RAMESH SAVANI

આઝાદીમાં જેમનો ફાળો શૂન્ય હતો તે આઝાદી બાદ બેફામ બન્યા છે !

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા યુવાનો પૂછે છે કે ‘કઈ રીતે તૈયારી કરવી? શું વાંચવું જોઈએ?’ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સૌથી વધુ ભાર ‘જનરલ સ્ટડી’ પર મૂકવામાં આવે છે. અને જનરલ સ્ટડી માટે અમદાવાદ ઉત્તમ સ્થળ છે. કઈ રીતે? અહીં સાબરમતી આશ્રમ છે, સરદાર પટેલ નેશનલ મેમોરિયલ છે. આ બે સ્થળોએ વિઝિટ કરવાથી અને ત્યાં રજૂ થયેલ માહિતીને સમજવાથી આઝાદીનો ઈતિહાસ તાદ્રશ્ય જોઈ શકાય છે. ઉપરાંત અમદાવાદ શહેરમાં વિદ્વાન વ્યક્તિઓને સાંભળવાની તક મળે છે. 1000 પેજનું પુસ્તક વાંચીએ એ કરતાં જે તે ક્ષેત્રની વિદ્વાન વ્યક્તિને રુબરુ સાંભળીએ તો વધારે સમજાય.
13 ફેબ્રુઆરી 2024ના રોજ સાંજે 6.00 વાગ્યે ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે એક ખૂબ મહત્વના પુસ્તકના વિમોચનનો કાર્યક્રમ યોજાયો છે. પુસ્તકનું નામ છે : ‘ઉસને ગાંધી કો ક્યોં મારા?’ મૂળ હિન્દી/અંગ્રેજીમાં આ પુસ્તક વિખ્યાત ઇતિહાસકાર અશોકકુમાર પાંડેયએ લખ્યું છે. તેનો અનુવાદ પંજાબી અને મરાઠીમાં થયો છે. જ્યારે ગુજરાતી અનુવાદ કર્યો છે હેમંતકુમાર શાહે. આ ગુજરાતી અનુવાદના વિમોચન વેળાએ લેખક અશોકકુમાર પાંડેય/ ‘નિરીક્ષક’ના તંત્રી પ્રકાશ શાહ/ હેમંતકુમાર શાહ હાજર રહેવાના છે. તેમને સાંભળવાનો મોકો જિજ્ઞાસુઓ/ બૌદ્ધિકો/ સેક્યુલર નાગરિકો/ ગાંધીવાદીઓ/ જર્નાલિઝમનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ/ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને મળશે.
‘ઉસને ગાંધી કો ક્યોં મારા?’ પુસ્તક શામાટે લખવામાં આવ્યું છે? તે સમજવું જરુરી છે. ગાંધીજીની હત્યા ગોડસેએ શામાટે કરી હતી? પાકિસ્તાનને 55 કરોડ રુપિયા આપવા ગાંધીએ આગ્રહ કર્યો હતો એટલે? ગાંધીજી મુસ્લિમોની તરફેણ કરતા હતા એટલે? ગાંધીજી હિન્દુઓને અહિંસક બનાવી રહ્યા હતા એટલે? બધાં મુસ્લિમોને પાકિસ્તાન મોકલી દેવા જોઈએ, તેવી કટ્ટરપંથીઓની માંગણીનો ગાંધીજી વિરોધ કરતા હતા એટલે? મોટાભાગના લોકો ગોડસેએ કોર્ટ સમક્ષ 92 પેજનું નિવેદન આપેલ તેને સાચું માને છે ! ગોડસેનું નિવેદન પ્રથમ દ્રષ્ટિએ તર્કબધ્ધ લાગે છે, આ નિવેદન સહઆરોપી સાવરકરે લખ્યું હોવાની શક્યતા છે. પરંતુ ગોડસેના આ નિવેદનમાં જૂઠના ગપગોળા છે, તેનો પર્દાફાશ લેખક અશોકકુમાર પાંડેયએ 216 પેજમાં 479 દસ્તાવેજી સંદર્ભો સાથે કર્યો છે. ‘ઉસને ગાંધી કો ક્યોં મારા?’ શીર્ષકમાં ‘ઉસને’ શબ્દનો ઉપયોગ કર્યો છે, ‘ગોડસે’ શબ્દનો નહીં. મતલબ કે માત્ર ગોડસે હત્યા કરવામાં ન હતો પરંતુ ‘સાવરકર ગેંગ’નું કાવતરું હતું ! આખી ગેંગ સામેલ હતી ! ગાંધીજીને કોઈ એક વ્યક્તિએ નહીં પરંતુ નફરત અને હિંસામાં માનનાર ‘વિકૃત વિચારધારા’ હતી. ગાંધી હત્યાની તપાસ માટે 22 માર્ચ 1965ના રોજ કપૂર કમિશનની રચના થઈ હતી. આ કમિશને 30 સપ્ટેમ્બર 1969ના રોજ 770 પેજનો રીપોર્ટ આપ્યો હતો. તેમાં જણાવેલ છે કે હત્યારાઓ સાવરકરના અંધભક્તો હતા. આ રીપોર્ટ આવ્યો તેના ત્રણ વરસ પહેલા સાવરકરનું અવસાન થયેલ. ગાંધી હત્યા પાછળ હિન્દુ મહાસભા/ સાવરકરની ભૂમિકા હતી. 30 જાન્યુઆરી 1948ના રોજ ગાંધીજી દિલ્હીમાં પ્રાર્થના સભામાં જઈ રહ્યા હતા ત્યારે ગોડસેએ ગાંધીજીની હત્યા કરી હતી. આ તેનો પ્રથમ પ્રયત્ન ન હતો. કટ્ટરપંથીઓ ઘણા સમય પહેલાંથી ગાંધીજીની હત્યા કરવાની યોજના કરી રહ્યા હતા. જેમાં નારાયણ આપ્ટે/ વિષ્ણુ કરકરે/ગોપાલ ગોડસે/ મદનલાલ પાહવા સહિત બીજા ઈસમો સામેલ હતા. કટ્ટરપંથીઓ ‘હિન્દુરાષ્ટ્રના સ્વપ્ન’માં ગાંધીજીને બાધારુપ માનતા હતા. ગાંધીજીની હત્યા લાંબા સમયથી વ્યવસ્થિત બ્રેઈનવોશિંગનું પરિણામ હતી. ગાંધીજી કટ્ટરપંથીઓના રસ્તામાં કાંટો બની ગયા હતા.
માન્યતા એવી છે કે દેશનું વિભાજન ગાંધીજીના કારણે થયું ! પરંતુ ગાંધીજી છેવટ સુધી દેશના વિભાજનના વિરોધી હતા. ‘દ્વીરાષ્ટ્ર’ના સિદ્ધાંતની એટલે કે હિન્દુરાષ્ટ્ર અને મુસ્લિમ રાષ્ટ્રની વકીલાત સાવરકર અને જિન્ના કરતા હતા અને ગાંધીજી વિભાજન માટે જવાબદાર? ડો. આંબેડકરે કહ્યું હતું કે ‘દ્વિરાષ્ટ્રના સિદ્ધાંત અંગે જિન્ના અને સાવરકરમાં કોઈ ફરક નથી !’ હિન્દુ મહાસભા/RSS/ મુસ્લિમ લીગે ગૃહયુદ્ધની સ્થિતિ પેદા કરી હતી. વિભાજન માટે જવાબદાર હતા સાંપ્રદાયિક હિંસા ફેલાવનારા ! ગોડસે ‘અગ્રણી’ મેગેઝિન ચલાવતો હતો, તેમાં ગાંધી/ સરદાર/નેહરુ/ સુભાષ બોઝ/ આંબેડકર/ સી. રીજગોપાલાચારી વિરુધ્ધ લખતો હતો અને તેમને રાવણ માનતો હતો ! ‘અગ્રણી’ને 20,000 રુપિયાનું (તે સમયે આ રકમ બહુ મોટી કહેવાય, ત્યારે 100 રુપિયે એક તોલું સોનું મળતું હતું.) ફાઈનાન્સ કરનાર સાવરકર હતા ! ગોડસે આંબેડકરનો એટલે વિરોધ કરતો હતો કે તેઓ દલિતો અને મહિલાઓના અધિકારની વાત કરતા હતા. જેઓ સામાજિક સદ્દભાવની વાત કરતા હતા તે બઘાંને ગોડસે દુશ્મન માનતો હતો ! કટ્ટરપંથીઓ પાસે કોઈ નાયક ન હતો, એટલે તેમણે સરદાર/ ભગતસિંહ/ સુભાષ બોઝ/ આંબેડકર/ વિવેકાનંદનું ચાલાકી પૂર્વક અપહરણ કરી લીધું ! અને ગાંધીજી અને નેહરુનું ચરિત્રહનન કરવાનું શરું કર્યું. હિન્દુ મહાસભા/ RSSનું મુખ્ય કામ માત્ર ‘અપર કાસ્ટ’ના અધિકારોનું સંરક્ષણ કરવાનું છે ! માન્યતા એવી છે કે ગાંધીજીએ પાકિસ્તાનને 55 કરોડ રુપિયા આપવાનો આગ્રહ કરેલ તેથી તેમની હત્યા થઈ ! પરંતુ 25 જૂન 1934ના રોજ જ્યારે ગાંધીજી કસ્તુરબા સાથે અસ્પૃશ્યતા વિરોધી આંદોલન માટે પૂના નગરપાલિકા જઈ રહ્યા હતા ત્યારે તેમની કાર પર બોમ્બ ફેંકવામાં આવેલ. તેમાં ગોડસે અને તેની ગેંગ હતી. 1934માં વિભાજનનો સવાલ ન હતો કે 55 કરોડનો પણ સવાલ ન હતો ! સત્ય એ છે કે કટ્ટરપંથીઓ ગાંધીજીના અસ્પૃશ્યતા વિરોધી આંદોલનથી નારાજ થઈ ગયા હતા ! હિન્દુ કટરપંથીઓ માનતા હતા કે પાકિસ્તાન જુદું બની ગયું છે તો બધાં મુસ્લિમોએ પાકિસ્તાન જતા રહેવું જોઈએ ! વિભાજનની શરત એ હતી કે હિન્દુ બહુસંખ્યક ક્ષેત્ર ભારતમાં રહેશે અને મુસ્લિમ બહુસંખ્યક ક્ષેત્ર પાકિસ્તાનમાં રહેશે. વસ્તીની ફેરબદલી કરવાની શરત ન હતી કે તેની ચર્ચા-વિચારણા પણ થઈ ન હતી. પરંતુ દંગાઓ થતાં હિન્દુઓ ભારત તરફ અને મુસ્લિમો પાકિસ્તાન તરફ ભાગ્યા. દંગાઓ પાછળ હિન્દુ મહાસભા/ RSS/ મુસ્લિમ લીગનો હાથ હતો. સવાલ એ છે કે કટ્ટરપંથીઓ ગાંધીજીના વિચારો સાથે સહમત ન હોય તો તેમને હત્યા કરવાનો અધિકાર હતો? આઝાદી માટે ભગતસિંહ/રામપ્રસાદ બિસ્મિલ/ રાજેન્દ્રનાથ લાહિડી/ રોશન સિંહ / અશફાક ઉલ્લા વગેરે ફાંસીએ ચડ્યા હતા.; તેમાં કોઈ કટ્ટરપંથી હિન્દુ મહાસભા/ RSSના સભ્યો ન હતા. તેમણે તો અંગ્રેજોને મદદ કરી હતી ! આઝાદી મળતાં જ તેઓ કોમી દંગાઓ કરવામાં પ્રવૃત થઈ ગયા હતા ! દેશની હાલની સ્થિતિ જોતાં કહી શકાય કે સાંપ્રદાયિક રાજનીતિ બીજા સમુદાયને નુકશાન ઓછું કરે છે, પોતાના સમુદાયને વધુ નુકસાન કરે છે ! આઝાદીમાં જેમનો ફાળો શૂન્ય હતો તે આઝાદી બાદ બેફામ બન્યા છે ! પુસ્તકની પ્રસ્તાવનામાં લેખક કહે છે : ‘આ પુસ્તક, ઈતિહાસને ભ્રષ્ટ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે, તેવા સમયે એક બૌદ્ધિક સત્યાગ્રહ છે.’rs

Back to top button
error: Content is protected !!