વાગરા: બોઇલર બ્લાસ્ટથી ધણધણી ઉઠ્યું સાયખા GIDC, વિશાલ ફાર્મા કંપનીમાં મોટી દુર્ઘટના, 1નું મૃત્યુ, 24 ઇજાગ્રસ્ત


સમીર પટેલ, ભરૂચ
ઔદ્યોગિક વિસ્તાર સાયખા GIDCમાં આવેલી વિશાલ ફાર્મા કંપનીમાં મોડી રાત્રે એક ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ છે. રાત્રિના લગભગ 2.30 વાગ્યાની આસપાસ કંપનીનું બોઇલર ફાટતાં એક પ્રચંડ ધડાકો થયો હતો, જેના પગલે આસપાસનો આખો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો. આ ભયાનક બ્લાસ્ટના કારણે કંપનીમાં કામ કરી રહેલા અનેક કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે. સત્તાવાર માહિતી મુજબ, અત્યાર સુધીમાં આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, જ્યારે 24 જેટલા લોકોને ઇજા પહોંચી છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બોઇલર બ્લાસ્ટની તીવ્રતા એટલી વધારે હતી કે તેની અસર વિશાલ ફાર્મા કંપની પૂરતી સીમિત ન રહેતા, આસપાસની 4 થી 5 જેટલી અન્ય કંપનીઓના સ્ટ્રક્ચર્સને પણ વ્યાપક નુકશાન થયું છે. ઘટનાની જાણ થતા જ વહીવટી તંત્ર સફાળું જાગ્યું હતું. ચારથી પાંચ જેટલા ફાયર ટેન્ડરો સાથે ફાયર વિભાગની ટીમો અને વહીવટી અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. હાલમાં પણ ઘટના સ્થળે બચાવ અને રાહતની કામગીરી ચાલી રહી છે, અને કાટમાળ હટાવવાની કામગીરી સાથે મૃત્યુઆંક વધવાની શક્યતા જોતાં સર્ચ ઓપરેશન ચાલુ છે.



