RAMESH SAVANI

બળાત્કારી/ હત્યારા દોષિત છે જ, પરંતુ તેમને છાવરનારા વધુ દોષિત છે !

જ્યારે કોઈ મહિલા પર બળાત્કાર થાય કે તેની હત્યા થાય ત્યારે સમાજ હચમચી જાય છે. પરંતુ કેટલાંક કટ્ટર લોકોને કંઈ ફેર પડતો નથી ! ભોગ બનનાર વ્યક્તિ પોતાની કુટુંબની/જ્ઞાતિની/ પોતાના ધર્મની હોય તો જ તેમની સંવેદના જાગે છે, નહીં તો તેઓ રાજી પણ થતાં હોય છે !
બિલકિસ બાનો સામૂહિક બળાત્કારનો ભોગ બની, તેની ત્રણ વરસની પુત્રીની હત્યા તેની નજર સામે જ થઈ અને કુલ 14 મુસ્લિમોની હત્યા થઈ. આ બળાત્કાર/હત્યા માટે ખરેખર તો ફાંસીની સજા થવી જાઈએ. આટલાં ગંભીર/ ઘાતકી ગુનાઓમાં એક પણ આરોપીને ગુજરાત પોલીસે 3 માર્ચ 2002થી 2004 સુધી એરેસ્ટ કરેલ નહીં ! માત્ર સત્તાપક્ષના ધારાસભ્ય જ નહી, જિલ્લા પોલીસ વડા/ જિલ્લા કલેક્ટર/ રાજ્યના પોલીસ વડા/ સરકાર પણ આરોપીઓને ‘સંસ્કારી’ માનતા હતા !
પરંતુ કેટલાંક એક્ટિવિસ્ટો/ માનવવાદીઓને લાગ્યુ કે ભોગ બનનાર મુસ્લિમ છે એટલે પોલીસ સ્ટેશનના અધિકારીથી લઈ રાજ્યના પોલીસ વડાની સંવેદના જાગતી નથી કે પોતાની ફરજનું ભાન થતું નથી, રાજ્ય સરકારની કૃપા બની રહે એટલે SP/કલેકટર પણ પોતાની કાયદેસરની ફરજ બજાવતા નથી; ત્યારે સુપ્રિમકોર્ટ સમક્ષ ફરિયાદ કરી. સુપ્રિમકોર્ટે આ કેસ મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર કર્યો. આરોપીઓને આજીવન કેદની સજા થઈ ! માની લો કે આ કેસ ગુજરાતની કોર્ટ સમક્ષ ચાલ્યો હોત તો ન્યાયતંત્રને પણ આરોપીઓ ‘સંસ્કારી’ લાગ્યા હોત ! ગુજરાતના જેલતંત્રને પણ દોષિતો ‘સંસ્કારી’ લાગ્યા ! તેમને વારંવાર પેરોલ/ ફર્લો પર છોડ્યા ! પેરોલ/ ફર્લો જમ્પ કરી ગયા તો પણ જેલતંત્રને દોષિતોનું વર્તન સારું લાગ્યું ! કેદી મિતેશ ભટ્ટે પેરોલ દરમિયાન 19 જૂન 2020ના રોજ એક મહિલાની છેડતી કરી હતી. તેથી તેમની સામે IPC કલમ-354/ 504/ 506 (2)/114 હેઠળ રણધિકપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ. છતાં 25 મે 2022ના રોજ દાહોદના તત્કાલિન SP બલરામ મીણાએ કેદી મિતેશને જેલમુક્ત કરવા અભિપ્રાય આપ્યો હતો ! કેદી રાધેશ્યામ શાહની અરજી પર 3 ફેબ્રુઆરી, 2020ના રોજ દાહોદના તત્કાલિન SP કલ્પેશ ચાવડાએ અભિપ્રાય આપ્યો હતો. 7 માર્ચ, 2022ના રોજ દાહોદના તત્કાલિન SP હિતેશ જોયસરે 9 અરજીઓ પર અભિપ્રાય આપ્યો હતો. આ પોલીસ વડાઓને ગુનેગારો ‘સંસ્કારી’ લાગ્યા હતા !
દરેક ગુનેગાર 15 દિવસની પેરોલ રજા ભોગવ્યા પછી 90 દિવસ સુધી જેલમાં હાજર થયા ન હતા. પેરોલ જમ્પ કરી ગયા હતા ! 11 ગુનેગારોમાંથી 10 ગુનેગારો પેરોલ, ફર્લો, કામચલાઉ જામીન પર 1000 દિવસથી વધારે જેલમાંથી બહાર રહ્યા હતા. જ્યારે એક કેદી 998 દિવસ માટે જેલ બહાર રહ્યો હતો ! કેદી રમેશ ચંદના પેરોલ પર 1198 દિવસ અને ફર્લો પર 378 દિવસ, કુલ 1576 દિવસ જેલ બહાર રહ્યો હતો !
જ્યારે પોલીસ અધિકારીઓની આવી માનસિકતા હોય ત્યારે બળાત્કારીમાં બીજી મહિલાની છેડતી કરવાની હિમ્મત પ્રગટે છે ! સવાલ એ છે કે જિલ્લા પોલીસ વડા/ જિલ્લા કલેક્ટર/ જેલમુક્તિ માટે નિયુક્ત કમિટીના સભ્યો/ રાજ્યના પોલીસ વડા/ ગૃહસચિવ/ સરકાર/ ગુજરાતના ન્યાયતંત્રએ, પોતાના કુટુંબની મહિલા સાથે આ પ્રકારનો ગંભીર અને ઘાતકી બનાવ બન્યો હોત તો આરોપીઓને/દોષિતોને ‘સંસ્કારી’ માનીને તેમને છાવર્યા હોત ખરાં?
આશ્ચર્યની બાબત એ છે કે મહારાષ્ટ્ર સરકાર/ મુંબઈની CBI કોર્ટ/ તપાસ કરનાર CBI એજન્સીએ કેદીઓની વહેલી જેલમુક્તિનો વિરોધ કર્યો હતો. CBI કોર્ટે કહ્યું કે ‘ગુનેગારો સામે મહિલા અને બાળકોની હત્યા કરવાનો ગુનો સાબિત થયો છે. જેથી ઓછામાં ઓછી 28 વર્ષની સજા ભોગવ્યા પછી જ જેલમુક્તિ માટે અરજી કરવાને લાયક ગણી શકાય !’ છતાં ગુજરાત સરકારે 15 ઓગષ્ટ 2023ના રોજ 11 કેદીઓને છોડી મૂક્યા ! ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ ઓફ જસ્ટિસે મહિલા અને બાળકોની હત્યાના ગુનામાં 28 વર્ષની પેરોલ વગરની સજાનો માપદંડ જાહેર કરેલ છે.
15 ઓગસ્ટ 2023ના રોજ જ્યારે 11 બળાત્કારીઓ/હત્યારાઓને સરકારે જેલમુક્ત કર્યા ત્યારે બિલકીસ બાનોએ કહ્યું હતું : “સરકારે જેમને વહેલા જેલમુક્ત કર્યા તેમણે મારા કુટુંબનો સર્વનાશ કર્યો છે. છેલ્લા બે દાયકાથી સતત ભય હેઠળ મને જીવવા મજબૂર કરી છે. હું સંપૂર્ણ ભાંગી પડી છું. મને લાગ્યું કે મેં મારી હિંમતનો ભંડાર ખતમ કરી દીધો છે.”
8 જાન્યુઆરી 2024ના રોજ સુપ્રિમકોર્ટે 11 દોષિતોને ફરી જેલમાં હાજર થવા હુકમ કર્યો ત્યારે બિલકિસ બાનોએ કહ્યું હતું : “આ ચુકાદા બાદ મારા હૃદય પરથી જાણે પર્વત જેટલો મોટો પથ્થર ખસી ગયો હોય એવો મને અહેસાસ થાય છે. હું જાણે ફરીથી શ્વાસ લઉં છું. મારી જિંદગીનું આજે જાણે નવું વર્ષ શરુ થયું છે. છેલ્લા દોઢ વર્ષમાં હું આજે પહેલીવાર સ્મિત કરું છું. મારી આંખોમાં આજે જે આંસુઓ છે તે મને મળેલા ન્યાયના છે. ઘણા વર્ષો બાદ આજે હું ભાવવિભોર બનીને મારા બાળકો અને મારા પતિને ભેટી છું. હું સુપ્રિમકોર્ટનો આભાર એટલા માટે માનું છું કે તેમના ચુકાદાએ મને અને મારાં બાળકોને ન્યાય આપ્યો છે. પણ સાથે દેશની મારા જેવી અનેક નરાધમોની શિકાર બનેલી મહિલાઓ અને બાળકોમાં વિશ્વાસ પ્રગટશે કે તેમને પણ દેશના ન્યાયતંત્ર તરફથી ન્યાય મળશે !”
બિલકિસ સામે પોલીસ વડા/ કલેક્ટર/ સરકાર/ સત્તાપક્ષ હતા; તો બિલકિસ સાથે હતા એડવોકેટ શોભા ગુપ્તા ! તેઓ બિલકિસ સહેજ પણ હતાશ ન બને એટલે કહેતા : ‘બિલકિસ, આપણને એક દિવસ ચોક્કસ ન્યાય મળશે !” શોભા ગુપ્તાને લાખ લાખ ધન્યવાદ ઘટે છે ! દેશના હજારો સામાન્ય લોકો અને મહિલાઓ આગળ આવ્યા. તેઓ બિલકિસ સાથે ઉભા રહ્યા, સુપ્રિમકોર્ટમાં PIL અરજી દાખલ કરી. મુંબઈમાંથી 8,500 લોકોએ અને દેશના 6,000 લોકોએ અપીલ લખી હતી; કર્ણાટકના 29 જિલ્લાના 40,000 લોકોએ પત્રો લખ્યાં હતાં ! બિલકિસ સાથે 10 લાખ નામી અનામી ભાઈઓ અને બહેનો મજબૂત રીતે ઊભા રહ્યા. તેમણે બિલકીસના જુસ્સાને નબળો પડવા ન દીધો. પરંતુ આશ્ચર્યની બાબત એ છે કે ઘાતકી ગુનેગારોને જ્યારે ‘સંસ્કારી’ કહ્યા ત્યારે સત્તાપક્ષના એક પણ નેતા/ કાર્યકર/ ભક્તને વાંધાજનક લાગ્યું ન હતું ! બળાત્કારી/ હત્યારા દોષિત છે જ, પરંતુ તેમને છાવરનારા વધુ દોષિત છે ! બળાત્કારીઓ/ હત્યારાઓને ફરી જેલમાં પૂરવા આવશ્યક છે જ, પરંતુ આ ઘાતકી ગુનેગારો જેમને ‘સંસ્કારી’ લાગ્યા/ જેમણે છાવર્યા તેમની સામે નાગરિકોના હિતમાં સુપ્રિમકોર્ટે ચાબુક વીંઝવાની જરુર હતી, તેમ નથી લાગતું?rs

[wptube id="1252022"]
Back to top button