RAMESH SAVANI

શું પોલીસ નેતૃત્વ ગંડું રાજા જેવું હોય?

બહાદુર પોલીસ વડા પી. કે. દત્તા સાહેબની ભવિષ્યવાણી સાચી પડી ! સુરતના પોલીસ કમિશ્નર અજય તોમરે સાબિત કરી દીધું કે પોતે પોલીસ અધિકારીને લાયક નથી !
24 જાન્યુઆરી 2024ના રોજ સુરત પોલીસ કમિશ્નરને અજય તોમરે, વેસુ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર. વાય. રાવલને સસ્પેન્ડ-ફરજમોકૂફ (ડિસમિસ-બરતરફ નહીં) કરી દીધા છે !
સુરતના બિલ્ડર તુષાર રજનીકાંત શાહ વિરૂધ્ધ વેસુ પોલીસમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં તુષાર શાહે, સુપ્રિમકોર્ટમાંથી 8 ડિસેમ્બર 2023 ના રોજ, આગોતરા જામીન મેળવ્યા હતા. ચાર દિવસ બાદ તુષાર શાહ વેસુ પોલીસ સ્ટેશને હાજર થતાં પોલીસે તેને નીચલી કોર્ટમાં રજુ કરીને રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે 13 ડીસેમ્બરથી 16 ડીસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જેથી તુષાર શાહે સુપ્રિમકોર્ટના આગોતરા જામીનનો અનાદર કરી રિમાન્ડ મેળવવા તથા રીમાન્ડ દરમિયાન ટોર્ચર કરી પોલીસે 1.6 કરોડ રૂપિયાની માંગણી કરી હતી તે સબબ કોર્ટના તિરસ્કારની અરજી સુપ્રિમકોર્ટમાં સમક્ષ કરી હતી. તેથી સુપ્રિમકોર્ટના જસ્ટિસ ભૂષણ આર. ગવઈ અને સંદીપ મહેતાની ખંડપીઠે 10 જાન્યુઆરી 2024ના રોજ, અધિક ગૃહ સચિવ/ સુરત પોલીસ કમિશ્નર અજય તોમર/ DCP વિજયસિંહ ગુર્જર/ PI આર. વાય. રાવલ અને રીમાન્ડનો હુકમ કરનાર ચીફ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટને 29 જાન્યુઆરીએ સુપ્રિમકોર્ટ સમક્ષ હાજર થવા નોટિસ કાઢી હતી !
પોલીસ કમિશ્નરે પોતાના ગળામાં ગાળિયો આવતો જોઈને, ‘મેં તો શિક્ષાત્મક કાર્યવાહી કરી છે’, એમ કહીને સુપ્રિમકોર્ટને છેતરવા PIને સસ્પેન્ડ કરી દીધા છે ! હવે પોલીસ કમિશ્નર સુપ્રિમકોર્ટ સમક્ષ 56 ઈંચની છાતી ફૂલાવશે ! શું સુપ્રિમકોર્ટ પોલીસ કમિશ્નરને નહીં પૂછે કે જ્યારે સુપ્રિમકોર્ટનો જામીન પર છોડવાનો આદેશ હતો અને જે દિવસે ચાર દિવસની PIએ રીમાન્ડ મેળવી તે દિવસે જ PI સામે શામાટે શિક્ષાત્મક કાર્યવાહી ન કરી? શું અજય તોમર સુપ્રિમકોર્ટને અક્કલ વગરની માનતા હશે? શું કોઈ PI, પોલીસ કમિશ્નરના કહ્યા વિના સુપ્રિમકોર્ટનો આદેશ હોવા છતાં રીમાન્ડ મેળવે? આ આખી ઘટનામાં દોષિત પોલીસ કમિશ્નર અજય તોમર છે, પરંતુ બલિનો બકરો PI રાવલને બનાવેલ છે ! શું પોલીસ નેતૃત્વ આવું ડરપોક હોય? ગંડું રાજા જેવું હોય? જાડા માણસને શૂળીએ ચડાવી દેવાનો? PI રાવળ ભૂલી ગયા કે ‘સમરથ કો નહીં દોષ ગુંસાઈ !’ પોલીસ કમિશ્નર અજય તોમરને ગુમાન હતું કે કંઈ થશે તો બલિનો બકરો ધરી દઈશું !
લગભાગ 1995-1997 વચ્ચે અજય તોમર ભાવનગરના SP હતા, અને હું પાલિતાણા નાયબ પોલીસ અધિક્ષક હતો, તે સમયે રાજ્યના પોલીસ વડા પી. કે. દત્તા સાહેબ વાર્ષિક ઈન્સ્પેકશન માટે ભાવનગર પધારેલ. દત્તા સાહેબે પરેડ ગ્રાઉન્ડ પર અજય તોમરને કહેલ કે ‘‘You don’t deserve to be a police officer ! Who selected you? તમે પોલીસ અધિકારીને લાયક નથી ! તમને કોણે સિલેક્ટ કર્યા છે?” આ ઘટનાએ દત્તા સાહેબની ભવિષ્યવાણી સાચી પાડી છે !
પોલીસ કમિશ્નર અજય તોમરે આ ઘટના છૂપાવવા માટે, સુપ્રિમકોર્ટે માંગણી કરી હોવા છતાં, વેસુ પોલીસ સ્ટેશનના CCTV ના ફૂટેજ સુપ્રિમકોર્ટમાં રજૂ કર્યા નથી ! ગુના પછીની વર્તણૂંક ધ્યાને લઈએ તો પોલીસ કમિશ્નરની સંડોવણી સ્પષ્ટ દેખાય છે; વળી રીમાન્ડ દરમિયાન પોલીસે 1.6 કરોડ રૂપિયાની માંગણી કરી જ હશે, તેવું સુરતના નાગરિકો ચોક્કસ માનતા હશે ! શરમજનક તો એ છે કે સુપ્રિમકોર્ટ, રાજ્યના ગૃહ સચિવને તેડું મોકલે, ચીફ જ્યુડિશલ મેજિસ્ટ્રેટને તેડું મોકલે છતાં સરકાર પોલીસ કમિશ્નરને છાવરી રહી છે, કેમ?rs

Back to top button
error: Content is protected !!