વિવિધ આરોગ્ય યોજનાઓ વિશે લોકોમાં જાગૃતિ વધારવા અને દરેક ગામોમાં જટીલ આરોગ્ય સંભાળ સેવાઓને સંતૃપ્ત કરવા માટે આજ રોજ ભારત દેશના માન.રાષ્ટ્રપતિ દ્વારા વર્ચુઅલ રીતે આયુષ્માન ભવ: કાર્યક્રમ લોન્ચ કરવામાં આવતા સરકારી હોસ્પિટલ રાજુલા ખાતે આરોગ્ય સ્ટાફ અને લોકો દ્વારા આ કાર્યક્રમને નિહાળી શુભ શરૂઆત કરવામા આવી.જેમા યુનિવર્સલ હેલ્થ કવરેજના લક્ષ્યને સિધ્ધ કરવા કામગીરી કરાશે.
આયુષ્માન ભવ: કાર્યક્રમ હેઠળ ૧૭ મી સપ્ટેમ્બર થી આયુષ્માન આપકે દ્વાર દ્વારા આયુષ્યમાન કાર્ડની કામગીરી,દર અઠવાડીયે આરોગ્ય કેન્દ્રો ખાતે આયુષ્માન મેળાનું આયોજન કરી બિન ચેપી અને ટીબીના રોગનું સ્ક્રીનીંગ, માતા અને બાળ આરોગ્ય સેવાઓ,પોષણ અને રસીકરણ સહિતની કામગીરી હાથ ધરાશે તેમજ બીજી ઓક્ટોબરના રોજ આયુષ્માન સભાના આયોજન દ્વારા લોકોમાં આરોગ્યની વિવિધ યોજનાઓ વિશે જાગૃતિ વધારાશે તેમજ આયુષ્યમાન કાર્ડની ઉપયોગીતા અને વિતરણ તેમજ આભા કાર્ડ બનાવવા વિગેરે વિશે માહિતી અપાશે.
આ અભિયાન દરમિયાન રક્તદાન શિબિર તેમજ સ્વૈચ્છિક અંગદાન અંગેની જાણકારી અને પ્રતિજ્ઞા સહિતની વિવિધ કામગીરી તાલુકા હેલ્થ કચેરી રાજુલા તળેના આરોગ્ય કેન્દ્રોના સ્ટાફ દ્વારા કરવામાં આવશે તેમજ આ અભિયાનના તમામ ઘટકોનું સફળ અમલીકરણ કરનાર ગામને આયુષ્માન ગ્રામ પંચાયતનો દરરજો એનાયત કરવામાં આવનાર હોવાનું તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરીયા દ્વારા જણાવેલ.
આ કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ હરસુરભાઈ લાખણોત્રા,કાનાભાઈ ગોહિલ,પ્રતાપભાઈ બેપારીયા,અધિક્ષકશ્રી ડૉ.એચ.એમ.જેઠવા,તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરીયા,આરોગ્ય અને આંગણવાડી સ્ટાફ તેમજ રાજુલા શહેરના લોકો હાજર રહેતા કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવેલ જે યાદીમાં જણાવેલ છે.