ARAVALLIBAYADMODASA

બાયડ – અમીયાપુર ગામે વીજ કનેક્શનની અદાવતમાં વૃદ્ધ ને માથાના ભાગે હથોડીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યો – પડોશીએ જ કરી નાખી હત્યા, આરોપી ઝડપાયો 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

બાયડ – અમીયાપુર ગામે વીજ કનેક્શનની અદાવતમાં વૃદ્ધ ને માથાના ભાગે હથોડીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યો – પડોશીએ જ કરી નાખી હત્યા, આરોપી ઝડપાયો

અમીયાપુરમાં વૃદ્ધની હત્યા મામલે પાડોશી સામે ફરિયાદ નોંધાઈ

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના અમીયાપુર ગામમાં 66 વર્ષીય વૃદ્ધની હત્યાના બનાવે ચકચાર મચી છે. મૃતક મહેન્દ્રપ્રસાદ અંબાલાલ વ્યાસની તેમના જ ગામમાં વહેલી સવારે માથાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે મૃતકના પુત્ર જગદીશકુમાર મહેન્દ્રપ્રસાદ વ્યાસે બાયડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, મૃતક મહેન્દ્રપ્રસાદ વ્યાસ પરિવાર સાથે અમીયાપુર ગામની સીકોતર ફળીમાં રહેતા હતા. છેલ્લા પંદર દિવસથી તેઓ નવું મકાન બનતું હોવાથી પટેલ ફળીમાં ભાડાના મકાનમાં રહેવા ગયા હતા. આ મકાનના વીજ મીટરમાંથી બાજુમાં રહેતા નગીનભાઈ બાલાભાઈ વાળંદે વાયર જોડીને વીજ કનેક્શન લીધું હતું.ગત તા. 12 મેના રોજ રાત્રે લાઈટ ચાલુ રાખવાના મુદ્દે મહેન્દ્રપ્રસાદ વ્યાસ અને નગીનભાઈ વચ્ચે બોલાચાલી અને તકરાર થઈ હતી. તે દરમિયાન મહેન્દ્રપ્રસાદે વીજ કનેક્શન કાપી નાખતા નગીનભાઈએ “હવે તને ચમત્કાર બતાવવો પડશે” તેવી ધમકી આપી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે વહેલી સવારે મહેન્દ્રપ્રસાદ વ્યાસ રોજની જેમ ગામમાં દૂધ મંડળી પાસે આવેલી દુકાને જવા નીકળ્યા હતા. તે સમયે ફરિયાદી જગદીશકુમારે નગીનભાઈને પણ તેમના પિતાની પાછળ જતા જોયા હતા. બાદમાં સવારે આશરે સાડા પાંચ વાગ્યે પરિવારજનોને જાણ થઈ કે મહેન્દ્રપ્રસાદ વ્યાસ ગામમાં વિષ્ણુભાઈ પટેલના ઘર નજીક રોડ પર લોહીલુહાણ હાલતમાં પડ્યા છે.પરિવારજનો સ્થળ પર પહોંચતા મહેન્દ્રપ્રસાદ વ્યાસના માથાના ભાગે તિક્ષ્ણ હથિયાર વડે ચારથી પાંચ ઘા મારવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. 108 એમ્બ્યુલન્સના ડોક્ટરે તપાસ કરતાં તેમને મૃત જાહેર કર્યા હતા.ફરિયાદ મુજબ, બનાવ બાદ આરોપી નગીનભાઈ વાળંદ પોતાના ઘરે હાજર ન હોવાનું જાણવા મળ્યું હતું. ગામના એક સાક્ષીએ પણ વહેલી સવારે નગીનભાઈ અને તેમના દીકરાને ગામના નાળિયા પાસે જતા જોયા હોવાનું જણાવ્યું છે પોલીસે ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં આરોપીને પોલીસ ધ્વારા અટક કરવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જીતપુર સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!