વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લા એસ.ટી. નિગમનાં કર્મચારીઓના પડતર પ્રશ્નો મુદ્દે અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ એસ.ટી. નિગમ કે સરકાર દ્વારા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવતું નથી જેના કારણે કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે કર્મચારીઓ દ્વારા તબક્કાવાર વિરોધ પ્રદર્શન કરવા માટે તૈયાર થઈ ગયા છે.ડાંગ એસ.ટી. નિગમનાં કર્મચારીઓ વર્ષોથી પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકાર અને એસ.ટી. નિગમને રજૂઆત કરતા આવ્યા છે. તેમજ પડતર પ્રશ્નો મુદ્દે કર્મચારીઓ દ્વારા ભૂતકાળમાં આંદોલન પણ કરવામાં આવ્યા હતા. ત્યારે સરકાર દ્વારા પ્રશ્નોના નિરાકરણ કરવા માટેની બાંહેધરી આપવામાં આવી હતી. પરંતુ આજ દિન સુધી સરકાર દ્વારા કે એસ.ટી. નિગમ દ્વારા પ્રશ્નોના નિરાકરણ માટે નો કોઈ પણ પરિપત્ર કે ઠરાવ બહાર પાડવામાં આવ્યો નથી. જેના કારણે એસ. ટી. વિભાગના કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.રાત દિવસ વાહન વ્યવહાર ની સુવિધા પૂરી પાડતા એસ.ટી. નિગમના કર્મચારીઓને પૂરતા પ્રમાણમાં પગાર પણ આપવામાં આવતો નથી, જેના અનુસંધાને કર્મચારીઓ દ્વારા યુનિયન મારફતે છઠ્ઠા પગાર પંચની વિસંગતતાઓ અને સાતમા પગાર પંચમાં આવતા વિવિધ એલાઉન્સ સહિત ડ્રાઇવર અને કંડકટરને ગ્રેડ અને બાકી રહેલા એરિયર્સ પણ હજુ સુધી ચૂકવવામાં આવેલ નથી. જે અંગે પણ અનેક રજૂઆતો કરવામાં આવે છે.પરંતુ એસ.ટી. નિગમ દ્વારા પ્રશ્નોના ઉકેલ લાવવા માટેની કામગીરીમાં ખોટ વર્તાઈ રહી હોય તેવું જોવા મળી રહ્યું છે.ત્યારે એસ.ટી.નિગમના કર્મચારીઓના 19-20 પડતર પ્રશ્નોનું નિરાકરણ ન થાય ત્યાં સુધી તબક્કાવાર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે એવી ચીમકી ડાંગ જિલ્લા એસ.ટી.નિગમના કર્મચારીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.તેમજ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.આજરોજ આહવા ખાતે એસટી ડેપો પર કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરીને નારે બાજે કરી સરકારની નીતિ નિયમનો વિરોધ કર્યો હતો…
વાત્સલ્યમ્ સમાચાર