(માહિતી બ્યુરો, પાલનપુર)
પાલનપુર પોલીટેકનીક કોલેજ ખાતે નાબાર્ડ પુરસ્કૃત એસડીએયુ રૂરલ બિઝનેસ ઇન્કયૂબેશન સેન્ટર (SDAU RBIC), બનાસકાંઠા કલેક્ટર કચેરી તથા આઇ-હબ ગુજરાતના સયુંકત ઉપક્રમે પ્રથમ આઇ-ટોક સેન્સિટાઇઝેશન વર્કશૉપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાબાર્ડના સીઇઓ શ્રી યશ પઢિયારે વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ શરૂ કરવાનું આહવના કરતાં જણાવ્યું કે, વિદ્યાર્થીઓ પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરી ઉદ્યોગ સાહસિક તરીકે આગળ વધે. તેમણે વિદ્યાર્થીઓને પ્રેરણા અને માર્ગદર્શન આપી ૪ થી વધુ સ્ટાર્ટ અપ્સ અલગ- અલગ વ્યવસાયમાં શરૂ કરનાર યુવાનોની સાફલ્યગાથા વિષય પર વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. તથા વધુમાં સરકારશ્રી દ્વારા ચાલતી વિવિધ સ્ટાર્ટઅપ યોજના અને આઇ-હબ, ગુજરાત દ્વારા સૃજન ગ્રાન્ટ વિશે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી.
આ વર્કશોપમાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના રૂરલ બિઝનેસ ઇન્કયૂબેશન સેન્ટરના સિનિયર મેનેજરશ્રી જતિન પટેલે વિદ્યાર્થીઓને સ્ટાર્ટ અપ અંગે ઉપયોગી માહિતી અને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. આ વર્કશોપમાં પાલનપુર પોલીટેકનીક કોલેજના આચાર્યશ્રી એસ. ડી. ડાભી અને પ્રોફેસરશ્રીઓ તથા ૨૫૦ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.