RAMESH SAVANI

જૂઠજીવીએ પોતાની યશકલગીમાં સોનેરી પીછું ઉમેર્યું !

વેતાળે ટેવ મુજબ રાજા વિક્રમાદિત્યને વાર્તા સંભળાવવાની શરુઆત કરી : “રાજન ! જુમલાદ્વિપના રાજા જૂઠજીવીએ ‘કોંગ્રેસ મુક્ત જુમલાદ્વિપ’ બનાવ્યાં બાદ તેમની યશકલગીમાં એક પીછું ઉમેરાયું ! રામમંદિરના વહિવટકર્તા ચંપત રાયે રાજા જૂઠજીવીને વિષ્ણુના અવતાર ઘોષિત કર્યા ! એટલે હવે જૂઠજીવી જીવે ત્યાં સુધી રાજા બની રહેશે ! હે રાજન, ચારેય દિશાઓમાં જૂઠજીવીની વાહવાહી થવા લાગી ! તેમના ભજન-કિર્તન થવા લાગ્યા !“
“રાજન ! 22 જાન્યુઆરી 2024 ના રોજ રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાથી જુમલાદ્વિપના હિન્દુઓમાં પ્રાણ ફૂંકાઈ ગયાં ! તેઓ ખૂબ ખુશ થઈ ગયા પરંતુ બીજી તરફ તેઓ ચિંતિત પણ બની ગયા. જૂઠજીવી રાજાની ટ્રોલસેનાએ ઝૂંબેશ ઉપાડી : દરેક પુરુષે ચોટલી રાખવી/ પેન્ટને બદલે કાછડી પહેરવી/ મળમૂત્ર વિસર્જન સમયે કાન પર જનોઈ લપેટવી/ કપાળ પર તિલક કરવું/ આરતી સમયે મંદિરે હાજર રહેવું/ દરેક ઘરમાં મંજિરા ફરજિયાત રાખવા અને સવાર સાંજ જોરથી વગાડવા/ દરેકે 10 બાળકો પેદા કરવા અને તેમાંથી અડધા બાળકો હિન્દુવાદી સંગઠનોને સોંપવા/ રંગબેરંગી કપડાંનો ત્યાગ કરી માત્ર ભગવા કપડાં પહેરવા/ બાળકોને અંગ્રેજી શાળાને બદલે સંસ્કૃત શાળામાં ભણાવવા/ બિમારી સમયે બાબાઓની દિવ્ય દવાઓ લેવી અને હોસ્પિટલોને બંધ કરવી/ વાહનનો, વિમાનનો ત્યાગ કરી પદયાત્રા કરવી ! પોલીસ અને લશ્કર પાસેથી બંદૂકો છીનવી સમુદ્રમાં ફેંકી દેવી અને તેની જગ્યાએ તીરકામઠાંનો ઉપયોગ કરવો ! ઈન્ટરનેટનું નામ બદલી તેને નવું નામ આપવું -રામજાળ !”
“હે રાજન ! 5 ઓગસ્ટ 2020ના રોજ રામમંદિરનું ભૂમિપૂજન બાદ જુમલાદ્વિપમાં બેરોજગારી/ મોંઘવારી વધતી જ રહી. જૂમલાદ્વિપના નાણાંની વેલ્યૂ ઘટતી ગઈ/ કુપોષણની સમસ્યા વ્યાપક બની ગઈ/ ભૂખમરો વધતો જ રહ્યો છતાં લોકોએ વ્રત લીધું કે ભૂખ્યાં રહીશું પણ જૂઠજીવીના ભજન કરવાનું છોડીશું નહીં ! ભક્તોએ માંગ કરી કે રાજા જૂઠજીવીએ ઈતિહાસમાં ક્યારેય કોઈને સફળતા ન મળી હોય એટલી સફળતા મેળવી લીધી છે એટલે તેમને ‘જુમલાદ્વિપ રત્ન’ના બદલે ‘વિશ્વજુમલા રત્ન’ની પદવી આપવી જોઈએ. પરંતુ વિપક્ષી નેતાઓએ હવનમાં હાડકાં નાંખતા કહ્યું કે ‘જ્યારે ચંપત રાયે રાજા જૂઠજીવીને વિષ્ણુના અવતાર ઘોષિત કરી દીધા છે તો તેમને ‘વિશ્વજુમલા રત્ન’ આપવામાં રાજા જૂઠજીવીનું અપમાન થશે ! હે રાજન, જૂઠજીવીની યશકલગીમાં એક પીંછું ઉમેરવાનું બાકી રહી જતું હતું તે પણ જૂઠજીવીએ ઉત્સાહપૂર્વક ઉમેરી લીધું ! બોલો રાજન, એ ક્યું પીંછું હતું?”
વિક્રમાદિત્યની અકળામણ વધી ગઈ હતી. તેણે કહ્યું : “ભાઈ વેતાળ, જૂઠજીવીની યશકલગીના સોનેરી પીંછાને તો તું ભૂલી જ ગયો ! તેમણે ‘કોંગ્રેસ મુક્ત જુમલાદ્વિપ’ની સાથે ‘શંકરાચાર્ય મુક્ત જુમલાદ્વિપ’ બનાવી દીધું હતું !”
“રાજન ! આપે બોલીને મૌનભંગ કર્યો છે !” એમ કહીને વેતાળ ઊડીને વૃક્ષની ડાળીએ જઈને ફરી લટકી ગયો અને ખડખડાટ હસવા લાગ્યો !rs [કાર્ટૂન સૌજન્ય : સતિષ આચાર્ય]

[wptube id="1252022"]
Back to top button