AHAVADANG

ડાંગ જિલ્લાનાં ધવલીદોડ ગામે વિદ્યાર્થીઓને શૈક્ષણિક સાધનોનું વિતરણ, સ્વામીજીએ પ્રોત્સાહક ઇનામ યોજના જાહેર કરી

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના ઉખટિયા સ્થિત આનંદ આશ્રમના ડૉ. યોગી સ્વામી અરુણાનંદ મુનિઅને સુરતની પી.પી. સવાણી વિદ્યાભવનના મેહુલ રાજ્યગુરૂના સૌજન્યથી નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે આહવા તાલુકાની સરકારી માધ્યમિક શાળા, ધવલીદાડ ખાતે વિદ્યાર્થીઓને શૈક્ષણિક સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, કંપાસ બોક્સ, નોટબુક સહિત વિવિધ શૈક્ષણિક સામગ્રી ભેટરૂપે આપવામાં આવી હતી. આ વિતરણ કાર્યક્રમ ડૉ. યોગી સ્વામી અરુણાનંદ મુનિના હસ્તે યોજાયો હતો.

પ્રસંગે વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી સંબોધન કરતાં સ્વામી અરુણાનંદજીએ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જો ધવલીદાડ સરકારી માધ્યમિક શાળા ધોરણ-10માં 100 ટકા પરિણામ હાંસલ કરશે તો સમગ્ર શાળા પરિવારના વિદ્યાર્થીઓને ગુજરાતનો શૈક્ષણિક પ્રવાસ કરાવવામાં આવશે. ઉપરાંત ધોરણ-9 અને 10ના જે વિદ્યાર્થીઓ ભગવદ્ ગીતાના 12મા અથવા 15મા અધ્યાયમાંથી કોઈ એક અધ્યાયના 20 શ્લોકો મુખપાઠ કરીને સંભળાવશે, તેમને આશ્રમ તરફથી રૂ. 1,500નું રોકડ પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે.

કાર્યક્રમમાં ડાંગ જિલ્લાના નિવૃત્ત ગ્રંથપાલ દત્તાત્રેય મોરે પણ વિશેષ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.

શાળાના આચાર્ય શ્રીમતી ધર્મિષ્ઠાબેન પટેલે મહેમાનોનું સ્વાગત કરી આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર અને પ્રેરણાદાયી વાતાવરણમાં સંપન્ન થયો હતો.

Back to top button
error: Content is protected !!