
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
બિહાર વિધાનસભાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં NDA અને ભારતીય જનતા પાર્ટી (ભાજપા)એ ભવ્ય વિજય મેળવતા, તેની ઉજવણીના ભાગરૂપે આહવાનગર અને વઘઈ મેઈન બજાર ખાતે એક ભવ્ય વિજય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ ઉત્સવની આગેવાની ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલે લીધી હતી, જેમની સાથે ડાંગ જિલ્લા ભાજપા પાર્ટી પ્રમુખ કિશોરભાઈ ગાવીત,ભાજપા પ્રદેશ આદિજાતિ મોરચા મંત્રી સુભાષભાઈ ગાઈન સહિત મોટી સંખ્યામાં ભાજપના ઉત્સાહી કાર્યકર્તાઓ જોડાયા હતા.બિહારની જનતાએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને NDAના વિકાસના એજન્ડા પર વિશ્વાસ વ્યક્ત કર્યો, જેના પરિણામે વિજયની ખુશી આહવા અને વઘઈના બજારમાં સ્પષ્ટપણે જોવા મળી હતી.ભાજપાનાં કાર્યકર્તાઓએ ઢોલ-નગારાના તાલે જોરદાર આતશબાજી કરીને અને ફટાકડા ફોડીને વિજયની ઘોષણા કરી હતી.અને સમગ્ર બજાર વિસ્તાર ‘જય શ્રી રામ’ તથા ‘ભારત માતા કી જય’ના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યો હતો.આ પ્રસંગે, કાર્યકર્તાઓએ એકબીજાને મોં મીઠું કરાવીને શુભેચ્છાઓ પાઠવી હતી અને આ વિજયને રાષ્ટ્રવાદી વિચારધારાનો વિજય ગણાવ્યો હતો.આ વિજય ઉત્સવમાં યુવા કાર્યકર્તાઓથી લઈને વરિષ્ઠ નેતાઓ સુધીના સૌ કોઈએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ઉજવણીએ પક્ષની એકતા અને કાર્યકર્તાઓના મનોબળમાં વધારો કર્યો હતો.આહવા અને વઘઈના મેઈન બજારમાં થયેલી આ શાનદાર ઉજવણીએ દર્શાવ્યું કે ભલે ચૂંટણી બિહારમાં હોય, પણ ભાજપનો વિજય ઉત્સાહ દેશના દરેક ખૂણે ફેલાયેલો છે..





