BHUJKUTCH

કચ્છનું ‘રક્ષક વન’ જિલ્લાની ગૌરવશાળી વીરાંગનાઓની અમર શૌર્ય ગાથા તથા ભારતીય જવાનોની બહાદૂરીને સમર્પિત છે.

4-જુન.

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ

ચાર વિભાગમાં બનેલા રક્ષકવનની ૫ વર્ષમાં ૪,૪૪,૪૫૮ પ્રવાસીઓએ મુલાકાત લીધી : રાશિ વન,પંચવટી વન,નક્ષત્ર વન,ખજૂરી વન, આરોગ્ય વન સહિતના ઉપવન ટુરીસ્ટો માટે નવલું નજરાણું છે.

ભુજ કચ્છ :- ભારતીય સંસ્કૃતિના વેદો, પુરાણો, ઉપનિષદો જેવા પૌરાણિક ગ્રંથોમાં માનવ સમાજ અને વૃક્ષો વચ્ચેના સંબંધોનો નિર્દેશ જોવા મળે છે. પૌરાણિક કાળમાં આપણા પૂર્વજોનો વસવાટ અને સહવાસ વૃક્ષો તથા વેલાઓના સાન્નિધ્યમાં રહતો હતો. પૂર્વજોએ પ્રાચીન સમયથી આ વિષયોનો ગહન અભ્યાસ કરી આ અંગેની માહિતી સંગ્રહિત કરેલી છે. પૂર્વજોને સુખ, શાંતિ,સમૃધ્ધિ અને આરોગ્ય માટે વૃ્ક્ષોની અગત્યતા સમજાયેલ હતી તેથી જ તેઓ વૃક્ષોની પૂજા કરતા હતા. હાલમાં પણ આપણા મોટાભાગના ધાર્મિક તહેવારોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વૃક્ષોની પૂજા થાય છે.વૃક્ષોની માનવ સમાજ પર સીધી અસર થાય છે, તેવો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથો તેમજ ખાસ કરીને ચિકિત્સાશાસ્ત્રોમાં છે. આજનો માનવ જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, આયુર્વેદ વગેરે વિષયોમાં વધુ વિશ્વાસ રાખતો થયો છે. આજના વૈજ્ઞાનિક યુગમાં આયુર્વેદિક, એલોપેથિક, હોમિયોપેથિક તેમજ બાયોકેમિકલ દવાઓ બનાવવામાં વૃક્ષો, વેલા, વનસ્પતિના મૂળ, છાલ, પાન, ફુલ, ફળ ઉપયોગી થાય છે, તે સર્વવિદિત હકીકત છે. કેટલાંક વૃક્ષોનું વાવેતર કરવાથી અનિષ્ટ તત્વો દુર થાય છે અને વ્યક્તિના જીવન પર તેની હકારાત્મક અસર થતી હોવાની પણ માન્યતા છે.વૃક્ષોની આવી અસરો વિષે આધુનિક વિજ્ઞાન કદાચ સમંત ન પણ થાય પરંતુ આપણી પરંપરાથી ચાલી આવતી માન્યતાઓ તેમજ આપણા પ્રાચીન ગ્રંથોમાં દર્શાવ્યા પ્રમાણે દરેક ગ્રહ, નક્ષત્ર, રાશિ સાથે તેનું આરાધ્ય વૃક્ષ વર્ણવેલું છે. ગ્રહ, નક્ષત્ર, રાશિ ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને આસ્થાને કેન્દ્રબિંદુમાં રાખી કરેલા વૃક્ષ વાવેતર અને વૃક્ષ સંરક્ષણથી માનવ સમાજ ઉપર તેની હકારાત્મક અસર થાય છે. જેના ભાગરૂપે જ ગુજરાત રાજય સામાજિક વનીકરણ ક્ષેત્રે, લોકભાગીદારી થકી અગ્રેસર રહ્યું છે. વનોનું સાંસ્કૃતિક અને પર્યાવરણીય મહત્વ લોકો સમજે અને તેના રક્ષણ, જતન માટે તેઓ પ્રેરિત થાય તેવા ઉદેશથી માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાત રાજયના તત્કાલિન મુખ્યમંત્રીશ્રીએ વન મહોત્સવની ઉજવણી રાજયના જુદા જુદા ઐતિહાસિક, ધાર્મિક તથા સાંસ્કૃતિક મહત્વ ધરાવતા સ્થળોએ કરી અને સાંસ્કૃતિક વનો સ્થાપવાની પરંપરા શરૂ કરી . આમ, રાજ્યમાં વૃક્ષ આવરણ તથા જૈવ વિવિધતામાં વધારો કરવાના પ્રયાસ રૂપે સને ૨૦૦૪ થી ગુજરાત સરકાર દ્વારા નવો અભિગમ અપનાવવામાં આવેલો છે. જેના ભાગરૂપે જુદા-જુદા પ્રકારના સાંસ્કૃતિક વનો દ્વારા ગુજરાત રાજ્યની પ્રજાને ભારતીય સાંસ્કૃતિક પરંપરા મુજબ પુરાણશાસ્ત્રોમાં વર્ણવેલ ઔષધિય મહત્વ ધરાવતી વનસ્પતિઓથી માહિતગાર કરવામાં આવી રહેલ છે. સાંસ્કૃતિક વનો જુદા-જુદા જિલ્લાઓમાં અગત્યના પર્યટન કેન્દ્ર તરીકે લોકપ્રિય થયા છે, જેનાથી સાંસ્કૃતિક વનની મુલાકાતે આવનાર પ્રવાસીઓ ધાર્મિક અને ઔષધિય વૃક્ષોથી માહિતગાર થાય છે તથા લોકોમાં વૃક્ષો પ્રત્યે પ્રેમભાવના જાગૃત થાય છે સાથો સાથ જે-તે વિસ્તારની જૈવ વિવિધતા અને પર્યાવરણમાં પણ સુધારો થાય છે. સાંસ્કૃતિક વનો રોજગારી ઉત્પન્ન કરવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. આ હેતુને સાર્થક કરવા કચ્છમાં પણ ગુજરાત રાજયનું ૧૮મું સાંસ્કૃતિક વન ભુજ તાલુકાના સરસપર નજીક ૨૦૧૮માં બનાવવામાં આવ્યું છે. ૯.૧૫ હેકટરમાં વિસ્તરેલું ‘રક્ષક વન’ ભુજથી ૧૪ કિલોમીટર દૂર રૂદ્રાણી ડેમની અડોઅડ આવેલું છે.

રક્ષકવનની ઐતિહાસિક/સાંસ્કૃતિક/ધાર્મિક મહત્તા :

આ વન સ્વતંત્ર ભારતની ગૌરવશાળી વીરાંગનાઓની અમર શૌર્ય ગાથાને સમર્પિત છે. ભુજ એરપોર્ટ ભારત-પાકિસ્તાનની સરહદે જોડાયેલું હોઈ ડિસેમ્બર-૧૯૭૧ માં દુશ્મનના વિમાનોએ ભુજ એરપોર્ટ નજીક હોઈ એરપોર્ટ પર હુમલો કરી હવાઈ પટ્ટીને નુકસાન પહોંચાડ્યું હતું. હવાઈ પટ્ટીમાં ખાડા પડી જતાં, ભારતીય વિમાનો અહિંથી ઉડ્ડયનો કરી દુશ્મનોનો સામનો કરી શકે તેવી સ્થિતિમાં ન હતા. રાષ્ટ્ર પર આવી પડેલી આ આફતને તાત્કાલિક નિવારવી જરૂરી હતી. ભારતના પૂર્વ ચૂંટણી કમિશ્નર અને તત્કાલિન જિલ્લા કલેક્ટરશ્રી એન.ગોપાલસ્વામી અને ભુજ એરફોર્સના વિંગ કમાંડર વિજય કર્ણિક પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈ માધાપર પહોંચ્યા. તે સમયના માધાપર ગ્રામ પંચાયતના સરપંચશ્રી જાદવજી શિવજી હિરાણી અને ઉપસરપંચ જાદવજી વેલજી વરસાણી તથા સ્થાનિક આગેવાન શ્રી વી.કે.પટેલ પાસે રાષ્ટ્રની સલામતી માટે હવાઈપટ્ટીના સમારકામ માટે મદદ માંગી. રાષ્ટ્ર સેવાના કાર્યની ગંભીરતા સમજી સ્થાનિક આગેવાનોએ માધાપર ગામની મહેનતુ બહેનો સમક્ષ વાત મુકી અને બીજા દિવસની સવારે ૩૦૦ જેટલી વીરાંગનાઓ પુરુષ વર્ગ સાથે ભુજ એરપોર્ટ પર પહોંચી ગઇ.દુશ્મન વિમાનના હવાઈ હુમલાની ચેતવણી આપતા સાયરનના સતત અવાજ વચ્ચે પોતાના જીવના જોખમે અવિરત શ્રમકાર્ય ચાલુ રાખ્યું. વીરાંગના બહેનોના અવિરત શ્રમકાર્યથી એરપોર્ટની હવાઈ પટ્ટીના ખાડા પુરાયા, સમારકામ પૂર્ણ થયું અને ભારતીય એરફોર્સના ફાઈટર વિમાનોએ ઉડ્ડયન ભરી દુશ્મન દેશ પર સતત હુમલા ચાલુ રાખ્યા. કચ્છ એક સરહદી જિલ્લો હોવાના કારણે ભારતીય સંરક્ષણ દળનું મહત્વ છે. આ રક્ષક વન વર્ષ ૧૯૭૧ માં ભારત-પાક યુધ્ધ દરમ્યાન માધાપર ગામની વીરાંગનાઓએ કરેલી કામગીરી તથા ભારતીય જવાનોની બહાદુરીને અને સમર્પણને સમર્પિત છે.

રક્ષક વનના મુખ્ય ચાર વિભાગો:

(૧) અભેદ્ય કિલ્લા જેવું મુખ્ય પ્રવેશદ્વાર (૨) શૌર્ય શિલ્પ (૩) ઈન્ટરપ્રિટેશન સેન્ટર (૪) વિવિધ વનો

લોકશિક્ષણ અને જાગૃતિ અંગેની વિગત:

(એ) વોલ મ્યુરલ: જુદા-જુદા વોલ મ્યુરલથી કચ્છની વીરાંગના રૂદ્રમાતા દેવીની ઐતિહાસિક ગાથા તથા ભારતીય સંરક્ષણ દળના હથિયારોનું ચિત્રણ વનમાં કરવામાં આવેલું છે.

(બી) પરિચય કેન્દ્ર (ઈન્ટરપ્રિટેશન સેન્ટર): “રક્ષક વન”માં ત્રણ પ્રકારના ભુંગા બનાવવામાં આવેલા છે.

(I) ભુંગા-૧: કચ્છના વન્યજીવો વિષેની માહિતી દર્શાવવામાં આવેલી છે.

(II) ભુંગા-૨: કચ્છની લોકકળા તથા સાંસ્કૃતિક વનની માહિતી દર્શાવવામાં આવેલી છે.

(III) ભુંગા-૩: વન વિભાગ દ્વારા કરવામાં આવેલ વિવિધ કાર્યો તથા સારી કામગીરીની વિગત

દર્શાવવામાં આવેલી છે.

(સી) વિવિધ વનો: “રક્ષક વન” માં જુદા-જુદા પ્રકારના વનો દા.ત. નક્ષત્ર વન, દેવ વન, રાશિ વન, આરોગ્ય વન, ખજુરી વન, નાળિયેરી વન દ્વારા વૃક્ષોની વિવિધ પ્રજાતિઓ અને તેના દૈનિક

જીવનમાં મહત્વ દર્શાવવામાં આવેલા છે.

લોક સુવિધા :

(૧) પીવાના પાણીની સુવિધા: પીવાના પાણી માટે કલાત્મક રીતે તૈયાર કરેલા બે પરબના યુનિટ છે. ડિસેલિનેશન પ્લાન્ટની સુવિધા છે, જેની ક્ષમતા ૫૦૦૦ લિટર પ્રતિદિન છે.

(૨) બાળકો માટે ક્રીડાંગણ છે, જેમાં હિંચકો, લપસણી, બાંકડા વિ. જેવા રમતગમતના સાધનો છે

(૩) સિનિયર સિટિઝન માટે અલગ રેમ્પ છે, જેથી પગથિયાં ચડ્યા વગર વન ફરી શકાય તેવી

વ્યવસ્થા છે. બેસવા માટે બેઠક વ્યવસ્થા છે.

વિવિધ ઉપવનો:

“રક્ષક વન” માં જુદા-જુદા પ્રકારના ઉપવનો જેવાં કે રાશિ વન, પંચવટી વન, નક્ષત્ર વન, ખજુરી

વન, આરોગ્ય વન વગેરે ઉપવનો દ્વારા વૃક્ષોની વિવિધ પ્રજાતિઓ અને તેના દૈનિક જીવનમાં મહત્વ દર્શાવવામાં આવેલું છે.

વિવિધ ઉપવનોનું મહત્વ:

(અ) રાશિવન: જ્યોતિષ શાસ્ત્ર મુજબ રાશિ દરેક વ્યક્તિના જીવનમાં અગત્યનો ભાગ ભજવે છે. જન્મ રાશિ પ્રમાણે વૃક્ષારોપણ, સંવર્ધન અને રક્ષણ વ્યક્તિ માટે શુભ ગણાય છે.

(બ) પંચવટી વન: પંચવટી એટલે ખીજડો, લીમડો, વડ, આમળા અને પીપળો જેવા પાંચ વૃક્ષોની વનરાજી. જે પંચવટી વન તરીકે ઓળખાય છે.

(ક) નક્ષત્ર વન: આપણી રાશિ, નક્ષત્ર અને દરેક ગ્રહનું એક આરાધ્ય વૃક્ષ નક્કી કરવામાં આવેલ છે, તે મુજબ આપણે અનુકૂળ વૃક્ષો વાવવાં જોઈએ તેમજ તેમની રક્ષા કરવાથી લાભ થાય

છે, તેવી માન્યતા છે.

(ડ) ખજુરી વન: ખજુરી કચ્છનું કલ્પવૃક્ષ કહી શકાય. ખજુરી વાવેતરના શ્રેષ્ઠ પ્રયોગો કચ્છમાં થઈ રહ્યા છે. ખજુરીનો આકાર વિહંગાવલોકનથી પ્રાપ્ત થાય તેવી રીતે ખજુરીનું વાવેતર

કરવામાં આવ્યું છે.

(ઈ) આરોગ્ય વન: આપણી આસપાસની વનસ્પતિ અને તેના વિવિધ ભાગો થકી આરોગ્ય સુખાકારી વધારી શકાય છે અને રોગ નિર્મૂલન થઈ શકે તે દર્શાવતું મ્યુરલ અને વનસ્પતિઓનું વાવેતર કરવામાં આવેલ છે.

રક્ષકવનની આસપાસ જોવાલાયક સ્થળો:

“રક્ષકવન” ભુજ શહેરથી ૧૫ કિમી ના અંતરે આવેલું છે. આ સાંસ્કૃતિક વન ભુજ-ખાવડા રોડ

પર આવેલું છે, જ્યાંથી વિશ્વ વિખ્યાત કચ્છનું સફેદ રણ લગભગ ૭૦ કિમી ના અંતરે, કચ્છનું ઐતિહાસિક શહેર ભુજ ૧૫ કિમીના અંતરે તથા ઐતિહાસિક રૂદ્રમાતા મંદિર ૩ કિમીના અંતરે આવેલા જોવાલાયક સ્થળો છે.

“રક્ષક વન” માં ૫ વર્ષમાં ૪,૪૪,૪૫૮ પ્રવાસીઓએ મુલાકાત લીધી

(૧) ૨૦૧૮-૧૯ – ૨,૨૨,૧૦૮

(૨) ૨૦૧૯-૨૦ -૧,૫૯,૭૦૬

(૩) ૨૦૨૦-૨૧ – ૦ (કોવિડ-૧૯ ની પરિસ્થિતિને કારણે મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવેલ)

(૪) ૨૦૨૧-૨૨ – ૪૫,૧૨૨

(૫ ) ૨૦૨૨-૨૩ (મે-૨૦૨૨ ની સ્થિતિએ) – ૧૭,૫૨૨

કુલ – ૪,૪૪,૪૫૮

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!