AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં સાપુતારા ખાતે નવનિર્મિત પોલીસ આવાસનું લોકાર્પણ કરતા ગૃહ રાજયમંત્રી હર્ષભાઈ સંઘવી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

વડોદરા(હરણીમાં)થયેલ બોટ દુર્ઘટના બાદ સાપુતારા ખાતે પણ ચાલતી બોટીંગ એક્ટિવિટીમાં અધિકારીઓને સમયસર ચેકીંગ કરવાનું જણાવી  બેદરકારી ચલાવી લેવામાં આવશે નહી નું જણાવી કડક સૂચનો કરતા રાજ્યનાં ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી…

પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ અને તાપી જિલ્લા સાથે રાજકીય કારકિર્દીની શરૂઆતથી જ જોડાવાની મળેલી તકના સંસ્મરણો વાગોળતા ગૃહ રાજયમંત્રી હર્ષભાઈ સંઘવીએ, ડાંગ પ્રદેશના લોકોની નિષ્ઠા અને પ્રામાણિકતાની સરાહના કરી, નવનિર્મિત આવાસ જે કર્મચારીઓને ફાળવવામાં આવે, તે આવાસને માત્ર સરકારી મકાન જ નહીં માનતા, પોતાના સપનાનું ઘર તરીકે સમજીને, સુખરૂપ ગૃહપ્રવેશ કરી ખુશીથી પોતાના પરિવાર સાથે જીવન વ્યતિત કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.આવાસમાં રહેતા પરિવારોની બહેનોની એક કમિટિ બનાવી આવાસ પરિસરની સ્વચ્છતા જાળવવા સાથે, અહીં રહેતા પોલીસ પરિવારજનોના બાળકોમાં સંસ્કાર બીજનું વાવેતર કરવાનું આહવાન પણ ગૃહમંત્રીએ આ વેળા કર્યું હતુ.મંત્રીએ જિલ્લાના તમામ પોલીસ આવાસો વચ્ચે સ્વચ્છતા બાબતે તંદુરસ્ત સ્પર્ધા યોજવાની પણ અપીલ કરી હતી.સભ્ય સમાજના નિર્માણ માટે સૌને એક સંસ્કારી નાગરિક બનવાની હાંકલ કરતા ગૃહ રાજયમંત્રીએ, ડાંગ પોલીસની સામાજિક સેવાઓને બિરદાવી, સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ ડાંગ જિલ્લા પોલીસ બખૂબી નિભાવી રહી છે તેમ જણાવ્યું હતું. પોલીસની ફરજો સાથે સામાજિક ઉત્થાન માટેના ડાંગ પોલીસના સંવેદનશીલ અભિગમની સરાહના કરતા સંઘવીએ, પીડિત પરિવારોની વ્હારે રહી ડાંગ પોલીસ સમાજને સંવેદનશીલતાનું શ્રેષ્ઠત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે તેમ ઉમેર્યું હતુ.મંત્રીએ ડાંગ પોલીસ સહિત ડાંગ જિલ્લા વહીવટી તંત્ર અને પદાધિકારીઓએ એક ટિમ બની, ખૂબ જ હકારાત્મકતા સાથે વંચિત પ્રજાજનો સુધી કલ્યાણકારી યોજનાઓની સહાય પહોંચાડવાનું ઉત્કૃષ્ટ કાર્ય કર્યું છે, તેમ જણાવ્યું હતું. ડાંગ જિલ્લામાં પ્રવાસન ક્ષેત્રના વિકાસની રહેલી તકોને પિછાણી, ડાંગના પ્રવાસન સ્થળો, વન વિસ્તારો, પ્રાકૃતિક સ્થળો, ધાર્મિક સ્થળોએ સ્વચ્છતાને પ્રાધાન્ય આપી, અહીંના પ્રાકૃતિક સ્થળોની જાળવણીની હિમાયત પણ તેમણે આ વેળા કરી હતી.સૌને સ્વચ્છતાના આગ્રહી બનવાની અપીલ કરતા ગૃહ રાજ્ય મંત્રીએ જિલ્લાના પ્રજા પ્રતિનિધિઓની જાગરૂકતાને બિરદાવી સૌને એકજુટ થઈને વિકાસ પથ પર આગળ વધવાની શુભકામનાઓ પાઠવી, ડાંગ પોલીસના વિવિધ પ્રકલ્પોના લાભાર્થીઓને વિવિધ લાભો પણ એનાયત કર્યા હતા.પોલીસકર્મીઓની સેવા અને નિષ્ઠાને બિરદાવતા તેમની કદરરૂપે સુવિધાયુક્ત આવાસો પુરા પાડવાની પહેલ ગુજરાત રાજ્ય સરકારે કરી છે. જે બદલ તેમનો આભાર વ્યક્ત કરતા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલે પોતાના ઘર કુટુંબથી દુર રહીને પ્રજાજનોની સલામતી અને સુરક્ષાને  પોલીસકર્મીઓ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે તેમ તેમના પ્રાસંગિક વક્તવ્યમાં આ વેળા જણાવ્યુ હતુ.કાર્યક્રમની શરૂઆતે જિલ્લા પોલીસ અધિક્ષક  યશપાલ જગાણીયાએ કાર્યક્રમની રૂપરેખા આપી મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેમણે ડાંગ પોલીસના પ્રોજેકટ દેવી, પ્રોજેક્ટ સંવેદના, તથા પ્રવાસી મિત્ર જેવા સંવેદનશીલ કાર્યોની ઝાંખી પણ રજૂ કરી હતી. કાર્યક્રમના અંતે નાયબ પોલીસ અધિક્ષક સુનીલ પાટીલે આભારવિધિ આટોપી હતી.ગૃહ રાજયમંત્રી હર્ષભાઈ સંઘવીને કાર્યક્રમ સ્થળે ડાંગ પોલીસ દ્વારા ‘ગાર્ડ ઓફ ઑનર’ અપાયું હતું. ત્યાર બાદ મંત્રીએ ઉપસ્થિત મહાનુભાવો સાથે નવનિર્મિત આવાસોનું લોકાર્પણ કરી, પ્રજાજોગ સંબોધન કર્યું હતું.સાપુતારા ખાતે પધારેલા મંત્રીની સાથે જિલ્લા/તાલુકાના પદાધિકારીઓ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મંગળભાઈ ગાવિત, ભાજપા પ્રમુખ કિશોરભાઈ ગાવિત,મહામંત્રીઓમાં હરિરામભાઈ સાંવત,દિનેશભાઇ ભોયે,રાજેશભાઈ ગામીત,બાંધકામ અધ્યક્ષ ચંદરભાઈ ગાવીત,સંગઠનના હોદ્દેદારો સહિત ઇન્ચાર્જ કલેકટર બી.બી.ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી આર.એમ.ડામોર, સુરત રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક વાબાંગ જામીર,ડાંગ પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયા, નાયબ વન સંરક્ષક દિનેશ રબારી, હોટલ એસોસિએશનનાં સેક્રેટરી તુકારામ કરડીલે,નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલ,સાપુતારા પી.એસ.આઈ.કે.જે.નિરંજન, વઘઇ પી.એસ.આઈ.પી.બી.ચૌધરી, એલ.સી.બી પી. એસ.આઈ.જયેશભાઇ વળવી સહીત પોલીસ આવાસ અને વિવિધ પ્રોજેકટના લાભાર્થીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

બોક્ષ-(1) ગિરિમથક સાપુતારા ખાતે ચાલતી બોટીંગ એક્ટિવિટીમાં બેજવાબદાર પણુ ચલાવી લેવામાં આવશે નહી રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી. સાપુતારા ખાતે પોલીસ આવાસોનું લોકાર્પણ કરવા આવેલ રાજ્યનાં ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ સાપુતારા ખાતે ચાલતી બોટીંગ એક્ટિવિટી તથા સાપુતારા ખાતે ઘાટમાર્ગમાં ક્રેન વસાવવા મુદ્દે સૂચક નિવેદનો આપ્યા હતા.વડોદરાનાં હરણીમાં થોડા દિવસ પૂર્વે વિદ્યાર્થીઓ ભરેલી બોટ ડૂબી જતા ગોઝારી ઘટના બની હતી.જેનાં બીજા દિવસે સફાળા જાગેલા તંત્ર દ્વારા બોટ સંચાલકો સહિત એડવેન્ચર એક્ટિવિટીના સંચાલકોને બોલાવી મિટિંગ યોજી સ્થળ પર ચેકીંગ હાથ ધર્યું હતુ. ત્યારે આ મુદ્દે જાગૃત નાગરિક દ્વારા રાજ્યનાં ગૃહમંત્રીને રજુઆત કરતા જણાવ્યુ હતુ કે વડોદરાનાં હરણીની ઘટના બાદ ડાંગ વહીવટી તંત્ર જાગ્યુ છે.જેમાં સાપુતારા બોટીંગના સંચાલકો દ્વારા બોટમાં આડેધડ પ્રવાસીઓને બેસાડતા હોવાની ફરિયાદ કરી હતી.જે સંદર્ભે ગૃહ રાજયમંત્રીએ જણાવ્યુ હતુ કે સાપુતારા ખાતે બોટીંગ એક્ટિવિટીમાં બેદરકારી ચલાવી લેવામાં આવશે નહી.તથા અધિકારીઓને નિયત સમય મુજબ આ એક્ટિવિટીઓનું ચેકીંગ હાથ ધરવા સૂચનો હાથ ધર્યા હતા.તેમજ સાપુતારા ઘાટ માર્ગમાં વારંવાર અકસ્માતોને ધ્યાનમાં રાખી ક્રેનની સુવિધા પણ પુરી પડાશેનું જણાવ્યુ હતુ.વધુમાં બેદરકારીનાં પગલે કોઈ ઘટના ઘટશે તો કોઈને છોડવામાં આવશે નહી…

[wptube id="1252022"]
Back to top button