હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા શેરા ખાતે તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજાયું

સમીર પટેલ, ભરૂચ
જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ આયોજિત હાંસોટ તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન પ્રાથમિક શાળા શેરા ખાતે યોજવામાં આવ્યું હતું. જેમાં બાળ વૈજ્ઞાનિકોના દ્રષ્ટિકોણ કેળવાય અને ગણિત જેવા અઘરા વિષયોની કૃતિ- મોડલના માધ્યમથી સમજે તે આ પ્રદર્શનનો મુખ્ય હેતુ હતો. આ તબક્કે હાંસોટ તાલુકાની 25 જેટલી શાળાઓના વિવિધ બાળ વૈજ્ઞાનિકો તેમજ માર્ગદર્શક શિક્ષકોએ પ્રદર્શનના વિવિધ 5 વિભાગોમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે શેરા પ્રાથમિક શાળાના નિવૃત્ત માજી આચાર્ય મણિલાલ પટેલ દ્વારા રીબીન કાપી પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ , તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ- મંત્રી-ઉપપ્રમુખ, શિક્ષક સોસાયટીના ચેરમેન તેમજ બિરલા સેલ્યુલોજિક ખરચ કંપનીના પ્રતિનિધિ તરીકે નિર્મિતાબેન પરમાર અને તેમની સમગ્ર ટીમ, એસ.એમ.સી સભ્યો વિશેષ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સમગ્ર કાર્યક્રમની સફળ પુર્ણાહુતિ બદલ હાંસોટ તાલુકાના બીઆરસી કો-ઓર્ડીનેટર અશોકકુમાર જે. પટેલ દ્વારા આ પ્રસંગે ઉપસ્થિત સર્વે મહેમાનો ,શેરા પ્રાથમિક શાળા પરિવાર, બિરલા સેલ્યુલોજિક ખરચ કંપનીથી પધારેલ પ્રતિનિધિ ટીમ તેમજ સૌનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.બિરલા સેલ્યુલોજીક ખરચ કંપની દ્વારા તમામ બાળ વૈજ્ઞાનિકોને ટ્રોફી આપી પ્રોત્સાહિત કર્યા હતા.




