AHAVADANG

આહવા ખાતે સરકારી હોસ્ટેલ અને માધ્યમિક શાળામાં પાણીની તંગી બાબતે વાસુર્ણાના રાજવીની કલેક્ટરને રજૂઆત..

વાત્સલ્યમ સમાચાર

      મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલી માધ્યમિક શાળા અને તેની બિલકુલ બાજુમાં આવેલી સરકારી હોસ્ટેલમાં હાલમાં પાણીની ભયંકર અછત ઊભી થઈ છે.આ ગંભીર સમસ્યા અંગે વાસુર્ણાના રાજવી ધનરાજસિંહ ચંદ્રસિંહ સૂર્યવંશી દ્વારા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરીને તાત્કાલિક નિવારણ લાવવા માટે ઉગ્ર માંગ કરવામાં આવી છે.પત્રમાં જણાવ્યા અનુસાર, આ સરકારી હોસ્ટેલમાં ડાંગ જિલ્લાના અંતરિયાળ અને ગરીબ પરિવારોના બાળકો રહીને પોતાનો અભ્યાસ કરે છે. છેલ્લા કેટલાક સમયથી અહીં પૂરતા પ્રમાણમાં પાણી ન મળવાને કારણે આ વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે વિદ્યાર્થીઓને નાહવા-ધોવા, પીવા તેમજ રોજિંદી દૈનિક ક્રિયાઓ માટે પણ પૂરતું પાણી મળી રહ્યું નથી. શાળા અને હોસ્ટેલમાં સર્જાયેલી આ ભયંકર પાણીની અછતના કારણે વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય જોખમાય તેવી ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે, જેના લીધે તેમના અભ્યાસ પર પણ ખૂબ જ માઠી અસર પડી રહી છે. ડાંગના ભવિષ્ય સમાન આ ગરીબ બાળકો આવી વિકટ પરિસ્થિતિમાં મુશ્કેલી વેઠી રહ્યા છે તે અત્યંત ગંભીર બાબત છે.આ સમસ્યાના કાયમી અને તાત્કાલિક ઉકેલ માટે કલેક્ટર સમક્ષ બે મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી છે.(1)હોસ્ટેલ અને શાળા કેમ્પસમાં તાત્કાલિક ધોરણે પાણીના ટેન્કરો દ્વારા પૂરતો પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે જેથી વિદ્યાર્થીઓને રાહત મળે.(2) ત્યાં આવેલી પાણીની લાઈન અથવા બોરવેલની ટેકનિકલ ખામીઓની યોગ્ય ચકાસણી કરીને, પાણી પુરવઠા વિભાગ દ્વારા આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે.ડાંગની જનતાની સુખાકારી અને આ ગરીબ વિદ્યાર્થીઓના હિતને ધ્યાને રાખીને, કલેક્ટર આ સંવેદનશીલ પ્રશ્નની ગંભીરતા સમજીને અંગત રસ લે અને વહેલી તકે યોગ્ય તેમજ સકારાત્મક આદેશો કરે તેવી નમ્ર અપીલ વાસુર્ણા  સ્ટેટનાં રાજવીએ પત્રના અંતમાં કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!