RAMESH SAVANI

સરકાર જો બળાત્કારીઓ/ હત્યારાઓની પડખે હોય તો કાયદાનું મોત નિશ્ચિત છે !

સરકારને શરમ ન હોય ત્યારે જ આવું બની શકે; સુપ્રિમકોર્ટ સાથે શરમજનક રમત રમી શકે ! સરકાર જ જ્યારે કાયદાનો ભંગ કરે તો જંગલરાજ સ્થપાઈ જાય ! ગુજરાતમાં આ બન્યું છે !
તમે નહીં માનો, પણ બિલ્કીસ બાનો કેસનો ગુનેગાર શરણાગતિના પખવાડિયા પછી પેરોલ પર બહાર ફરે છે ! રાધેશ્યામ શાહ, જસવંત નાઈ, ગોવિંદ નાઈ, કેસર વહોનિયા, બકા વહોનિયા, રાજુ સોની, રમેશ ચંદના, શૈલેષ ભટ્ટ, બિપિન જોશી, મિતેશ ભટ્ટ અને પ્રદિપ મોઢિયાએ ગોધરા સબ-જેલ સમક્ષ સુપ્રિમકોર્ટના આદેશ બાદ 21 જાન્યુઆરી 2024ના રોજ હાજર થયા હતા. સુપ્રિમકોર્ટે 8 જાન્યુઆરી 2024ના રોજ ગુજરાત સરકાર દ્વારા 15 ઓગસ્ટ, 2022ના રોજ ગુનેગાર કેદીઓને આપેલ સજા-માફી રદ કરી હતી.
પરંતુ 7 ફેબ્રુઆરી 2024ના રોજ, પ્રદિપ મોઢિયા તેના ગામ રણધિકપુરમાં જોવા મળેલ ! ગુજરાત હાઈકોર્ટે તેની 5 દિવસની પેરોલ મંજૂર કરી હતી. કારણ હતું તેના સસરાનું અવસાન ! પ્રદિપ મોઢિયાએ તેમના સસરાના મૃત્યુના કારણે 30 દિવસની પેરોલની માંગણી કરી હતી. સરકારી વકીલે હાઈકોર્ટ સમક્ષ કહેલ કે ‘પ્રદિપ મોઢિયાને છેલ્લી વાર પેરોલ પર છોડેલ ત્યારે તે સમયસર પરત ફર્યો હતોઅને જેલમાં તેમનું વર્તન પણ સારું હતું !’
પ્રદિપ મોઢિયા જાન્યુઆરી 2008 થી આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો ત્યાર બાદ તેને 1,041 દિવસ માટે પેરોલ પર અને અન્ય 223 માટે ફર્લો પર છોડવામાં આવ્યો હતો ! તેમાં ત્રણ વખત જેલ સમક્ષ મોડો હાજર થયો હતો.
સવાલ એ છે કે સામાન્ય કેસમાં, સામાન્ય માણસ જેલમાં હોય તેને 1,041 દિવસ માટે પેરોલ મળે છે? તેમના સસરાના અવસાન નિમિત્તે પેરોલ/ફર્લો પર જેલમુક્તિ મળે છે? ના, નથી મળતી. પરંતુ આ તો સરકારના કૃપા પાત્ર ગુનેગાર છે એટલે જેલમુક્તિ મળી જાય છે ! સરકારે વિરોધ કરવો જોઈએ ત્યાં તેમને ‘સારા વર્તન’ના સર્ટિફિકેટ આપે છે ! સરકાર જો બળાત્કારીઓ/ હત્યારાઓની પડખે હોય તો કાયદાનું મોત નિશ્ચિત છે !rs [ફોટો સૌજન્ય : ઈન્ડિયન એક્સપ્રેસ]

Back to top button
error: Content is protected !!