વાત્સલ્યમ્ સમાચાર
મોરબીમાં ઝૂલતો પૂલ તૂટી પડ્યો ત્યારે હજુ મારો જન્મ થયો હતો. બનાસકાંઠાના પાલનપુરના RTO સર્કલ પાસે હું હજુ પુખ્ત બનું એ પહેલાં 23 ઓક્ટોબર 2023ના રોજ મારા 5 સ્લેબ તૂટી પડ્યા, હું અપંગ થઈ ગયો તેનું મને દુ:ખ નથી, પરંતુ મારા કાટમાળ નીચે બે જીવતા માણસોના જીવ ગયા, એનું મને અતિ દુ:ખ છે. જો હું તૂટી પડ્યો ન હોત તો જાન્યુઆરીમાં મારુ લોકાર્પણ કોઈ ભ્રષ્ટ નેતાના હાથે થવાનું હતું !
મારા સાથી પૂલની પણ મારા જેવી જ સ્થિતિ થઈ હતી. તાપી જિલ્લામાં મીંઢોળા નદી પરના પુલે પણ લોકાર્પણ પહેલા જ આત્મહત્યા કરી હતી ! મને એક વાતનો આનંદ છે કે સત્તાપક્ષે ગુજરાતમાં એક પણ મોટો કે મધ્યમ કક્ષાનો સિંચાઈ ડેમ બનાવ્યો નથી; નહિતર દર ચોમાસામાં 2-3 ડેમ ધરાશાયી થઈ જાત ! ભલે ખેડૂતોની ઉપજના ભાવ MSP મુજબ આપવાની સત્તાપક્ષે દરકાર કરી નથી; પણ ‘એક પણ ડેમ નહીં બનાવીને’ સત્તાપક્ષે ખેડૂતોની જબરજસ્ત મહાસેવા કરી છે !
ગુજરાતમાં કોઈ પણ પુલના છેડે ‘ભારતમાતા’ની તસ્વીર હોય છે ! એ જોઈ છે? તમે ક્યારેય વિચાર્યું છે કે આ તસ્વીર શામાટે મૂકવામાં આવે છે? નાગરિકો આ તસ્વીર જોઈને સત્તાપક્ષની વાહવાહી કરે, એ હેતુ નથી ! ‘ભારતમાતા’ની તસ્વીર મૂકવાથી ભ્રષ્ટ કોટ્રાક્ટર/ એન્જિનીયર/ સચિવ/ મંત્રી/ MLA/ MP દેવદૂત લાગે છે !
મારી ફરિયાદ એ છે કે મારે ધરાશાયી થવું જ પડે એવી સ્થિતિ અંગે નાગરિકો કેમ વિચારતા નહીં હોય? શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે સત્તાપક્ષની કચેરીનો સ્લેબ તૂટી પડ્યો? નહીં ને? મારું એ જ કહેવું છે કે અમારા હાડ-માંસની ચોરી કરીને સત્તાપક્ષના કાર્યાલયો મજબૂત બને છે ! તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે અમારા નાથ-કોન્ટ્રાક્ટરના ઘરનો સ્લેબ તૂટી ગયો? અરે તમે એવું ક્યારેય સાંભળ્યું છે કે સરકારી એન્જિનીયરો/ સચિવો/ IAS અધિકારીઓ/ મિનિસ્ટરના મહેલની છત ધરાશાયી થઈ ગઈ? મારી વેદના જ એ છે કે અમારા પૂલ સાથે જ કેમ આવું બને છે? કેટલાંક કહે છે કોન્ટ્રાક્ટરને અગાઉ ‘બ્લેકલિસ્ટ’માં મૂકેલ; છતાં તેમને મારા જન્મનો કોન્ટ્રાક્ટ અપાયો હતો ! પણ જ્યારે આખું તંત્ર બ્લેકલિસ્ટમાં મૂકી શકાય તેવું હોય ત્યાં એકાદ કોન્ટ્રાક્ટરનો શું વાંક કાઢવો?
અમારે શામાટે તૂટવું પડે છે? કોન્ટ્રાક્ટર્સની ચોરીના કારણે? એન્જિનીયર/ સેક્રેટરી/ નેતાઓ/ MLA/ MPના ભ્રષ્ટાચારના કારણે? આ બધાં જવાબદાર છે જ, પરંતુ સૌથી વધારે જવાબદાર નાગરિકો છે ! શું નાગરિકોને એ ખબર નથી કે પૂલ મજબૂત બનવાને બદલે સત્તાપક્ષની કોર્પોરેટ ઓફિસ કઈ રીતે મજબૂત બને છે? જો નાગરિકો આ સત્ય નહીં સમજે તો હજુ બીજા પૂલ ધરાશાયી થવાના છે ! મોરબીના ઝૂલતા પૂલની દુર્ઘટનામાં 135થી વધુ જીવતા માણસોના જીવ ગયા; છતાં વિચારથી મૃત્યુ પામેલાં નાગરિકોએ સત્તાપક્ષના ઉમેદવારને જીતાડી દીધો ! બસ, ત્યારથી જ નક્કી હતું કે મરેલું તંત્ર જીવતા માણસોનો ભોગ લેવામાં પાછું નહીં પડે ! તસ્વીર વાળી ‘ભારતમાતા’ રડી શકતી નથી, કદાચ એટલે જ આ લુચ્ચાઓ/ ઢોંગીઓ એમની તસ્વીર મૂકાવતાં હશે?rs
