AHAVADANG

આહવા ખાતે ઇન્ચાર્જ કલેક્ટર શ્રી બી.બી.ચૌધરીના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

*દેશના મતદારોને સમર્પિત ૧૫મો રાષ્ટ્રીય મતદાતા દિવસ સરકારી વિજ્ઞાન કૉલેજ ખાતે ઉજવાયો :*

ભારતના ચૂંટણી પંચના ૬૧મા સ્થાપના દિવસે, એટલે કે તા.૨૫મી જાન્યુઆરી, ૨૦૧૧ના રોજ ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી આ દિવસને “રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે જાહેર કરવામાં આવેલ છે.

(National Voters Day) ઉજવણીનો સૌથી મોટો ઉદ્દેશ દેશના મતદારોને મતદાન અંગે જાગૃત કરવાનો છે. આ ઉપરાંત ભારતના ચૂંટણી પંચનો (Election Commission of India) મુખ્ય ઉદ્દેશ્ય, દેશના તમામ મતદાન મથક વિસ્તારોમાં દર વર્ષે તા.૧લી જાન્યુઆરીએ ૧૮ વર્ષની વયે પહોંચેલા તમામ પાત્ર મતદારોની ઓળખ કરવાનો, અને તેમનું નામ મતદાર યાદીમાં યોગ્ય રીતે નોંધાય તે સુનિશ્ચિત કરવાનો છે, તેમ જિલ્લા ચૂંટણી અધિકારી-વ-ઇન્ચાર્જ કલેક્ટર શ્રી બી.બી.ચૌધરીએ જણાવ્યુ હતુ.

લોકશાહીના જતન, સંવર્ધન માટે યુવા મતદારોને જાગૃત થવાની હાંકલ કરતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી તેમજ ઇન્ચાર્જ કલેક્ટર શ્રી બી.બી.ચૌધરીએ, એક પણ મતદાર મતદાન વિના ન રહે તે જોવાની હિમાયત કરી હતી.

ચૂંટણી પંચ દ્વારા સો ટકા મતદાન થાય તે માટે અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ત્યારે વધુમા વધુ મતદાન થાય તે આવશ્યક છે તેમ તેમણે જણાવ્યુ હતુ. ચૂંટણી મતદાનની પ્રક્રીયામા દરેક નાગરીક પોતાના હક્કથી વંચિત ના રહી જાય, ચૂંટણીઓ દરમિયાન ડાંગ જિલ્લામા વધુમા વધુ મતદાન કરવા દરેક નાગરીકોને કલેક્ટરશ્રીએ અપીલ કરી હતી.

આ દિવસની ઉજવણીના ભાગરૂપે પાત્રતા ધરાવતા નાગરિકોનું મતદાર યાદીમાં નામ નોંધાયેલ ન હોય તેવા તમામ નાગરિકો મતદાર યાદીમાં નામ નોંધાવે તથા, તેને મળેલા મતદાનના બંધારણીય હકકનો અવશ્ય ઉપયોગ કરી, આવનાર સમયમાં યોજાનાર ચૂંટણીઓમાં અવશ્ય મતદાન કરી વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશની, પવિત્ર અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયાનું એક અભિન્ન અંગ બને તે સુનિશ્ચિત કરવા કલેક્ટરશ્રીએ આ પ્રસંગે જણાવ્યુ હતુ.

તેઓએ માહિતી આપતા વધુમાં જણાવ્યુ હતુ કે, ડાંગ જિલ્લામા તા: ૦૬/૧/૨૦૨૫ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ આખરી મતદારયાદી મુજબ જિલ્લાના ૩૧૧ ગામડાઓમા કુલ ૨ લાખ ૧૬૯ મતદારો નોંધાયેલા છે. જેમા પુરૂષ મતદારોની સંખ્યા ૧ લાખ ૯૭, અને મહિલા મતદારોની સંખ્યા ૧ લાખ ૭૦, ઉપરાંત થર્ડ જેન્ડર મતદારોની સંખ્યા ૨ (બે) નોંધાયેલ છે. જે પૈકી  કુલ ૧૦૭૧ PwD (દિવ્યાંગ) મતદારો, ૮૫ વર્ષથી વધુ વયજુથના ૭૨૬ વરિષ્ઠ મતદારો, ૧૮ થી ૧૯ વર્ષના નવા  યુવા મતદારોની સંખ્યા ૬ હજાર ૭૯૬ નોંધાયેલ છે.

મતદાન જાગૃતિ માટે વિવિધ કેટેગરીમા શ્રેષ્ઠ કામગીરી કરનાર નાયબ મામલતદારશ્રી, શ્રેષ્ઠ બી.એલ.ઓ સુપરવાઈઝરશ્રીઓ, શ્રેષ્ઠ બી.એલ.ઓશ્રીને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમ પ્રંસગે નવા મતદારોને EPIC કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. તેમજ મતદાર જાગૃતિ અંગે ની ટૂંકી ફિલ્મ નિહાળવામાં આવી હતી. સાથે જ મારો મત મારો અધિકારની નેમ વ્યક્ત કરતાં નવા મતદારોએ પોતાના પ્રતિભાવો રજૂ કરી સૌને અવશ્ય મતદાન કરવાની અપીલ કરી હતી.

ઉપરાંત અહીં, સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજ આહવાના આચાર્યશ્રી ડૉ. યુ.કે.ગાંગુર્ડેએ સ્વ લિખિત મતદાતા દિવસ અંગે મતદાનનું મહત્વ સમજાવતી કવિતાનું કાવ્ય પઠન કર્યું હતું. સાથે જ સરકારી વિજ્ઞાન કૉલેજના એસ.વાય બી.એનાં વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિ અંગેનું નાટક રજૂ કર્યું હતું.

*બોક્સ*

*મતદારની પ્રતિજ્ઞા*

અમે, ભારતના નાગરીકો, લોકશાહીમાં સંપૂર્ણ વિશ્વાસ રાખીને પ્રતિજ્ઞા લઈએ છીએ કે, અમે આપણાં દેશની લોકતાંત્રિક પ્રક્રિયાઓની મર્યાદા જાળવીશું અને સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણીઓની ગરીમાને જાળવીને, નિર્ભયતાથી, ધર્મ, વર્ગ, જાતિ, સમાજ, ભાષા અથવા અન્ય પ્રલોભનથી પ્રભાવિત થયા સિવાય, દરેક ચૂંટણીમાં અમારા મતાધિકારનો ઉપયોગ કરીશું.

આ પ્રંસગે મતદાર નોંધણી અધિકારીશ્રી વ પ્રાંત અધિકારી શ્રી કાજલ આંબલીયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એમ.કે.ખાંટ, નોડલ અધિકારી સ્વિપ વ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જીગ્નેશ ત્રિવેદી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીસર્વેશ્રીઓ આહવા મામલતદાર શ્રી યોગેશ ચૌધરી, સુબીર મામલતદાર શ્રી આઈ.એમ.સૈયદ, ઇન્ચાર્જ ચૂંટણી મામલતદાર શ્રી મિનેશભાઈ જી. ગાયકવાડ, ચૂંટણી નાયબ મામલતદાર શ્રી સંજય વડાલીયા, સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજ આહવાના આચાર્યશ્રી ડૉ. યુ.કે.ગાંગુર્ડે, સરકારી વિજ્ઞાન કોલેજના આચાર્યશ્રી ડૉ. એ.જી ધારિયા, તેમજ કોલેજના પ્રાધ્યાપકશ્રીઓ તેમજ યુવા મતદારો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!