Ramesh Savani : ‘જો મારે ધંધો જ કરવો હોત તો આ કૂવો ગાળવો ન પડત !’

0
224
વાત્સલ્યમ્ સમાચાર
[ભાગ-3]
જે કામ ગાંધીજી કરી શકે, સરદાર કરી શકે, મોરારજી દેસાઈ કરી શકે, ઉછરંગરાય નવલશંકર ઢેબર કરી શકે તે કામ કથની અને કરણી સાવ ભિન્ન હોય તે નેતા ન કરી શકે ! ભલે હજારો પ્રયત્ન કરે; મીડિયાને ખરીદી લે; કોર્પોરેટ કથાકારો, મોટિવેશનલ સ્પીકર્સ, સંપ્રદાયના સ્વામિઓ, બાબાઓ વગેરે ગમે તેટલા વખાણ કરે તોપણ નેતાનું ચરિત્ર ઊંચું થઈ શકતું નથી. હા, ખાલી ચણો વાગે ઘણો ! વખાણ કરવાથી ચરિત્ર બનતું નથી, કાર્યથી ચરિત્ર નિર્માણ થાય છે. પ્રામાણિક માણસ સત્યપ્રિય હોય છે, સ્પષ્ટવક્તા હોય છે. પ્રામાણિક માણસ અપ્રામાણિકતા સહન ન કરે અને અપ્રામાણિકતા આચરે પણ નહીં. અન્યાય સહન ન કરે અને કોઈને અન્યાય પણ ન કરે. મૂલ્યનિષ્ઠ ખેડૂત અને મૂલ્યનિષ્ઠ રાજપુરુષ કેવા હોય તે જોવા માટે ધારાસભ્ય છગનભાઈ પટેલનું વ્યક્તિત્વ જોવું પડે.
આઝાદી પહેલા ભાવનગરના મહારાજાએ પ્રજાને જવાબદાર લોકતંત્રની વ્યવસ્થા આપેલી. જેમાં રાજ્ય તરફથી પ્રતિનિધિઓની ધારાસભ્ય નિમણૂક થતી, તેને બદલે ચૂંટણીઓ દ્વારા ધારાસભાની રચના થઈ. જેમાં ‘ભાવનગર પ્રજા પરિષદ’ નામની સંસ્થા કોંગ્રેસના નેજા તળે બળવંતભાઈ મહેતાની રાબરી નીચે ચાલતી. પ્રજા પરિષદના ઉમેદવાર તરીકે છગનભાઈએ ચૂંટણી લડવાની થઈ ત્યારે તે વખતના દિવાન અનંતરાય પટ્ટણીએ નિલમબાગ પેલેસમાં છગનભાઈને બોલાવીને રાજ સામે ચૂંટણી નહીં લડવા સામ-દામ દંડ અને ભેદની નીતિ અપનાવી. અડગ રહેલા છગનભાઈને ધનની લાલચ આપી અને કહ્યું કે “ભાવનગર રાજને તમારા જેવા સારા ખેડૂતની ખૂબ જરૂર છે માટે રાજ સામેનું આંદોલન મૂકીને રાજની સાથે આવી જાવ !” છગનભાઈએ નમ્રતાપૂર્વક દિવાનને કહ્યું : “મેં આજીવન અણહકની પાઈ પણ ન લેવાનું વ્રત લીધું છે !”
છગનભાઈ ચોગઠ ગામના સરપંચ હતા ત્યારે પંચાયત ઓફિસમાં અંગત કાગળ અને પોસ્ટકાર્ડ રાખતા, અલગ શાહીનો ખડિયો રાખતા. કોઈ કહેતું કે નાની વાતમાં આવું ન કરાય. ત્યારે છગનભાઈ કહેતા : “લપસણી તો નાની હોય છે. ત્યાંથી શરૂઆત થયા પછી પાછું ફરવું મુશ્કેલ હોય છે. પારકું લેવું, મફતનું લેવું, બીજાને છેતરવા, આરામનું ખાવું આ વૃત્તિ થઈ જાય છે. સારી અને નરસી વૃત્તિ બંને ચેપી છે. એક હશે તો બીજું નહીં આવે. હકનું ખાવું કે હરામનું ખાવું. એક વખત નક્કી થઈ જાય પછી તેમાં બહુ ઓછો ફેર પડે છે. એક દાખલો આપું. સંત્રી પહેરો ભરનારા બે જણ ભરી બંદુકે 10 ફૂટના દરવાજામાં સામસામા આવ-જા કર્યા જ કરે છે, કોઈએ અટકવાનું નહીં. આવું શા માટે? બંને સામસામે ફક્ત ઊભા રહે તો પણ ચાલે. ખુરશી ઉપર બંને બેસી રહે તો પણ ચાલે, છતાં આવું ગોઠવ્યું કેમ? તેનો વિચાર કરો તો ખ્યાલ આવશે કે ચાલવું બંધ કરી ઉભા રહ્યાં તેમાંથી બાંધછોડ કરીને એક બેઠો પછી એક ઉભો રહ્યો, પછી બાંધછોડ થઈ અને બંને બેસી રહ્યા. પછી બાંધછોડ થઈ, એક જાગે અને એક ઊંઘ લઈ લ્યે, પછી બાંધછોડ થઈ બંને ઊંઘી ગયા. પરિણામ, ખજાનો લૂંટાઈ ગયો. આમ નીતિ અને સત્યમાં માણસ ઉણો ઉતરે ત્યારે અનર્થ સર્જાય. માટે બાંધછોડ કરવાની જરૂર લાગે ત્યાં જરૂર કરો, પણ જીવન વ્યવહારની નીતિ વિષયક વાત આવે ત્યારે નીતિને વળગી રહે તે જ જીવન જીવી શકે.”
છગનભાઈ ઘરખેડ પ્રવર સમિતિના સભ્ય હતા. એક વખત એક ખેડૂત તેમની પાસે પોતાનો પ્રશ્ન લઈને ચોગઠ આવ્યા. છગનભાઈ ઘરે ન હતા, વાડીએ ગયા હતા. પેલો ખેડૂત વાડીએ પહોંચ્યો. જોયું તો છગનભાઈ કૂવામાં હતા અને કૂવો ગાળતા હતા. છગનભાઈ કૂવા બહાર આવ્યા અને ખેડૂતનો પ્રશ્ન સાંભળ્યો. ખેડૂત કહે : “છગનભાઈ, મારો પ્રશ્ન પતાવી આપો. તમારું સમજી દઈશ.” છગનભાઈએ કહ્યું : “જો મારે ધંધો જ કરવો હોત તો આ કૂવો ગાળવો ન પડત ! આવો તડકો ખમીને ખેતી કરતો ન હોત. મારે ઘેર મોટર સહિત બધું જ હોત. હવે તમે બીજે ગમે ત્યાં જઈ શકો છો. ફરી વખત આવું કરતા નહી.”
ભાવનગર રાજ્યના સમયમાં રાજ્યના કામે આવતા ગ્રામજનો માટે રાતવાસો કરવા ‘પટેલ ભુવન’ નામનું વિશાળ મકાન ઊભું થયું. આઝાદી બાદ છગનભાઈએ દરેક કોમના ગ્રામજનોના વિસામા માટે આ મકાન વાર્ષિક 12 રુપિયાના ટોકન ભાડાથી મેળવ્યું. તેના નિભાવ અને વહિવટ માટે કમિટી રચી, ટ્રસ્ટ કરાવ્યું. 25 વરસ સુધી પટેલ ભુવન ટ્રસ્ટના પ્રમુખ રહ્યા. તેઓ પટેલ ભુવનની મીટિંગ માટે આવે ત્યારે પ્રવાસ ભથ્થું લેતા નહીં. એટલું જ નહીં, રુમ ભાડું પણ પોતાના ખિસ્સામાંથી ચૂકવતા ! ધારાસભાની કામગીરી કરી રાતે ઉમરાળા ઉતરે. ચાલતા ચોગઠ જાય. જીવનભર પોતાનું વાહન ખરીદ્યું નહીં. ઘરનું નળિયું બદલ્યું નહીં. ક્યાં તે સમયના નિષ્ઠાવાન ધારાસભ્યો અને ક્યાં આજના ખર્ચાળ અને મૂલ્યહીન ધારાસભ્યો !rs [છગનભાઈની આગેવાની હેઠળ કાશ્મીર પ્રવાસે ગયેલ સૌરાષ્ટ્રના ધારાસભ્યો]
rameshsavani02

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews