બનાસકાંઠા જિલ્લામાં નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી દ્વારા અનુસૂચિત જાતિના ૧૮૫ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની કોંચિંગ સહાય પેટે રૂ. ૩૭ લાખની સહાય અપાઇ
********
રાજ્યના કોઈપણ કોચિંગ સેન્ટરમાં યુ.પી.એસ.સી (U.P.S.C ) , જી.પી.એસ.સી (G.P.S.C. વર્ગ-1,2,3, ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ તથા ભારત સરકારના રેલ્વે, બેંકો, જી (JEE ) , ગુજકેટ (GUJCET ) , નીટ (NEET )નું કોંચિંગ આપવામાં આવે છે
(માહિતી બ્યુરો, પાલનપુર)
કોઇપણ સમાજના વિદ્યાર્થીઓ- યુવાઓ નબળી આર્થિક પરિસ્થિતિ અને ગરીબીને કારણે ઉચ્ચ શિક્ષણ અને નોકરીની તકોથી વંચિત ન રહી જાય એ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. સામાજિક અને આર્થિક રીતે વંચિત એવા અનુસૂચિત જાતિના વિદ્યાર્થી ભાઈ-બહેનો પણ પોતાની ઉચ્ચતમ અભ્યાસલક્ષી કારકીર્દી ઘડી શકે અને પોતાના સપનાં સાકાર કરી શકે એ માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. જેના થકી રાજ્યમાં અનુસૂચિત જાતિના લાખો વિદ્યાર્થીઓ ભાવિ ઘડતરની દિશામાં કદમ માંડી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી પાલનપુર દ્વારા વર્ષ- 2021-22 માટે અનુસૂચિત જાતિના ૧૮૫ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની કોંચિંગ સહાય પેટે રૂ. ૩૭ લાખની સહાય આપી અસંખ્ય યુવાઓને તેમના સપના પૂર્ણ કરવાની રાહ ચીંધી છે.
ગુજરાત રાજ્યમાં વસતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગર દ્વારા Coaching Treaning Scheme For Compititive Exams for SC યોજના અંતર્ગત યુ.પી.એસ.સી (U.P.S.C), જી.પી.એસ.સી (G.P.S.C.) વર્ગ-૧, વર્ગ-૨ અને વર્ગ-૩, ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ તથા ભારત સરકારના રેલ્વે, બેંકો, જી (JEE) , ગુજકેટ (GUJCET ), નીટ (NEET ) વગેરે પરીક્ષાઓની તૈયારી માટે રાજ્યના કોઈપણ કોચિંગ સેન્ટરમાં કોચિંગ ક્લાસીસ કરે તો તેને રૂ. ૨૦,૦૦૦/- સહાય આપવામા આવે છે. રૂ. ૬ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ આ યોજના હેઠળ લાભ મેળવી શકે છે. રાજ્યના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ કે જેઓ ખુબ જ ગરીબ છે અને આર્થિક રીતે પછાત છે. તેવા વિદ્યાર્થીઓને આ યોજનાથી ખુબ જ લાભ થયો છે અને ઘણાં યુવાનો સરકારી સેવાઓમાં પસંદગી પણ પામ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી પાલનપુર દ્વારા આ યોજનાનું અમલીકરણ સુપેરે કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત વર્ષ- 2021- 2022 માટે જી.પી.એસ.સી (G.P.S.C. ) ની તૈયાર કરતા ૧૭૭ વિદ્યાર્થી ભાઈ-બહેનોને કોચિંગ સુવિધા પુરી પાડી પ્રત્યેક યુવાનને રૂ.૨૦,૦૦૦/- લેખે રૂ.૩૫,૪૦,૦૦૦/- ની સહાય અને જી (JEE ), નીટ (NEET) પરીક્ષાની તૈયારી કરતા ૮ વિદ્યાર્થી ભાઈ બહેનોને રૂ. ૨૦,૦૦૦/- લેખે રૂ. ૧,૬૦,૦૦૦/- મળી કુલ ૩૭,૦૦,૦૦૦/- ની સહાય ચૂકવી વિદ્યાર્થીઓને તેમની કારકિર્દી ઘડતરની દિશા નક્કી કરવામાં આ યોજના આશીર્વાદરૂપ બની છે. આ યોજના થકી આજે અનુસૂચિત જાતિના કેટલાંય વિદ્યાર્થી ભાઈ-બહેનો કે જેઓ પોતાની નબળી આર્થિક પરિસ્થિતિને લીધે અભ્યાસ અધુરો છોડી દેતા હતા કે હતાશ થઈ અન્ય જોબ સ્વીકારી લેતા હતા એનું પ્રમાણ ઘટ્યું છે. તેમજ આ યોજનાથી તેમની મનપસંદ કારકિર્દી અને મનપસંદ ક્ષેત્રમાં અભ્યાસ કરવાનો માર્ગ મોકળો બન્યો છે.
બનાસકાંઠા નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી પાલનપુર દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે કોચિંગ ક્લાસ કરવા માટેની આ સહાય મેળવનાર પાલનપુરના વિદ્યાર્થી નિલેશભાઈ નારણભાઈ રાંગીએ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, મારી આર્થિક પરિસ્થિતિ એટલી સારી નથી કે હું ખાનગી કોંચિંગ ક્લાસિસની મોંઘી ફી ભરી શકું. એટલે મારા માટે તો સરકારની આ યોજના એક આશાવાદ લઈ આવી કે, હું પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરી શકીશ અને મારા સપનાં સાકાર કરી શકીશ. મેં પાલનપુરમાં જ આવું કોંચિંગ મેળવી અત્યારે જુદી જુદી પરીક્ષાઓ આપી રહ્યો છું. કોંચિંગમાં જનરલ અભ્યાસ આવરી લેવામાં આવે છે. જેમાં ગણિત, ગુજરાતી- અંગ્રેજી વ્યાકરણ, રિઝનિંગ, ઇતિહાસ, ભૂગોળ, કરંટ અફેર્સ સહિતના તમામ વિષયોની તૈયારી કરાવવામાં આવે છે. જેથી કોઈપણ પરીક્ષામાં આ અભ્યાસ કામ આવે છે.
મને વિશ્વાસ છે કે મને સારી નોકરી મળશે. ખરેખર તો આ કોંચિંગ સહાય યોજના સરકાર દ્વારા વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડતરનો સેતુ છે. હું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને સમાજ કલ્યાણ ખાતાનો ખૂબ ખૂબ આભાર માનું છું.