પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરની સમજાવટથી વ્યસનના કારણે તુટતાં ૧૮ વર્ષના લગ્નજીવનનો બચાવ

0
328
વાત્સલ્યમ્ સમાચાર

પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરની સમજાવટથી વ્યસનના કારણે તુટતાં ૧૮ વર્ષના લગ્નજીવનનો બચાવ

 

 

 

તાહિર મેમણ : 20/11/2023- આણંદ, સોમવાર :: પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર, આણંદના કાઉન્સીલર શબનમ ખલીફાના જણાવ્યા અનુસાર આણંદ જિલ્લાના એક મહિલા અરજદાર બેને અઢાર વર્ષ અગાઉ પ્રેમલગ્ન કર્યા હતા. તેમના પતિને વ્યસનની લત લાગતા ધીમે ધીમે તેઓના જીવનની શાંતિ ડહોળાઇ જતાં તેમનું અઢાર વર્ષનું પ્રેમલગ્ન માત્ર એક વ્યસનની કુટેવના કારણે ઘરમાં કંકાશમાં ફેરવાઇ ગયુ. તેમણે વધુમાં જણાવ્યું કે તેમને સંતાનમાં એક દિકરો અને એક દીકરી છે અને પ્રેમલગ્ન કરવાના કારણે તેમના પિયર પક્ષના પરિવારજનોએ લગ્નને સ્વીકાર્ય ના કરતાં આવી કપરી પરીસ્થિતિમાં પણ તેમને પતિ સાથે જ રહેવું પડે તેમ થતાં તેઓ મૌન રહી ત્રાસ સહન કરતાં રહ્યાં. તેમના પતિની વ્યસનની કુટેવના કારણે તેમના ઘરની આર્થિક પરિસ્થિતી પણ નબળી થઈ જતાં બે સંતાનોના ભરણપોષણ માટે તેઓએ જાતે નોકરી-કામ કરવાની શરૂઆત કરી અને પોતાનું અને પોતાના સંતાનોનું ગુજરાન ચલાવવાની જવાબદારી પોતાના ખભે ઉપાડી.

 

અરજદાર દ્વારા જણાવ્યા અનુસાર તેમના પતિ ધંધો કરે છે પરંતુ તેમાંથી આવતાં તમામ પૈસા વ્યસનમાં ઉડાવી નાખે છે જેના કારણે ઘણા સામાજિક-આર્થિક પ્રશ્નોનો સામનો મહિલાએ કરવો પડ્યો છે. એટલું જ નહિં પણ અરજદાર મહિલાના પતિ વ્યસન કરીને બેફામ અપશબ્દો બોલતા અને છેલ્લા કેટલાક સમયથી તેમની સાથે શારિરીક ત્રાસ આપતાં હતા. જેથી અંતે કંટાળીને પીડિત મહિલાએ ટાઉન પોલીસ સ્ટેશન, આણંદ ખાતે કાર્યરત પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરમાં અરજી કરી મદદની માંગ કરી હતી.

 

 

મહિલાના પતિને યોગ્ય સમજણ આપતા મહિલાના પતિએ હવેથી વ્યસન નહિં કરવાનો દ્રઢ નિશ્ચય કરી નશામુક્તિ કેન્દ્રમાં જવા તૈયાર થઇ ગયા હતાં અને અરજીના માદયમથી તેઓને નશામુક્તિ કેન્દ્રનો સંપર્ક પણ કરાવી આપવામાં આવ્યો હતો. છેલ્લા બે મહિનાથી અરજદારના પતિની સારવાર અને દવા ચાલૂ છે. જેમનું વારંવાર કાઉન્સેલર દ્વારા ફોલોઅપ લેવામાં આવ્યું છે. બે મહિનાને અંતે અરજદાર મહિલા અને તેમનાં પતિને સેન્ટર પર એક્સાથે રૂબરૂ બોલાવી વાત કરતાં જાણવા મળ્યું કે મહિલાને પતિ તરફથી કોઈ શારીરિક કે માનસિક હેરાનગતિ કરવામાં આવતી નથી અને મહિલાના પતિએ વ્યસન પણ બંધ કરી દીધું છે તથા પહેલા કરતાં વર્તમાન પરિસ્થીતીમાં ઘણો સુધાર છે.

 

પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના કારણે બન્ને પક્ષો વચ્ચે સમાધાન થઈ જતાં અઢાર વર્ષનું લગ્નજીવન તૂટતાં બચી ગયું હતું જે માટે અરજદાર મહિલા અને તેમનાં પતિએ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર અને કાઉન્સિલરનો આભાર વ્યક્ત કર્યો હતો.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews