Ramesh Savani : ‘બહાદુરી અને કાયરતા બન્ને ચેપી છે !’

0
513
વાત્સલ્યમ્ સમાચાર
[ભાગ-5]
ગરાસદારી પ્રથા નાબૂદ કરવાનું કામ અતિ મુશ્કેલ હતું. 15 ફેબ્રુઆરી 1948 ના રોજ જામનગર ખાતે સરદાર પટેલે જંગીસભા વચ્ચે સૌરાષ્ટ્ર સરકારનું ઉદ્ઘાટન કર્યું. કાઠિયાવાડને નવું નામ મળ્યું-સૌરાષ્ટ્ર. જામ સાહેબ પ્રથમ રાજપ્રમુખ નિમાયા. તેમના નિમંત્રણથી ઉછરંગરાય ઢેબરે નવું મંત્રીમંડળ રચ્યું. તેમાં બળવંતરાય મહેતા/ નાનાભાઈ ભટ્ટ/ રસિકલાલ પરિખ/ મનુભાઈ શાહ/ જગુભાઈ પરીખ મંત્રીઓ નિમાયા. નવા રાજ્યના અનેક પ્રશ્નો હતા. જેમના રાજ્ય ગયા એવા નાના-મોટા ઠાકોરો, દરબારો, ભાયાતો અને તેમના અસંતુષ્ટ અનુયાયીઓએ નવી સરકારને રંજાડવાનું ષડયંત્ર રચ્યું. કોંગ્રેસના કાર્યકરો/ આગેવાનોની હત્યા કરવા વાઘણિયા દરબારના ડ્રાઈવર ભૂપતસિંહને છૂટ્યો દોર આપ્યો, તેણે હત્યાઓની પરંપરા રચી. વિધિની વક્રતા જૂઓ, ભાવનગર દરબાર કૃષ્ણકુમારસિંહજીએ, સૌપ્રથમ પોતાનું રાજ્ય સરદાર પટેલ અને બળવંતરાય મહેતાની હાજરીમાં ગાંધીજીના ચરણોમાં ધરી દીધું હતું, તેમના જ નાના ભાઈ નિર્મળસિંહ, ભૂપત બહારવટિયાના સાથીદાર હતા ! દેશમાં 565 રજવાડાઓના સીમાડા ભૂંસાયા હતા પરંતુ સૌરાષ્ટ્ર જેવી હત્યાઓ/લૂંટફાટ બીજે કોઈ જગ્યાએ થઈ ન હતી. ભૂપતને 303 રાયફલ/કાર્ટિઝ અને બીજી મદદ રજવાડાઓ તરફથી છૂપી રીતે મળતી હતી.
ભૂપતના મુખ્ય નિશાનમાં છગનભાઈ પટેલ પણ હતા. ચોગઠમાં ધાડ-લૂંટ કરીને છગનભાઈનું મનોબળ તોડવું, શક્ય બને તો ખુદ છગનભાઈને ખતમ કરવા એવી મેલીમુરાદ પાર પાડવા ભૂપતે આયોજન કરેલ. છગનભાઈને માહિતી પણ મળી હતી. નબળા તત્વોના સામના માટે છગનભાઈએ યુવાનોને તૈયાર કર્યા હતા. એક દિવસ છગનભાઈએ, રાતના નવ વાગ્યે ચોગઠ ગામના દરબારી ઉતારે ગ્રામપંચાયતની સભા બોલાવી હતી. ચર્ચા વિચારણા થતી હતી ત્યાં ખબર મળ્યા કે ઉગમણે પાદર શામજીભાઈ કોશિયાને ત્યાં ધાડ પડી છે, બંદૂકોની ગોળીઓની ધાણી ફૂટે છે ! સૌ હેબતાઈ ગયા. છગનભાઈ સ્વસ્થ થયા. કોઈ પણ જાતના ગભરાટ કે થડકાટ સિવાય નિર્ણય લીધો કે કોઈએ ઘરમાં છુપાઈ રહેવાનું નથી. જેની પાસે જે હથિયાર હોય તે લઈને હાજર થઈ જવાનું છે. હું સૌની આગળ છું. અને તેમના એક બોલ ઉપર કોદાળી, ધારિયા, લાકડી, ખરપિયો લઈને સૌ હાજર થયા. ફક્ત બે જ બંદૂક અને થોડી ગોળીઓ હતી. આટલાથી ભૂપતનો સામનો કરવાનું નક્કી થયું.
સૌ પ્રથમ ભૂપત અને તેની ટોળીએ ડેલો ખોલવવા માટે વાડામાં સૂતેલા મેઘજીદાદાને સાથે લીધા અને તેમને ડેલો ખોલાવવા કહ્યું. મેઘજીદાદાએ વિચાર્યું કે હું ખડ્યું પાન છું. 80 વર્ષની ઉંમર થઈ છે. મારે જીવતા રહેવા માટે કુટુંબને શા સારું ભૂખ ભેગું કરવું? જે થવું હશે તે થશે. ટોળીની હાજરીમાં મેઘજીદાદાએ ડેલે હાથ દઈને કીધું કે ‘તમારા બાપ બહારવટિયા આવ્યા છે. ડેલું ઉઘાડશો નહીં !’ તે જ વખતે ટોળીએ મેઘજીદાદાને બંદૂક ફટકારી બેહોશ બનાવી દીધા. જમાનાના ખાધેલા મેઘજીદાદા તરત જ જમીન ઉપર પડી ગયા. શ્વાસોચ્છવાસ બંધ કર્યા. બહારવટીયાને લાગ્યું કે દાદો મરી ગયો છે. બહારવટિયા પાછલી બારીએથી ઘરમાં ઉતર્યા. લૂંટની તૈયારી કરી ત્યાં ઘર સામેના ખોરડા ઉપરથી ગામલોકોએ નળીયાનો વરસાદ શરૂ કર્યો. આજુબાજુમાંથી પણ દેકારો બોલાવ્યો. આખું ગામ ઉમટ્યું. કોઈને બહારવટિયાની બીક ન લાગી. તે જ વખતે છગનભાઈએ, દિયાળભાઈ ગોપાણી અને માવજીભાઈ પગીને ઉમરાળા પોલીસ થાણે ખબર દેવા ઘોડા ઉપર રવાના કર્યા. બહારવટિયા લૂંટનો માલ ગોતવા પેટી પટારા ફેંદતા હતા પણ કંઈ હાથ લાગતું ન હતું. શામજીભાઈ કોશિયાને પડખામાં ગોળી વાગી. બીજા માણસોએ ફરતું ફાળિયું વીંટી દીધું. સામનો શરુ રાખ્યો. છેવટે કંઈ પણ લીધા વિના ભૂપત બહારવટિયાને ખાલી હાથે પાછા ફરવું પડ્યું. પછી મેઘજીદાદાને બેઠા કર્યા. ચોમાસું હતું. રસ્તો કાદવ-કીચડ વાળો હતો. ચાર બળદ જોડીને ધોળાથી ટ્રેન મારફતે ભાવનગર સર ટી. હોસ્પિટલમાં દાખલ કર્યા. પોલીસને ગામમાંથી 80 કારતૂસોના ખોખાં હાથ લાગ્યા હતા. આગેવાન નિર્ભય હોય તો ગામ આખું લડવા નીકળી પડે. ગૃહમંત્રી રસિકલાલ પરીખ, નાયબ મુખ્યમંત્રી બળવંતરાય મહેતા, રતુભાઈ અદાણી,જાદવજીભાઈ મોદી, અકબર અલી જસદણવાળા ચોગઠ આવી છગનભાઈ તથા ગામલોકોની પીઠ થાબડી. ઈનામ આપ્યા. જરુર હોય તેમને બંદૂકના પરવાના આપ્યા !
એક વખત, મુખ્યમંત્રી ઢેબરભાઈના ચૂંટણી પ્રચાર માટે છગનભાઈ ગોંડલ તાલુકાના એક ગામમાં ગયા. 21 જાન્યુઆરી 1952ની રોજ, ભૂપતે ખારચીયા ગામમાં ઢેબરભાઈની ચૂંટણીસભામાં ગોળીબાર કરી એક સાથે 11 લોકોની હત્યા કરી હતી. દેશભરમાં હાહાકાર મચી ગયો. ભૂપતે સરકારનું નાક કાપ્યું હતું. તેથી સાવચેતી માટે અડધો કલાક અગાઉ ખબર આપીને ચૂંટણી સભા ભરવામાં આવતી. છગનભાઈએ સભામાં કહ્યું : “નમાલા માણસ જ બીકણ હોય. માણસે મર્દ બનીને જીવવું જોઈએ. તમે હરણ જેવા છો તેમ ખબર પડે તો તમને કોઈ ઉભું જ ન રહેવા દે. સિંહની જેમ ત્રાડ નાખો તો બધા જ છેટે રહેશે. બહાદુરી અને કાયરતા બંને ચેપી છે. એક જણ મર્દ બનીને અડગ ઉભો રહેશે તો તરત જ તેની પાસે બીજો ઉભો જ રહેશે, પણ 51 માંથી એક ભાગ્યો તો પાછળ રહેલા 50 માં એક પણ ઊભો ન રહે. માટે નમાલા અને બીકણ બનીને જીવવાનું છોડી દેજો !” આમ જુસ્સાપૂર્વકનું પ્રવચન ચાલતું હતું એવામાં બે જીપ ભરીને ખાખી કપડાવાળા માણસો આવ્યા. લાઈટ બંધ કરી. ‘ભૂપત આવ્યો, ભૂપત આવ્યો. ભાગો ભાગો !’ એવી હવા ઊભી થઈ. કેટલાંક ભાગ્યા. છગનભાઈએ એક પળમાં નિર્ણય કર્યો કે અહીંથી એક ડગલું પણ હટવું નહીં. છગનભાઈએ પ્રવચન ચાલુ રાખ્યું : “ભૂપત આવ્યો હશે તો તે મારા માથા માટે આવ્યો હશે, તમારે બિલકુલ ગભરાઈને ભાગવાનું નથી. ભૂપતની ગોળી મારા લોહીની તરસી હોય તો ભલે ચલાવે. આઝાદી માટે નવ લોહિયાના બલિદાન દેવાયા છે. મારી પણ ભલે પ્રાણની આહુતિ અપાય.” પરંતુ ત્યાં જ ભાંડો ફૂટ્યો. આવનાર ટોળી ભૂપતની નહીં પણ બીજા પક્ષના ખાટસવાદિયા માણસોએ રચેલી ટોળી હતી ! છગનભાઈને ડરાવવા માટેનું કારસ્તાન હતું. પછી તો તેમને પકડી, બંને જીપને રાજકોટ લઈ જઈ પોલીસને સોંપી દીધાં. ભૂપત બહારવટિયો અને તેમના આશ્રયદાતા રાજાઓ અને ગરાસદારોનું એક માત્ર લક્ષ્ય ખેડૂત આગેવાનોને વીણી વીણીને હત્યા કરવાનું રહ્યું. કંઈકના માથાં કપાયાં, કંઈકને જમવામાં ઝેર પીરસાયાં, કંઈકના નાક કપાયા, આવા કપરા સમયે છગનભાઈ અને તેમના સાથીઓ અણનમ રહ્યા. ગરાસદાર સામે મળે, તેમના બાળકો સામે મળે, રસ્તામાં પણ ચંપલ કાઢીને પાઘડી ઊતારી માથું નમાવવું પડતું. પણ છગનભાઈ અને તેમના સાથીઓની માથાં પરની પાઘડીઓ અને તેમના માથા અણનમ રહ્યાં !rs [તસ્વીર : ધારાસભ્ય છગનભાઈ પટેલને અભિનંદન આપતા ગુજરાતના પ્રથમ ગવર્નર મહેંદીનવાઝ જંગ]
ગવર્નર મહેંદીનવાઝ જંગ

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews