૧૨ વર્ષના જનકલ્યાણથી હરિયાળી ક્રાંતિ: વાવ-થરાદ જિલ્લાની વિકાસગાથા

9 જૂન જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી સરહદના ખેડૂતો બન્યા સક્ષમ:નર્મદા કેનાલ નેટવર્કથી વાવ-થરાદમાં આવ્યું છે આર્થિક પરિવર્તન નર્મદાના નીરે બદલ્યું સરહદી વાવ-થરાદનું ભાગ્ય: ૧.૨૯ લાખ હેક્ટર વિસ્તાર બન્યો હરિયાળો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં જનકલ્યાણને કેન્દ્રસ્થાને રાખી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત વાવ – થરાદ જિલ્લામાં આગામી ૨૧ જૂન, ૨૦૨૬ સુધી લોકભાગીદારી અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે વિવિધ જનકલ્યાણકારી કાર્યક્રમોની હારમાળા યોજાશે. આ કાર્યક્રમો દ્વારા વિકાસ અને સુશાસનની ગાથા લોકો સુધી પહોંચાડવાની સાથે વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સ્થળ પર લાભ અંગે જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
વાવ-થરાદ જિલ્લો ભૌગોલિક રીતે વિશિષ્ટ અને સરહદી વિસ્તાર ધરાવતો પ્રદેશ છે, જે વર્ષો સુધી ઓછા વરસાદ, રણની નિકટતા અને સતત ઘટતા ભૂગર્ભ જળસ્તરને કારણે પાણીની ગંભીર સમસ્યાથી પીડાતો હતો. અહીંના લોકો મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર નિર્ભર હોવાથી પાણીની અછત પ્રગતિના માર્ગમાં મોટો અવરોધ હતી અને ખેડૂતોને ૧૦૦૦ ફૂટ સુધી ઊંડા બોરવેલ ખોદવા પડતા હતા.આ ગંભીર પરિસ્થિતિને કાયમી ધોરણે હલ કરવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ નર્મદાના નીરને આ સુકા વિસ્તાર સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય હાથ ધર્યું. રાજ્ય સરકારના માર્ગદર્શન અને વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીની અથાક મહેનતથી થરાદ નહેર વર્તુળ હેઠળ વેજપુર, માડકા, માલસણ, ઢીમા અને ગડસીસર જેવી પાંચ મુખ્ય શાખા નહેરોનું નેટવર્ક ઊભું કરાયું. વર્ષ ૨૦૧૮-૧૯ સુધીમાં પ્રશાખા (માઇનોર) લેવલ સુધીની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરીને સમગ્ર વિસ્તારમાં ૧૩૦૮ કિલોમીટર લાંબું નર્મદા કેનાલનું નેટવર્ક સ્થાપિત કરવામાં આવ્યું છે.નર્મદા આધારિત આ સુદૃઢ નહેર વ્યવસ્થાના કારણે વાવ, થરાદ, સુઈગામ, ભાભર અને દિયોદર તાલુકાઓમાં કુલ ૧,૨૯,૮૩૦ હેક્ટર પિયત વિસ્તાર વિકસિત થયો છે. એક સમયે ૧૦૦૦ ફૂટે મળતું પાણી આજે કેનાલ નેટવર્કના કારણે માત્ર ૩૦ થી ૪૦ ફૂટે ઉપલબ્ધ બન્યું છે, જેનાથી સુકા પ્રદેશમાં હરિયાળી ફેલાઈ છે. ખેડૂતો હવે ઘઉં, જીરું, કપાસ, રાયડો, બાજરી અને ડુંગળી જેવા વિવિધ પાકોનું મબલખ ઉત્પાદન મેળવી રહ્યા છે અને ખેતી ખર્ચ ઘટતાં તેમની આર્થિક આવકમાં નોંધપાત્ર વધારો થયો છે.પાણીની સુવિધાથી પશુપાલન ક્ષેત્રે પણ મોટો સકારાત્મક બદલાવ આવ્યો છે, ચારો અને પાણી સરળતાથી મળતાં દૂધ ઉત્પાદન વધ્યું છે. આ સમૃદ્ધિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે, એક સમયે સાયકલ પર દૂધ ભરાવવા જતા ગ્રામજનો આજે ગાડીઓ લઈને મંડળીએ જાય છે. પીવાના પાણીની સમસ્યા હલ થતાં મહિલાઓની હાડમારી દૂર થઈ છે, સ્વચ્છતા વધી છે અને વતનમાં જ રોજગારી મળતાં સ્થળાંતર અટક્યું છે, જે દર્શાવે છે કે નર્મદાના નીર આ વિસ્તાર માટે આત્મનિર્ભરતા અને સર્વાંગી વિકાસનું પ્રતીક બન્યા છે. આજે વાવ – થરાદના લોકો દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરે છે.




