
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં બિલમાળ ગામ ખાતે પૈસા એક્ટની ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.ત્યારે લાગતા વળગતા તમામ શાખાના અધિકારીઓને એજન્ડા પણ મોકલવામાં આવ્યા હતા. તેમ છતાં અધિકારીઓ ખાસ ગ્રામ સભામાં હાજર રહ્યા ન હતા. જેના કારણે દરેક શાખાનાં અધિકારીઓ ઘોર નિંદ્રામાં હોય એવુ સ્થાનિકોને લાગી રહ્યુ છે.
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાના બીલમાળ ગામના ગ્રામજનો દ્વારા પૈસા કાયદા ૧૯૯૬ અને પૈસા ગુજરાત નિયમો -૨૦૧૭ ના નિયમ ૪૭ હેઠળ તેમજ ગામના વિકાસના કામોને લઈને તા.૩૦/૦૮/૨૦૨૪ ના રોજ ગામના હનુમાનજી મંદિર ખાતે ગ્રામસભા નું આયોજન કરવામાં આવ્યુ હતુ. ત્યારે ગામના રસ્તાઓ તથા અન્ય પ્રશ્નોને લઈને એજન્ડા તૈયાર કરવામાં આવ્યા હતા.આ એજન્ડા ગ્રામજનો દ્વારા તમામ લાગતા વળગતા અધિકારીઓ તથા હોદ્દેદારોને મોકલવામાં આવ્યા હતા.આ એજન્ડા પોસ્ટ મારફતે મોકલવામાં આવ્યા હતા તેમ જ કેટલાક અધિકારીઓને તો હાથો હાથ એજન્ડા આપવામાં આવ્યા હતા.તેમ છતાં અધિકારીઓ ગ્રામજનોના પ્રશ્નોને સાંભળવા માટે ગ્રામસભામાં હાજર રહ્યા ન હતા.જેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.તેમજ દરેક વિભાગનાં કર્મચારીઓ કે અધિકારીઓ કુંભકર્ણનાં નિદ્રામાં હોય તેવુ સ્થાનિકોને જણાઈ રહ્યું છે.ત્યારે આ અધિકારીઓને કારણે જ ગ્રામજનો વિકાસથી વંચિત હોય તેવા આક્ષેપો પણ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે..






