પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલ કુશા કેમિકલ્સ કંપની ખાતે સંયુક્ત મોકડ્રીલ યોજાઈ

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી પંચમહાલ
પંચમહાલ જિલ્લા કલેકટર અજય દહિયાના માર્ગદર્શન હેઠળ પંચમહાલના ગોધરા તાલુકામાં આવેલ કુશા કેમિકલ્સ કંપની ખાતે કેમિકલ એક્સિડન્ટ ડિઝાસ્ટર વિષય આધારિત સયુંકત મોકડ્રિલ યોજવામાં આવી હતી. આ મોકડ્રિલ મારફત જિલ્લા ડિઝાસ્ટર એકમ, એન.ડી.આર.એફ., પોલીસ, આરોગ્ય, ફાયર, ૧૦૮ તથા કુશા કેમિકલ્સ કંપનીની સુરક્ષા તથા આરોગ્ય અંગેની વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી હતી.
કુશા કેમિકલ્સમાં આવેલ ઇથેનોલ ઓક્સાઈડની સ્ટોરેજ ટેન્ક માંથી કેમિકલ રીએક્ટરમાં ટ્રાન્સફર કરતા સમયે કોઈ કારણોસર રિએક્ટરમાં વિસ્ફોટ થવાની ઘટના બની હતી. જે અંગે કંપનીના ક્વીક રિસ્પોન્સ ટીમ દ્વારા તાત્કાલિક આગ પર કાબુ મેળવવાની તથા ઘાયલ થયેલા કર્મચારીને સુરક્ષિત જગ્યાએ ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી. ત્યાર બાદ જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલરૂમ ખાતે જાણ થતા તમામ બચાવ ટુકડીઓને ઘટના સ્થળ પર મોકલવામાં આવી હતી. ગોધરા ફાયર ફાઇટર દ્વારા સ્થળ પર પહોંચી આગને કાબુમાં લેવામાં આવી હતી તથા ૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા ઘાયલ થયેલ વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે NDRF ને જાણ થતા તેઓની કેમિકલની સ્પેશિયલ ટીમ ઘટનાસ્થળે આવી હતી અને શોધ -બચાવની કામગીરી કરવામાં આવી હતી.
આ મોકડ્રીલમાં પ્રાંત અધિકારીશ્રી ગોધરા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, આસિસ્ટન્ટ કમાન્ડન્ટશ્રી, NDRF, મામલતદારશ્રી, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર, GSDMA, નાયબ નિયામક DISH, GPCBના અધિકારી, પોલીસ વિભાગ, ફાયર વિભાગ,EMRI ગ્રીન હેલ્થ ૧૦૮ સર્વિસની અધિકારીઓ, કુશા કેમિકલના અધિકારીગણ તથા અન્ય તમામ MAH કંપનીના અધિકારીશ્રીઓ હાજર હતા. મોકડ્રિલ પૂર્ણ જાહેર થયા બાદ નિરીક્ષકો દ્વારા ખામીઓ/ત્રુટિઓની ચર્ચા કરી અને ત્યારબાદ પ્રાંત અધિકારી દ્વારા જરૂરી સલાહ-સૂચનો આપવામાં આવ્યા હતા અને ત્યાર બાદ મોકડ્રીલ પૂર્ણ જાહેર કરવામાં આવી હતી.





