વાત્સલ્યમ્ સમાચાર
સમાચાર પોર્ટલ ‘ન્યૂઝ ક્લિક-NewsClick’ ના પત્રકાર અભિસાર શર્મા/ પ્રાંજય ગુહા ઠાકુરતા/ ઉર્મિલેશ/ ભાષાસિંહ/ સંજય રાજૌરા/ પ્રબીર પુરકાયસ્થ/ અનિંદો ચક્રવર્તી/ સોહેલ હાશમી વગેરેના ઘર પર દિલ્હી પોલીસે 3 ઓક્ટોબર 2023ના રોજ સવારે રેડ કરી તેમના મોબાઈલ ફોન/ લેપટોપ/ સાહિત્ય કબ્જે કરેલ છે. તેમની સામે આરોપ છે કે ‘ચીનના પૈસાથી તેઓ પ્રોપેગેન્ડા કરે છે, તેઓ દેશદ્રોહી છે !’
અમેરિકાના અખબાર ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’માં ઓગસ્ટ 2023માં પ્રસિદ્ધ થયેલ એક લેખમાં ન્યૂઝ ક્લિક અને ચીનના સંબંધનો ઉલ્લેખ હતો. સત્તાપક્ષના MP નિશિકાંત દુબેએ લોકસભામાં આ મુદ્દો ઉછાળ્યો હતો કે ‘ન્યૂઝ ક્લિકને 38 કરોડનું વિદેશી ફંડ મળ્યું છે અને તે ફંડ પત્રકારોમાં વહેંચી દીધું છે !’ ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા મુજબ અમેરિકા સ્થિત Neville Roy Singham-નેવિલ રોય સિંઘમ ચીનના સરકારી મીડિયા સાથે મળીને કામ કરે છે અને ચીની પ્રોપેગેંડાને દુનિયા ભરમાં ફેલાવવાનું કામ કરે છે. નેવિલ રોય સિંઘમ વામપંથી છે. 9 ફેબ્રુઆરી 2021ના રોજ ન્યૂઝ ક્લિકના એડિટર-ઈન-ચીફ પ્રબીર પુરકાયસ્થ ના ઘર પર EDએ રેઈડ કરી હતી. ત્યારથી આ કેસ ચાલે છે, જેમાં હવે UAPA ની કલમનો ઉમેરો કર્યો છે. આ એક્ટ હેઠળ સાવ નિર્દોષ પત્રકાર સિદ્દીક કપ્પન ને 22 મહિના જેલમાં રહેવું પડેલ ! કેન્દ્રીય માહિતી પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું છે કે ‘દેશમાં તપાસ એજન્સીઓ સ્વતંત્ર છે અને તે કાયદા મુજબ કામ કરે છે !’
થોડાં સવાલ : [1] ‘સત્તા’ને સવાલ કરો તો તમે દેશદ્રોહી; સ્તુતિ કરો તો દેશભક્ત ! પત્રકારો સત્તાને/ સરકારને/ વડાપ્રધાનને સવાલ કરે એટલે તે દેશદ્રોહી થઈ જાય? [2] 2014 થી 2023 દરમિયાન એક પણ પત્રકારને દેશદ્રોહ માટે સજા શામાટે થઈ નથી? શું 9 વરસમાં કોઈ પત્રકાર સામે દેશદ્રોહના પુરાવા મળ્યા નહીં? શું પત્રકારોને ચૂપ કરાવવા/ ડરાવવા/ તેમનું ચરિત્રહનન કરવા જ તેમની પર રેઈડ કરાવો છો? [3] જે પત્રકારો/ ન્યૂઝ ચેનલો માત્ર વિપક્ષને સવાલો કરે છે તે દેશભક્ત છે? જે સત્તાને સવાલ કરે તેને ચીની ફંડિંગ મળે છે, એવો આરોપ મૂકી તેમને બદનામ કરવાના? માની લો કે તેમને ચીની ફંડિંગ મળ્યું હોય તો તેમને સજા કેમ કરતા નથી? [4] UAPA-Unlawful Activities (Prevention) Act, 1967માં જામીનની જોગવાઈ નથી, આરોપીને જેલમાં જ રહેવું પડે છે, પત્રકારોને જેલમાં પૂરી રાખવાનો આશય નથી? UAPAમાં આજીવનકેદથી લઈ ફાંસીની જોગવાઈ છે. શું સત્યનિષ્ઠ પત્રકારોને ડરાવવાનો આશય નથી? [5] એક તરફ, વડાપ્રધાન દુનિયા સમક્ષ ‘મધર ઓફ ડેમોક્રસી’નો ઢોલ પીટે છે, બીજી તરફ સત્તાને સવાલ કરનાર પત્રકારોને જેલમાં પૂરે છે ! આ કેવો દંભ? જે સરકાર ખુદ કોઈ નીતિ/ નિયમ/ કાનૂન/ સંવિધાનમાં માનતી નથી તે જાગૃત પત્રકારોની સામે તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરી તેમને હેરાન પરેશાન કરે છે ! World Press Freedom Index- 2023માં 180 દેશોમાં ભારતનું સ્થાન 161મું છે; World Democracy Index-2023માં ભારતનું સ્થાન 108મું છે; Human Rights Watch World Report-2023 માં ભારતનું સ્થાન 112મું છે; શું આ શરમજનક નથી? ક્યા મોઢે ‘મધર ઓફ ડેમોક્રસી’નું નાટક કરો છો? [6] માની લઈએ કે અમેરિકામાં બેઠા-બેઠા નેવિલ રોય સિંઘમ ચીની પ્રોપેગેંડાને દુનિયા ભરમાં ફેલાવવાનું કામ કરે છે; તો અમેરિકન તપાસ એજન્સીએ તેને જેલમાં કેમ પૂરેલ નથી? શું આ એક ગતકડું નથી? [7] શું દેશની તપાસ એજન્સીઓ સ્વતંત્ર છે? તે કાયદા મુજબ કામ કરે છે? જો CBI સ્વતંત્ર હોત તો તડિપાર સામે અપીલમાં શામાટે ગઈ નહીં? જો પોલીસ સ્વતંત્ર હોત તો મહિલા પહેલવાનોને FIR નોંધાવવા સુપ્રિમકોર્ટ જવું પડત? જો પોલીસ સ્વતંત્ર હોત તો ‘ગોલી મારો સાલો કો’ કહેનાર અનુરાગ ઠાકુરને જેલમાં બંધ કર્યો હોત કે નહીં? જો ED સ્વતંત્ર હોત તો તે માત્ર વિપક્ષી નેતાઓ પર જ રેઈડ શામાટે કરે છે? લોકોને મૂર્ખ શામાટે બનાવો છો?rs
