AHAVADANG

Dang:શામગહાન સી.એચ.સીની ડૉક્ટરે પ્રસુતા માતાની ગરિમાને લજવી રઝળપાટ કરવા મજબૂર બનાવ્યા..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં શામગહાન સી.એચ.સી નાં ડોક્ટરની માનવતા મરી પરવારી,આદિવાસી અને ગરીબ બે મહિલાઓની પ્રસુતિ થયા બાદ સીએચસીમાંથી તગેડી મૂકતા ગરીબ આદિવાસી મહિલાઓ નવજાત  બાળકો સાથે વરસતા વરસાદમાં પ્રસુતિ બાદ સારવાર વગર રઝળી પડતા દયનિય સ્થિતિ સર્જાઈ હતી..
રાજયનાં મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીનાં રાજમાં છેવાડેનાં ડાંગ જિલ્લાની આદિવાસી પ્રસુતા બહેનોને રઝળપાટ કરવાની નોબત ઉભી થઈ છે.રાજ્ય સરકાર છેવાડેનાં આદિવાસી ગરીબ દર્દીઓ માટે વર્ષ દહાડે કરોડોની ગ્રાંટ ફાળવે છે.પરંતુ તંત્રનાં પાપે આદિવાસી જનજીવન આજે પણ બાપડુ બીચારૂ બની રઝળપાટ કરતા જોવા મળી રહ્યુ છે.જેનું ઉત્તમ ઉદાહરણ ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં શામગહાન સી.એચ.સીમાં જોવા મળ્યુ છે.ડાંગ જિલ્લાનાં શામગહાન સી.એચ.સીમાં ફરજ બજાવતી મહિલા ડોકટરે ભાન ભૂલી માતાની ગરિમાને લજવી છે.શામગહાન સીએચસી ખાતે ફરજ બજાવતી ખુશ્બુ ટંડેલ નામની તબીબ મનસ્વી વલણ અખત્યાર કરી ગરીબ આદિવાસી દર્દીઓ સાથે અમાનુષ વર્તન કરી રહી હોવાની રાવ સ્થાનિકો કરી રહ્યા છે. ગતરોજ તા. 09/06/24નાં રોજ સંગીતાબેન રાહુલભાઈ ગાવિત ઉ લ.24 .રહે શામગહાન અને તુળશીબેન  સંદીપભાઈ મહવરે રહે નડગચોંડ તા.વઘઇ ડાંગનાઓને પ્રસુતિની પીડા થતા 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની શામગહાન સીએચસીમાં દાખલ કર્યા હતા.બાદમાં બન્ને મહિલાઓની બપોરે  3 વાગ્યા સુધીમાં નોર્મલ પ્રસુતિ થઈ હતી,અને બન્ને મહિલાઓએ બાળકોને જન્મ આપ્યો હતો.પરંતુ અહી સીએચસીનાં ફરજ પરનાં મહિલા ડોકટર ખુશ્બૂ ટંડેલ દ્વારા પ્રસૂતા મહિલાઓને દવા ગોળી કે સારવાર આપવાની તસ્દી પણ લીધી ન હતી.જેના કારણે પ્રસુતિ થયેલ સંગીતાબેન ગાવીતને અશક્તિ આવી જતા તેણી ચક્કર ખાઈ પડી જતા કફોડી સ્થિતિ સર્જાઈ હતી.ત્યારબાદ ફરજ પરના તબીબ ડો ખુશ્બૂ ટંડેલ  દ્વારા બન્ને પ્રસૂતા મહિલાઓને 108 બોલાવી સીએચસીમાંથી કોઈપણ કારણ જણાવ્યા વગર  સાપુતારા  પીએચસીમાં  મોકલી દેતા વરસતા વરસાદ વચ્ચે પ્રસૂતાઓ નવજાત બાળકો સાથે સાપુતારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડતા દર્દીઓ સહીત તેમના પરિવારની કફોડી સ્થિતિ સર્જાઈ હતી.ત્યારે પ્રસુતા મહિલાઓએ બાળકોને જન્મ આપ્યા બાદ તેઓની હાલત નાજુક હોવા છતાંય આ મહિલા ડોકટરે તેઓને રઝળપાટ કરવા માટે મૂકી દેતા શામગહાન સીએચસીમાં ચાલતુ  ભખડજંતર બહાર આવ્યુ હતુ.અત્રે ઉલ્લેખનીય છે કે કોઈપણ સગર્ભા દર્દી ને સીએચસીમાં દાખલ કરાયા બાદ તે શસ્ક્ત બને ત્યાં સુધીની જવાબદારી હોસ્પિટલની હોય છે,તેવા સંજોગોમાં સામગહાન સી.એચ.સીમાંથી દર્દીઓને પીએચસીમાં  કે જ્યાં ગાયનેક કે  એમબીબીએસ ડોકટર ને બદલે આયુર્વેદ તબીબ હોય તેવી જગ્યાએ રીફર કરી દેવાતા અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા છે.આ બન્ને પ્રસુતિ થયેલ ગરીબ મહિલાઓની દયનિય હાલત જોઈને અન્ય લોકોનું હૃદય પણ કંપિત થઈ ઊઠ્યુ હતુ.જોકે કોઈ જાગૃત આગેવાન દ્વારા સમગ્ર બાબતની જાણ ડાંગ ક્લેકટરને કરતા કલેકટર એમ.આઈ. પટેલે માનવતા બતાવી સંબધિત તંત્ર ને  કડક સૂચના આપતા સફાળા જાગેલા ડોક્ટર દ્વારા એમ્બ્યુલન્સ મારફતે બન્ને પ્રસૂતા મહિલાઓ અને પરિવારોને  ફરીથી શામગહાન સીએચસી ખાતે રીફર કરતા હાશકારો અનુભવ્યો હતો.એકબાજુ રાજ્ય સરકાર  આદિવાસીઓ માટે અનેકવિધ આરોગ્યલક્ષી યોજનાઓ સાકાર પામી હોવાની મોટી મોટી જાહેરાતો કરે છે,તેવામાં શામગહાન સીએસીસી ખાતે પ્રસુતિ પામેલ ગરીબ મહિલાઓને  યોગ્ય સારવાર અપાવ્યા વગર દવાખાના માંથી કાઢી મુકવાની બાબતને લઈ આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.અને શામગહાન સહિત વિસ્તારનાં આગેવાનોએ સી.એચ.સીનાં ડોકટર સામે ફિટકાર વરસાવ્યો હતો.આ  બાબતે પ્રસૂતા સંગીતાબેન ગાવિતે જણાવ્યુ હતુ  કે ગતરોજ રવિવારે સાંજે મારા પેટમાં દુખાવો ઉપડ્યા બાદ મારા પરિવારે શામગહાન સીએચસીમાં દાખલ કરાવી હતી,જ્યાં મારી નોર્મલ સુવાવડ થઈ હતી,પરંતુ મારુ લોહી વધુ નીકળી જતા મને ચક્કર આવી ગયા હતા,તેમ છતાં  સીએચસીનાં  ડોકટર ખુશ્બુ ટંડેલે કોઈ સારવાર કે દવા આપી  ન હતી,તેમજ અમને સખ્ત દુખાવો ઉપડેલ હોવા છતા   બળજબરી પૂર્વક 108માં બેસાડી  સાપુતારા પીએચસીમાં રીફર કરી દેવાયા હતા,ત્યારે સીએચસીના ડોક્ટર અને સ્ટાફની માનવતા મરી ગઇ છે કે શું.એક મહિલા ડોકટર માતાની વેદના ન સમજે તો બીજું કોણ સમજશે.બોક્ષ (2) આ  સંદર્ભે શામગહાન સીએચસી હોસ્પિટલનાં અધિક્ષક ડૉ સુરેશભાઈ પવારને પૂછતાં તેમણે જણાવ્યુ હતુ કે કોઈપણ દર્દી સીએચસીમાં દાખલ થાય તો તે સાજો થાય ત્યાં સુધીની સંપૂર્ણ જવાબદારી સીએચસીની હોય છે,કથિત પ્રસૂતા મહિલાઓને ક્યાં કારણથી  પીએચસી ખાતે ખસેડવામાં  આવ્યા હતા તેની મને જાણ નથી,આ સમગ્ર બાબતની તપાસ હાથ ધરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે..શામગહાન સી.એચ.સીની મહિલા ડોકટર ખુશ્બુ ટંડેલ સારવારનાં અર્થે આવતા આદિવાસી દર્દીઓને હાથ પણ ન અડાડી ઓરમાયુ વર્તન કરતી હોવાની અનેક ફરિયાદ. સાપુતારાની તળેટીય વિસ્તારમાં આવેલ અંદાજીત 25 ગામડાઓનાં દર્દીઓ માટે શામગહાન સી.એચ.સી આશીર્વાદરૂપ સમાન છે.પરંતુ અહી ડોકટર ખુશ્બુ ટંડેલની બેદરકારી અને આદિવાસી દર્દીઓ સાથેનાં ઓરમાયા વર્તનનાં પગલે સી.એચ.સી હોસ્પિટલની સ્થિતિ ગડું રાજાની અંધેરી નગરી જેવો ઘાટ સર્જાયો છે.વધુમાં આ ડોકટર દ્વારા સારવાર માટે આવતા ગરીબ દર્દીઓને હાથ પણ ન લગાડી ખરાબ વર્તન કરાઇ રહીની ફરિયાદો ઉઠવા પામી છે.ત્યારે આવા બેજવાબદાર ડોકટરોને કાયમી ધોરણે ડિસમિસ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!