ગુજરાતમાં પ્રથમવાર ફિલ્મફેર એવોર્ડ યોજાશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ફિલ્મ ફેર એવોર્ડ-2024 (the 69th Filmfare Awards of 2024) માટે કચ્છનો ધોરડો અને અમદાવાદના રિવરફ્રન્ટ સ્થળોની ચકાસણી કરાઈ હતી, પરતું કેટલીક સુરક્ષા સહિતના અન્ય કારણોસર ફિલ્મફેર એવોર્ડ ગાંધીનગર ખાતે આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આગામી વર્ષે વાઇબ્રન્ટ સમીટ બાદ જન્યુઆરી માસના અનરિમ સપ્તાહમાં મહાત્મા મંદિર ખાતે Filmfare Awards 2024 યોજાશે.
દેશમાં ફિલ્મ ડેસ્ટિનેશન સ્ટેટ તરીકે ઉભરી આવવા માટે ગુજરાત તૈયાર છે. Filmfare Awards 2024 સમારોહ માટે રાજ્ય સરકારની ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (TCGL)એ કંપની સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. ગત 19 જુલાઈએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ફિલ્મ અભિનેતા ટાઇગર શ્રોફની હાજરીમાં આ MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી સિનેમેટિક ટુરિઝમ પોલિસીના કારણે ફિલ્મ ઉદ્યોગ ગુજરાત તરફ આકર્ષાયો છે. ફિલ્મફેર એવોર્ડ્સ-2024નું સંગઠન આમાં વધુ એક માઈલસ્ટોન સાબિત થશે.એવોર્ડ સમારંભમાં પ્રખ્યાત ફિલ્મ હસ્તીઓ આવશે.
પ્રવાસન મંત્રી મુલુ બેરાની હાજરીમાં મુખ્યમંત્રી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રથમવાર ફિલ્મફેર એવોર્ડ સમારોહનું આયોજન થવા જઈ રહ્યું છે. આ ભારતીય સિનેમાના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારોમાંથી એક છે. રાજ્યમાં આવા પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહનું આયોજન થઈ રહ્યું છે ત્યારે અનેક હસ્તીઓ, ફિલ્મ નિર્માતાઓ અને ઉદ્યોગ વ્યાવસાયિકો મોટી સંખ્યામાં ગુજરાતમાં આવશે. આનાથી રાજ્યમાં પર્યટન અને હોટેલ બુકિંગ સહિતની અન્ય પ્રવૃત્તિઓને વેગ મળશે. આનાથી સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે અને રોજગારીનું સર્જન પણ થશે.