નારણ ગોહિલ લાખણી
શ્રદ્ધાળુઓમાં રોષ : રોડને ફોર લાઈન બનાવવાની ઉગ્ર માંગ
ગુજરાત રાજ્ય રોડ, રસ્તા,પાણી અને આરોગ્યની સેવાઓને લઈને દેશમાં મોડેલ રાજ્ય છે ત્યારે આ રાજ્યમાં રોડ ઉપર પડેલા ખાડા સરકારની ઇમેજ ઉપર ડાઘ લગાડે છે પણ જવાબદાર તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી પ્રજાએ ન છૂટકે રજુઆત કરવી પડે છે. બનાસકાંઠા જિલ્લાના લાખણીથી ગેળા ધામના રોડ ઉપર ખાડાનું સામ્રાજ્ય છવાયું છે અહીં રોડ ઉપર ઠેર ઠેર ખાડાઓ પડેલા છે વળી આ રોડ ઉપર ટ્રાફીકનો પ્રશ્ન પણ માથાના દુખાવા સમાન છે. ગેળા ગામમાં પ્રાચીન હનુમાન મંદિર આવેલ છે જ્યાં દર શનિવારે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરવા માટે આવે છે આવનાર તમામ લોકો રોડના ખાડાઓથી ત્રસ્ત છે વાહન ચાલકો પણ પરેશાન છે પણ રજુઆત કરવી કોને ? કારણ કે જેને કહીએ એ કહે છે કે આ તો રોડ સારો છે હવે ખબર નથી પડતી કે એમને આંખે ચશ્માં છે કે પછી એમને આટલા મોટા ખાડા દેખાતા નથી ? આ રોડ ઉપર મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે ત્યારે આ રોડ ફોર લાઈન બનાવવા માટેની પણ લોકોની માંગ છે અને જ્યાં સુધી રોડ ફોરલાઈન ન બને ત્યાં સુધી તાત્કાલિક અસરથી રોડ ઉપર ખાડાઓ પુરવામાં આવે અને રોડને સમતળ કરવામાં આવે તેમજ રોડ ઉપરના ટ્રાફિકના જે પ્રશ્નો છે એમાં કોઈપણ પ્રકારની વહાલાદવલાની નીતિ રાખ્યા વગર શનિવારે હનુમાન મંદિરે દર્શન કરવા માટે આવતા ભાવિક ભક્તોને તકલીફ ન પડે એ દિશામાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી માંગ ઉઠી છે.
બોક્સ
ખાડા પુરાણની માંગ…
આ બાબતે ભલજીભાઈ રાજપૂત(ગેળા) એ જણાવ્યું કે,અમારા ગામમાં સુપ્રસિદ્ધ હનુમાન મંદિર આવેલ છે જ્યાં દર શનિવારે મેળો ભરાય છે અને મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે આ રોડ ઉપર પુલની આજુબાજુ મોટા ખાડાઓ પડેલા છે જેના કારણે અકસ્માતની દહેશત વચ્ચે ભારે તકલીફ પડે છે.જો આ રોડ ફોર લાઈન કરવામાં આવે તો પ્રશ્ન હલ થઈ જાય અને ખાડાઓનું કામકાજ તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવે એવી અમારી માંગ છે.