GUJARATMONALI SUTHAR

સુખ અને શાંતિ ક્યાંથી ગોતું ???

બેંગ્લોરની અંદર કામ કરતી CEO સૂચના શેઠ કે જે AI કંપનીનું સ્ટાર્ટ અપ ધરાવે છે અને જેમને ભારતની સૌથી પ્રતિભાશાળી મહિલાઓમાં સ્થાન મળ્યું એવી એ પ્રભાવશાળી વ્યક્તિ છે. આજકાલ આ કિસ્સો સોશિયલ મીડિયાના માધ્યમોમાં ખુબ જ ચર્ચિત છે, તમે જાણતા જ હશો. આ કિસ્સો વાંચ્યા પછી આપણને એવું ચોક્કસ અનુભવાય કે શું ખરેખર પૈસો, પદ અને પ્રતિષ્ઠા માણસના જીવનને સુખ અને શાંતિ આપી શકે. પૈસાથી તમે ગમે તે વસ્તુ ખરીદી શકો, તમારા પદથી તમે કોઈ પણ વ્યક્તિને ડરાવી શકો, અને પ્રતિષ્ઠાથી સમાજની અંદર તમે તમારા વિચારોની દખલ-અંદાજી પણ કરી શકો, પણ આ પૈસા, પદ, અને પ્રતિષ્ઠાવાન માણસ અંગત જીવનમાં એ સુખ અને શાંતિની અનુભૂતિ કરી શકે !!!!

સનાતન ધર્મની અંદર આપણા ઋષિઓ જીવનની અંદર સુખ અને શાંતિ કાયમ રહે એ માટે ઘણા ગ્રંથો લખી ગયા, ઘણી પૂજા-વિધિઓ અને શ્લોકોનો વારસો આપીને ગયા અને આત્મચિંતન માટે મેડિટેશન કે પછી એકાગ્રતાના નવા નવા રસ્તાઓ પણ બતાવીને ગયા. પણ આજના જમાનાની અંદર દરેક વ્યક્તિને પોતાનું જ ધાર્યું થાય એવી એક ખરાબ આદત એક હદથી પણ વધારે તેમના જીવનમાં વણાઈ ગઈ છે. ઘરની અંદર મા-બાપ સંતાનને પ્રશ્ન કરે કે પછી સંતાનો મા-બાપ પાસે ચોખવટો કરે, ધંધા-નોકરીની અંદર બોસ ઓર્ડર કરે અને કર્મચારી કામ કરવામાં આળસ ક,રે પતિ-પત્ની પોતાના મન કે ઈચ્છા પ્રમાણે જીવન જીવવાની એકબીજાને ફરજ પાડે, આવા તો અસંખ્ય દાખલા છે. એક ઘરની અંદર રહેનારા 4 લોકો પણ સાથે જમવાની વાત તો દૂર જ રહી ગઈ પણ એકબીજાની સાથે વાતચીતનો પણ વ્યવહાર રહ્યો નથી એટલે માણસો હવે ડીજીટલી સુખ અને શાંતિ શોધવાના પ્રયત્નમાં દોડ લગાવી રહ્યા છે.

કરવાનું શું છે ?? સાવ સામાન્ય રસ્તો છે, જો દરેક માણસ એવું સ્વીકારી લે કે દુનિયાના તમામ વિષયોની અંદર એ પારંગત નથી, તો એ પછી કારણ વગર પોતાનો મુદ્દો રજુ કરી, પોતાના પદ કે પ્રતિષ્ઠાનો પાવર નહિ દેખાડે. જો પતિ અને પત્ની એવું સ્વીકારીને ચાલે કે પોતાના કે પોતાના પાર્ટનરનું ઘડતર, સંસ્કાર, મિત્રો વાંચન, શોખ, ઈચ્છાઓ અને ટેવ -કુટેવ અલગ જ હોવાની, એમને સુધારવાનો પ્રયત્ન છોડી સાચો પ્રેમ અને લાગણી તમે તમારા પાર્ટનરને આપશો તો, તમને ના ગમતી તમામ બાબતોની અંદર તમારો પાર્ટનર થશે એટલો સુધારો કરશે અને બદલશે જ. કદાચ સુખ અને શાંતિ ખુબ જ ધૈર્યથી અને વિષયને ગંભીરતાથી સમજીને આવી શકે, અને એના ઉપર વર્તન કરવામાં આવે તો તમારી શાંતિ કોઈ હણી શકતું નથી. રોજબરોજના જીવનની અંદર માત્ર એક સારી વાત, એક ઉત્તમ ઉદાહરણ, અને ઉપયોગી વાંચન થાય તો કદાચ, મોટિવેશનલ સ્ટેટ્સો હોય કે પછી સોશિયલ મીડિયાનો ઉપયોગ નહિવત થઇ જાય.

આધ્યાત્મિકતાને સુખ અને શાંતિ સાથે અદભુત રીતે જોડવામાં આવ્યા છે, પણ આજની ફાસ્ટ લાઈફની અંદર કદાચ આપણી પાસે ભગવાનની સામે એક અગરબત્તી કરવાની તો વાત છોડો, પણ હાથ જોડીને નમન કરવાનો પણ સમય નથી. કોઈ વ્યક્તિ અરીસાની સામે ઉભો રહીને પોતાના અવગુણો સ્વીકારતો નથી. ખોટા દેખાડા કરી, અલગ અલગ મોઢા બનાવીને અને ફોટા પાડી સોશિયલ મીડિયામાં પોતે કેટલા સુખી છે એનો દેખાડો કરી ને આત્મસંતોષ મેળવવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે અને પોતાની જ જાતને છેતરે છે અને પોતાની જાતને છેતરી લીધા બાદ એને શરમ પણ આવતી નથી, એ હદે એની માનસિકતા બીમાર થઇ ગઈ છે.

સાચું સુખ અને શાંતિ આપણાઓની વચ્ચે છે, માં-બાપ વચ્ચે છે, ભાઈ-બહેનની વચ્ચે છે સાસુ -સસરા વચ્ચે છે, અને આપણને ગમતાં દરેક સંબંધોની વચ્ચે છે, મનની અંદર પાપ રાખ્યા વગર જો સમર્પણ અને સમાધાનની ભાવના તમારી અંદર હોય તો સુખ અને શાંતિ આપણી અંદર જ છે.

ડેઝર્ટ – ‘ગોતી લો ગોતી લો’ ગીત આદિત્ય ગઢવીના સ્વરમાં ગવાયેલું અચૂકથી સાંભળજો અને બે પંક્તિ એમાંની
“પોતાના જ દરિયામાં, પોતાની જ ડૂબકીથી જાતનું અમુલ મોતી લો, ગોતી લો……

મોનાલી સુથાર,
જીંદગી એક નવી નજરે,
[email protected]

Back to top button
error: Content is protected !!