જમણા કાંઠા–ડાબા કાંઠાની મુખ્ય નહેરો, શાખા નહેરો અને માઈનોર નહેરોનું અંદાજે રૂ. ૨૨૫ કરોડના ખર્ચે સુધારણા–આધુનિકરણ કરવાનો મહત્વનો નિર્ણય: જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા
………………..
આ નહેરથી છોટાઉદેપુર જિલ્લાના ૯૨ ગામોની ૧૭,૦૯૪ હેક્ટર તેમજ પંચમહાલ જિલ્લાના ૩૯ ગામોના ૨૦,૭૦૧ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ
—————–
વર્ષ ૧૯૮૫–૮૬માં તૈયાર કરાયેલ આ નહેરના આધુનિકરણથી સિંચાઈ વિસ્તારમાં સુવિધા વધુ સુચારૂ બનશે
છોટાઉદેપુર,તા.૧૨
સુખી જળાશય યોજના આધારિત જમણા કાંઠા અને ડાબા કાંઠાની મુખ્ય નહેરો, શાખા નહેરો અને માઈનોર નહેરોનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અંદાજે રૂ. ૨૨૫ કરોડના ખર્ચે સુધારણા તેમજ આધુનિકરણ કરવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના પરિણામે છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લામાં સિંચાઈની સુવિધાઓ વધુ સુચારૂ બનશે તેમ, જળ સંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા જણાવાયું હતું.
જળ સંપત્તિ મંત્રીશ્રીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, સુખી જળાશય યોજનાની જમણા તથા ડાબા કાંઠા મુખ્ય નહેર સહિતની ૬૬૩ કિ.મી.ની વિસ્તરણ પ્રણાલીથી છોટાઉદેપુર જિલ્લાના ૯૨ ગામોના ૧૪,૭૯૬ સિંચાઇકારોના ૧૭,૦૯૪ હેકટર પિયત વિસ્તારને તેમજ પંચમહાલ જિલ્લાના ૩૯ ગામોના ૩૬૯૯ સિંચાઇકારોના ૩૬૦૭ હેકટર વિસ્તાર એમ સમગ્રતયા ૧૩૧ ગામોના કુલ ૧૮,૪૯૫ સિંચાઈકારોના કુલ ૨૦,૭૦૧ હેક્ટર વિસ્તારને સિંચાઇ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. નહેરના નવીનીકરણથી આ વિસ્તારમાં વધુ સારી રીતે સિંચાઈનું પાણી આપી શકાશે.
જળ સંપત્તિ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે કહ્યું હતું કે, સુખી જળાશય યોજના છોટાઉદેપુર જિલ્લાના પાવી–જેતપુર તાલુકામાં સાંગધ્રા તેમજ ખોસ ગામની નજીક સુખી અને ભારજ નદીના સંગમ ઉપર ખાસ કરીને આદિવાસી વિસ્તારને સિંચાઇનો લાભ આપવા તૈયાર કરવામાં આવી છે. સુખી ડેમ, જમણા કાંઠા મુખ્ય નહેર, ડાબા કાંઠા મુખ્ય નહેર સહિતના વિતરણ માળખાનું બાંધકામ વર્ષ ૧૯૭૮માં શરૂ કરીને વર્ષ ૧૯૮૫–૮૬ દરમિયાન પૂર્ણ કરવામાં આવ્યું હતું.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, સુખી જળાશયની નહેરો અને તેના સ્ટ્રકચરોનું બાંધકામ ઘણા વર્ષ અગાઉ થયું હોવાથી તેમજ સ્ટ્રકચરોનું બાંધકામ રબલ મેશનરી અને બ્રીક મેશનરીમાં થયું હોઈ હાલની સ્થિતિએ જર્જરીત થઇ ગયું છે. જેથી સંપૂર્ણ નહેર નેટવર્કમાં સરળતાથી અને પૂર્ણ ક્ષમતાએ પાણીનું વહન થાય તે માટે નહેરો અને સ્ટ્રકચરોના મજબુતીકરણ–આધુનિકરણની કામગીરી અતિ–આવશ્યક હોવાથી સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં આ મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે.
સુખી જળાશય યોજના અંતર્ગત છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લાના આવરી લેવાયેલા સિંચાઈ વિસ્તારની વિગતો
(અ) | છોટાઉદેપુર જિલ્લો | સી.સી.એ. (હે) | ગામોની સંખ્યા |
છોટાઉદેપુર | ૨૩૩૪ | ૮ | |
બોડેલી | ૯૬૪૭ | ૫૮ | |
પાવીજેતપુર | ૫૧૧૩ | ૨૬ | |
કુલ…… | ૧૭૦૯૪ | ૯૨ | |
(બ) |
પંચમહાલ જિલ્લો | સી.સી.એ. (હે) | ગામોની સંખ્યા |
જાંબુઘોડા | ૨૯૨૯ | ૩૪ | |
હાલોલ | ૬૭૮ | ૫ | |
કુલ…… | ૩૬૦૭ | ૩૯ | |
કુલ…(અ)+(બ) | ૨૦૭૦૧ હે. | ૧૩૧ |