વાત્સલ્યમ્ સમાચાર
[ભાગ-19]
દર વર્ષે પ્રગટ બ્રહ્મસ્વરુપોની પધરામણી અમેરિકામાં થાય છે; કાશ્મીર કે પેલેસ્ટાઈન જેવા પ્રદેશોમાં કદી નથી થતી. ભગવાં વસ્ત્રધારી કોઈ પણ સ્વામી આજકાલ અમેરિકાની યાત્રા કરીને શિષ્યગણ સંપાદન ન કરે તો ભારતમાં એમની કિંમત ઓછી ગણાય છે. એમાંય જો વિદેશમાં વિશાળ મંદિર ઊભું કરો તો ગુજરાતીઓમાં વાહવાહી થઈ જાય છે ! સત્સંગીઓ કહે છે કે અમેરિકાના ન્યૂજર્સીના રોબિન્સવિલમાં ઐતિહાસિક સીમાચિહ્ન અંકિત કરતું BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરનું ઉદ્ઘાટન 8 ઓક્ટોબર 2023ના રોજ થતાં વિશ્વમાં હિન્દુ સંસ્કૃતિનો ડંકો વાગી ગયો છે ! ‘અક્ષરધામ’માં સહજાનંદ સ્વામી સાથે ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ છે. સવાલ એ છે કે આ ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ; સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાળ ગાદીના મંદિરોમાં કે અમદાવાદ ગાદીના મંદિરોમાં કેમ હોતી નથી? જો વડતાળ ગાદી/ અમદાવાદ ગાદી જ ગુણાતીતાનંદ સ્વામીને અવતાર તરીકે સ્વીકારતા ન હોય તો આવા ઊભા કરેલા અવતારથી હિન્દુ સંસ્કૃતિનો ડંકો વાગે ખરો? બીજું ગુજરાત/ ભારત/ વિશ્વના કોઈ હિન્દુ મંદિરોમાં ‘સર્વોચ્ચ ભગવાન’ તરીકે સહજાનંદ સ્વામીની મૂર્તિ છે ખરી? શું સંપ્રદાયનો એક વાડો, હિન્દુ સંસ્કૃતિનું આ રીતે રક્ષણ કરી શકે? શું તેમની પાસે ઉપનિષદ કક્ષાના કોઈ ગ્રંથો છે ખરાં? ચકલાંઓને સમાધિ કરાવી દીધી, એવા ગપ્પાંથી હિન્દુ સંસ્કૃતિનો જયજયકાર થશે?
અક્ષરધામનું મહત્વ દર્શાવવા કેવું સાહિત્ય રચવામાં આવ્યું છે, તેનું ઉદાહરણ જોઈએ. BAPS દ્વારા પ્રકાશિત ‘સ્વામીની વાતો’ પુસ્તકમાં ગુણાતીતાનંદ સ્વામી કહે છે : “અક્ષરધામનું એક મચ્છરિયું મૂતર્યું છે તેમાં સર્વે લોક સુખી છે, એટલે અક્ષરનું મચ્છરિયું જે મૂળ પુરુષ તેની લઘુશંકામાં સર્વે લોક સુખી છે. (પ્રકરણ-5, વાત-173) સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ એ ત્રિલોકી લઘુશંકા ચૂંથે છે. તે મોટા સાધુ તો જાણે જે, આ તે શું કરે છે? કોઈ પ્રભુ ભજતા નથી. ને માણસને વસમું લાગે એટલે કહેતા નથી. ને સત્સંગ થયો છે પણ બાળકની પેઠે લઘુ ચૂંથે છે. ને ત્રિલોકીમાંથી એવો એક તો ખોળીને મારે આગળ લાવો જે મૂતર ન ચૂંથતો હોય ! (પ્રકરણ-6, વાત-287) આ જગતનું સુખ તો એવું છે જે, અક્ષરધામમાંથી મચ્છરિયું મૂતર્યું તે પ્રકૃતિના લોકમાં ટીપું પડ્યું ને તેમાંથી પાછું વળી થોડુંક ટીપું પ્રધાનપુરુષના લોકમાં પડ્યું અને તેમાંથી પાછું એમને એમ બીજા લોકમાં પડતે પડતે કાંઈક ઝણ્ય આ બ્રહ્માંડમાં પડી, એ તે શું કેટલું કહેવાય? તે માટે સર્વોપરી સુખ તો અક્ષરધામમાં છે, ત્યાં જવું છે. (પ્રકરણ-6, વાત-289)” બોલો, અક્ષરધામનું મચ્છરિયું કેટલું શક્તિશાળી ! પ્રકરણ-6માં કુલ-292 વાતો છે; પ્રકરણ-7માં કુલ-34 વાતો છે; આમ કુલ- 326 વાતોમાંથી એક પણ વાતનો ઉલ્લેખ કુંડળ સ્વામિનારાયણ મંદિર દ્વારા પ્રકાશિત ’સ્વામીની વાતો’ પુસ્તકમાં નથી ! આમ સ્વામિનારાયણ સંપ્રદાયોના ગ્રંથોમાં વિચિત્ર પરિસ્થિતિ પ્રવર્તે છે ! જેને ‘સર્વોપરી ભગવાન’ ઠીક કરી શકતા નથી !
અધ્યાત્મ અને પુનર્જન્મ વિશેની માન્યતાઓ એટલી બધી શ્રદ્ધા માગી લે છે કે ઘણીવાર એ વિચાર શૂન્યતાની હદમાં પહોંચી જાય છે. વિચાર શક્તિને ઘેર મૂકીને જઈએ તો જ સ્વામિનારાયણ મંદિરમાં પ્રવેશ કરી શકીએ. ગયા જન્મનાં/ આવતા જન્મનાં/ અક્ષરધામના રંગીન સપનાં ગુરુ આપણને ખાતરીપૂર્વક બતાવી શકે; કારણ એની ખાતરી કરવા કોઈ જવાનું નથી, એની પ્રગટ બ્રહ્મસ્વરુપને ખાતરી હોય છે ! આપણી શ્રદ્ધા ઈશ્વરમાં હોતી નથી, પણ ઈશ્વરના નામે ધંધો કરનારા સાધુઓમાં, સ્વઘોષિત અવતારોમાં, પુનર્જન્મમાં, ચમત્કારિક ગપ્પાંઓમાં, વિધિઓ અને રિવાજોના બખડજંતરમાં હોય છે ! કર્મફળ ને પુનર્જન્મમાં શ્રદ્ધા સર્વમાન્ય બની એટલે દેવદર્શન, ક્રિયાકાંડ, તપ, વગેરેને ઉત્તેજન મળ્યું; સાથેસાથે પ્રબળ ભાગ્યવાદે પાયો નાખ્યો. જેમ સ્પર્ધા, પુરુષાર્થ, મહત્ત્વાકાંક્ષા, ધ્યેયપ્રાપ્તિ, વગેરેનું મહત્ત્વ ઘટતું ગયું, તેમ સમાજની પ્રગતિ રુંધાતી ગઈ. અધ્યાત્મનું નિરંતર ચિંતન, મનન, રટણ કરવાથી ‘આ લોક’ની વાસ્તવિકતાઓ બાજુ પર રાખી, ‘પરલોક’ની રંગદર્શી કલ્પનાઓ તરફ સમાજની રુચિ વધી ગઈ. સમાજનાં ધન અને બુદ્ધિધન બન્ને બીજી દિશામાં વળી ગયાં. પુનર્જન્મની માન્યતાનું બીજું સીધું પરિણામ એ આવ્યું કે આપણે ત્યાં અધ્યાત્મનો અતિરેક થયો. અધ્યાત્મની એકસરખી આરાધનાથી-વળગાડથી, નિર્માલ્ય સમાજ નિર્માણ થયો. જે પોતાના હક્ક અધિકારની વાત કરવાને બદલે પ્રગટ બ્રહ્મસ્વરુપ સમક્ષ હાથ જોડતો થઈ ગયો. પ્રત્યક્ષ જીવન સાથે કોઈ સંબંધ ન હોય એવી દુનિયાની શોધમાં લાખો લોકો નીકળી પડ્યા. એમની પરલોકની શોધ કદી પૂરી થતી નથી, તેમ જ ‘આ લોક’ના પ્રશ્નોના ઉકેલની શોધ કદી શરુ થતી નથી. એમની અમૂલ્ય જિંદગી જ્યારે ભાવિ અક્ષરધામની લાલચે તેઓ હોડમાં મૂકે છે, ત્યારે તેઓ આભાસી સત્ય પામે છે. જિંદગી સત્ય છે; જ્યારે અક્ષરધામ આભાસી છે. અધ્યાત્મનું આક્રમણ ખાળવું આપણા દેશમાં અશક્ય છે. એ અતિશય નફાકારક ઉદ્યોગ બન્યો છે. કરોડો લોકો વ્યાખ્યાનો, શિબિરો, સેમિનારોમાં ઉભરાય છે. ‘દુનિયા દુઃખથી ભરેલી છે, દુનિયા ભ્રમ છે, બ્રહ્મ એ જ સત્ય છે, મોક્ષ એ જ ઉપાય છે’, એમ સંતો/ મહંતો/ સ્વામીઓ/ ભક્તો કહે છે; પરંતુ તેઓ વિદેશમાં હાર્ટ સર્જરી કરાવે છે અને વધુને વધુ ધનસંચય માટે સમૈયા ઊજવે છે અને મંદિરો ઊભા કરે છે.
જ્યારે આપણું અડધું બુદ્ધિધન અધ્યાત્મમાં વેડફાઈ જાય અને બાકીનું અડધું ક્ષુદ્ર કૌટુંબિક પળોજણોમાં પરોવાઈ જાય, ત્યારે દેશની પ્રગતિ માટે શું બચે? પોતાના આત્માના કલ્યાણ માટે ઉપવાસ કરવા કરતાં ગરીબોની સહાનુભૂતિમાં ઉપવાસ કરવા વધારે સારા. આજુબાજુ લોકો ભૂખે મરતા હોય ત્યારે પોતાના જ આત્માના મોક્ષનું ધ્યાન ધરવું એ મોટું પાપ છે; કારણ બધા ધર્મો પરમાર્થનો પુરસ્કાર કરે છે; સ્વાર્થનો નહીં. દૈનિક જીવન જો અસ્તિત્વ ટકાવી રાખવાનો એક સંગ્રામ હોય, સ્પર્ધા હોય; તો આત્માનું નિત્ય ચિંતન, મનન, શ્રવણ, એ કોઈ માર્ગ નથી. કયા મંદિરનો ઘંટનાદ આપણાં મરતાં બાળકોને જીવાડશે? કયું ભજન ભુખ્યાને ભોજન પુરું પાડશે ? ‘આત્મા પ્રકાશી પૂંજ છે’ એવું રટણ રોજેરોજ કરવાથી જીવનનાં અંધારાં હટશે નહીં; એ તો પુરુષાર્થથી જ હટશે. બ્રહ્મ સત્ય હોય, અક્ષરધામ સત્ય હોય અને જીવન સ્વપ્ન હોય તો ભલે હોય. એ સ્વપ્ન જો 70–80 વરસ સુધી ચાલવાનું હોય, તો એને સુખી જોવાનું કેમ ન ઈચ્છવું?rs
