ભારતીય ટીમે ટોસ હારીને બેટિંગ કરતા નિર્ધારિત 50 ઓવરના અંતે 240 રન નોંધાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વાર વનડે વિશ્વકપ જીત્યુ છે.
ઓસ્ટ્રેલિયાએ ફાઈનલ મેચમાં બોલિંગ, ફિલ્ડીંગ અને બેટિંગ એમ ત્રણેય વિભાગમાં શ્રેષ્ઠ પ્રદર્શનનો પ્રયાસ કરીને ભારત સામે જીત મેળવી છે. ટીમ ઈન્ડિયા કાંગારુ ટીમની બોલિંગ સામે ધીમી રમત રમવા માટે મજબૂર રહ્યુ હતુ. જોકે વિરાટ કોહલી અને કેએલ રાહુલે શાનદાર રમત દર્શાવતા અડધી સદી નોંધાવી હતી. રોહિત શર્મા ત્રણ રન માટે અડધી સદી ચૂક્યો હતો, જોકે તેણે આક્રમક રમત દર્શાવી હતી.
ભારતે 241 રનનુ લક્ષ્ય વિશ્વકપ ફાઈનલ મેચમાં રાખ્યુ હતુ. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી વિશ્વકપ ફાઈનલ મેચમાં ટોસ ઓસ્ટ્રેલિયાએ જીત્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. આમ ભારતે પ્રથમ બેટિંગ કરતા 240 રન નોંધાવ્યા હતા. ટીમ ઈન્ડિયાના સુકાની રોહિત શર્માએ આક્રમક બેટિંગ વડે સારી શરુઆત અપાવી હતી. પરંતુ તેની વિકેટ બાદ ભારતીય બેટર્સ મોટુ લક્ષ્ય ખડકી શક્યા નહોતા.