ANANDANAND CITY / TALUKO

આણંદમાં ગણેશોત્સવ માટે 9 ફૂટથી વધુ ઊંચી અને POP કે કેમિકલયુક્ત રંગોની મૂર્તિઓ પર પ્રતિબંધ

આણંદમાં ગણેશોત્સવ માટે 9 ફૂટથી વધુ ઊંચી અને POP કે કેમિકલયુક્ત રંગોની મૂર્તિઓ પર પ્રતિબંધ

 

તાહિર મેમણ – આણંદ – 29/072/2025 – આણંદ જિલ્લામાં આગામી ગણેશ મહોત્સવને લઈને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ઋતુરાજ દેસાઈએ મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા અનુસાર, જિલ્લામાં 9 ફૂટથી વધુ ઊંચાઈની ગણેશ મૂર્તિઓ બનાવવા કે વેચવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

 

જાહેરનામામાં પ્લાસ્ટર ઓફ પેરિસ (POP) અને કેમિકલયુક્ત રંગોથી બનેલી મૂર્તિઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણય પર્યાવરણના રક્ષણ માટે લેવામાં આવ્યો છે. કારણ કે આવી મૂર્તિઓનું પાણીમાં વિસર્જન કરવાથી જળચર જીવો નાશ પામે છે અને કેમિકલયુક્ત પાણી પર્યાવરણને નુકશાન પહોંચાડે છે.

 

આ જાહેરનામું 5 સપ્ટેમ્બર, 2025 સુધી અમલમાં રહેશે. મૂર્તિઓ બનાવવા માટે કુદરતી વસ્તુઓ અને પરંપરાગત ચીકણી માટીનો ઉપયોગ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. મૂર્તિઓ પાણીમાં સહેલાઈથી ઓગળી શકે તેવા બિન-ઝેરી કુદરતી રંગોનો જ ઉપયોગ કરવાનો રહેશે.

 

મૂર્તિઓની બનાવટમાં ઘાસ, લાકડા અને બાંબુનો ઉપયોગ કરી શકાશે. મૂર્તિકારોએ મૂર્તિઓ બનાવતી વખતે આસપાસ ગંદકી ન કરવાની સૂચના પણ આપવામાં આવી છે. વેચાણ બાદ વધેલી ખંડિત મૂર્તિઓને બિનવારસી હાલતમાં છોડવા પર પણ પ્રતિબંધ છે.

 

અન્ય ધર્મના લોકોની લાગણી દુભાય તેવા ચિહ્નો કે નિશાનીઓવાળી મૂર્તિઓ બનાવવા, ખરીદવા કે વેચવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આણંદ જિલ્લા બહારથી આવી મૂર્તિઓ લાવીને વેચનારા મૂર્તિકારો અને વેપારીઓને પણ આ નિયમો લાગુ પડશે. આ જાહેરનામાનો ભંગ કરનારને કાયદાની જોગવાઈ અનુસાર સજા કરવામાં આવશે

Back to top button
error: Content is protected !!