યાવરણ જાળવણી અંગેનો સંદેશ આપવામાં આવ્યો હતો.

છોટાઉદેપુર જિલ્લામાં વસતા રાઠવા સમુદાયના લોકો દ્વારા તેમની રૂઢિ પરંપરા અનુસાર ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે. જે મુજબ માળ ગામે ગામસાંઇ ઇંદ એટલે કે દેવોની પેઢી કે આયખું બદલવા અંગેની આદિવાસી પરંપરા અનુસાર ધાર્મિક વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન છોટાઉદેપુર જિલ્લાના માજી સૈનિકો અને સેવારત સૈનિકો દ્વારા બનાવવામાં આવેલ જય જવાન સૈનિક ફાઉન્ડેશન દ્વારા માળ ગામે આયોજી આ ધાર્મિક કાર્યક્રમમાં રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ અંગે વાત કરતા જય જવાન સૈનિક ફાઉન્ડેશનના પ્રમુખ ગોપાલભાઇ રાઠવાએ જણાવ્યું હતું કે, અમે સૈનિકો સરહદ પર દેશની સુરક્ષા કરીએ છીએ. હવે અમારા નિવૃત અને સેવારત સૈનિકોએ દેશની સુરક્ષાની સાથે સાથે પર્યાવરણની સુરક્ષાનું પણ બીડું ઝડપ્યું છે. અમે નકકી કર્યું છે કે, છોટાઉદેપુર જિલ્લામાં વર્ષે એક હજારથી વધુ લગ્ન અને ધાર્મિક કાર્યકર્મો થાય છે. જેમાં અમે વીસથી પચ્ચીસ રોપાઓ આપી વૃક્ષ ઉછેર કરવા માટે પ્રેરણા આપીએ છીએ. રાજય સરકાર દ્વારા જે ગ્રીન ગ્રોથનો મંત્ર આપ્યો છે તેમાં અમારી સહભાગીતા નોંધાવવા અમે કટિબદ્ધ છીએ એમ જણાવી તેમણે છોટાઉદેપુર જિલ્લામાં જય જવાન સૈનિક ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે  વન વિભાગના સહયોગથી વીસથી પચ્ચીસ હજાર રોપાનું વિતરણ કરવાનું અને આ રોપાઓનો ઉછેર થાય એ માટેના પ્રયાસો કરવા કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.

માળ ગામના વતની અને ધાર્મિક વિધિમાં બડવા તરીકે કામ કરતા વિઠ્ઠલભાઇએ જણાવ્યું હતું કે, જય જવાન સૈનિક ફાઉન્ડેશન દ્વારા જે પર્યાવરણ સંરક્ષણ અંગે બીડું ઝડપવામાં આવ્યું છે એ આવકારદાયક બાબત છે. આજે અમારા ગામના ધાર્મિક કાર્યક્રમમાં અમને રોપાઓનું જે વિતરણ કરવામાં આવ્યું છે. એનો ઉછેર કરીશું અને પર્યાવરણના સંરક્ષણમાં સહભાગી થઇશું એમ જણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!